એવેન્જર્સ એન્ડ ગેઈમ : બકાની નજરે !


- જો તમે એક ટિકિટના 350 થી 600 રૂપિયા ખરચીને, કે રાતના 3.30ના શોમાં ઘેલસઘરા બનીને ‘એવેન્જર્સ-એન્ડ ગેઈમ’ ના જોઈ આવ્યા હો...

- જો તમે ‘એવેન્જર્સ - એન્ડ ગેઈમ’ની કમાણીના અધધ આંકડા સાંભળીને ‘ઓહો-ઓહો’ કરતા હો...

- અને જો તમને એમ થતું હોય કે બોસ, એવું તે શું હશે આ પિકચરમાં ?

તો અમારા મહેસાણાવાળા બકાને મોઢે એની સ્ટોરી સાંભળી લો ! પછી જ નક્કી કરજો કે ટિકીટના 350 + 100 પોપકોર્નના બચાવવા છે કે નહિં ?

***

મન્નુભઈ, આપડોં ને ઇંગ્લીસ પિક્ચરમોં બઉ હમજ ના પડ, પણ હાહરું ‘એવનજર્શ એન્ડ ગેમ’ નોંમ હોંભરી ને તરત ઈનું ગુજરાતી કરી નોંખેલું... ‘એવનજરીયોં અને રમત !’

અવ તમોંન ઈની સ્ટોરી કઉ...

ઓમોં કંઈ હત્તર જાતનોં એવનજરીયોં છ. એક ભઈ લોખંડનું તગારું ઢાલની જેમ લઈને ફરતો ફર છ, ને પોતાની જાતને અમેરિકાનો કેપ્ટન હમજ છ. બીજો એક પોફેસર છ. એ રિટાયર થઈ જ્યો છ અને ઇંની બેબલીને એલિયન-પેલિયનની વારતાઓ કીધે રાખે છે.

એ શિવાય એક મોટા દૈત ગોરિલા વોંદરા જેવો મોંણહ છ. ઈનું નાક બે ઇંચનું છ, ને મોઢું બાવીશ ઇંચનું છ. અક્કલનો હાવ બુઠો છ, તોય કોમ્પ્યુટર મશીનનોં કોમ બધા એવનજરિયોં ઈને જ હોંપે છે..

એ શિવાય એક છોડી છ, ઈની ઓંખોંમોંથી તારામંડળ જેવા તણખા નેંકરે છે. એક દાઢીવારો દારૂડીયો છ ઈનો બેંતાળીસ મણનો હથોડો ક્યોંક ખોવઈ ગ્યો છ એટલે કોંય કોંમકાજ કરતો નહીં !

એક ‘એંટ-મેન’ છ. એ હાહરુ કીડી જેવડું થઈ જોંય તોય પોતાની ‘એંટ’  છોડતું નહીં ! એક શિયાળ પણ છ, જે બધોંની વાતમોં અમથોં અમથોં ભજીયોં મેલ્યા કર છ.

મૂળ સ્ટોરી ચોંથી સ્ટાટ થાય છ, કે આ બધોં એવનજરિયોંના પાવર-કટ થઈ જ્યા છ ! કારણકે થેનોસ નોંમના કોઈ વિલને તૈંણ વરહ પેલ્લોં છ મણિના પાવરથી ઈંયોંની હવા કાઢી મેલેલી છે.

અવ, ઇંમોથી એકને  વિચાર આવે છે ક અલ્યા, કોંક એવું મશીન બણાઈએ કે આપડે પોંચ વરસ પેલ્લોંના ફ્લેશ-બેકમોં જત્તા રઈયે, ને પેલોં છ પાવરફૂલ મણિ હોધી કાઢીને, એક બેઝબોલના ગ્લોવમોં ચોંટાડીને, પેલા વિલનને જ પતાઈ દઈએ... તો કેવું ? હેં ?

ઓમોં અડધું પિકચર તો બધોંને ભેગોં કરવામોં ચલાયે રાખે છે. “હેંડ ને અલ્યા, અમારી જોડે જોડાઈ જા ને ?” “ના હોં, મારે નહીં આબ્બુ !” “અલ્યા હેંડ, મજા આવસે.” “ના કીધું ને ?” “અલ્યા, જીતી જઈસુ તો ગાયન ગાવા મલસે...” “પણ મારે નહીં આબ્બુ ! મને પબજી રમ્મા દે ને?”

જેમતેમ જેમતેમ કરીને બધોં ભેગોં તો થાય છ, પણ હાહારીનાવને એ હમજ નહીં પડતી કે 2019મોંથી ડાયરેક 2014મોં જવાય એવું ફ્લેશ-બેક મશીન ચોંથી લાવવું ? 

આપડોં ને થાય, ક ભ’ઈ, ઇન્ડિયામોં પેલા અકસયકુમારના પિકચર ‘એક્સન-રિપ્લે’મોં અમારા દેશી વૈગ્નાનિકે એવું મશીન રમતોં રમતોં બનઈ નોંખેલું, તો ઈમોં શું મોટી મોથ મારવાની હોય એમ ગોથાં ખાવ છો ?

છેવટે પેલો ગોરિલા વોંદરા જેવો મોંણહ પોફેશરે હોધેલી ફોરમુલા વડે સરકસના મોતનો કૂવા જેવું મશીન બનાવ છ. લોચો એ છ, કે ઈંને સ્ટાટ કરવા માટે જે કી-બોર્ડ છ, ઈંની ચોંપો એટલી નોંની નોંની છ કે પેલા ગેંડા જેવા મોંણહની જાડી ભમ ઓંગળી વડે એકીહાથે બબ્બે ચોંપો દબઈ જાય છે !

ઇમોં ન ઇંમોં એક એવેન્જરિયો પોંચ સેકન્ડમોં  પોંચ વરહનો બાબલો બની જોંય છ, બીજી પોંચ સેકન્ડમોં ડોહો બની જોંય છ અને તીજી પોંચ સેકન્ડમોં બે વરહનો બાબલો બની જોંય છ ! એ તો હમજ્યા, પણ ભઈલુનું પાટલૂને ય પીપી વારું થઈ જોંય છ...

ઓંમ કરતે કરતે છેવટે આ કારટુન જેવોં એવનજરિયોં 2014મોં પોંકી જાય છ. એક ફેરી તો એક પોફેસર ત્યોંથી વરી 1970મોંય ઓંટો મારી આવ છ... ને છેલ્લે દરેક પિકચરમોં થાય એવી ફાઈટ થોંય છ, ન વિલન મરી જોંય છ. પત્યું ?

આખી વાતમોં આપડોંને એ હમજ ના પડી કે ભઈ, 2014મોં તમીં આયા ’તા, તો ક્યોંય ‘હર હર મોદી...’ના નારા ચમ ના હંભળાયા ?

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment