હાઈવે ટ્રાફિક જામનાં દેશી લક્ષણો !

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે ઉપર એક કેમિકલ ટેંકર સળગી જવાથી જે ટ્રાફિક જામ થયો એમાં બિચારા લોકો છ-છ કલાક માટે ફસાઈ ગયા !

જો નેક્સટ ટાઈમ તમે આવા હાઇવે ઉપર ટ્રાફિક-જામમાં ફસાઓ તો શી રીતે જાણવું કે "બોસ, આ તો લાંબુ ચાલવાનું છે..."

***

- જો તમને ટ્રક ડ્રાયવરો સડકના કિનારે બેસીને પત્તાં રમતાં દેખાય...

***

- જો ટ્રકના ક્લિનરો કેરબાના પાણી વડે ટ્રક ધોવા માંડ્યા હોય...

***

- જો અચાનક આજુબાજુના ગામમાં રહેતા લોકો પાણીની બોટલો ચાર ગણા ભાવે વેચતા દેખાય...

***

- જો પાણી વેચનારા અચાનક વડાપાઉંના ઓર્ડરો લેતા દેખાય...

***

- અને જો વડાપાંવ વેચનારા “જમવાના” ઓર્ડરો લેવા માંડે... તો સમજી લેવાનું કે બોસ, આ હવે લાંબું ચાલવાનું !

***

- આનાથી આગળના તબક્કામાં, જો તમને ડ્રાયવરો અને ક્લીનરો ફૂંક મારીને ઓશિકાં ફૂલાવતાં દેખાય...

***

- જો ટ્રાફિકની વચ્ચેથી રોંગ સાઈડમાં આવી રહેલા બાઈકવાળા ભાડેથી ગોદડાં-ચાદર ઓફર કરતા દેખાય..

***

- અને “ડીનર ટાઈમ” જતો રહ્યો હોય છતાં પણ તમને ફેરિયાઓ વેફર્સ, શીંગ ભૂજિયા, સેવ, ગાંઠિયા વગેરેનાં પેકેટો વેચતા દેખાય..

તો સમજી લેવાનું કે હવે સોફ્ટ-ડ્રીંક્સની બાટલીઓમાં કંઈક ‘બીજું’ પણ આવશે !

***

- અને બોસ, ઉપર લખ્યું છે એ મુજબ બધું જ થવા માંડે... તો ચિંતા કર્યા વિના ભાડૂતી ગોદડાં ઉપર ભાડૂતી ચાદર ઓઢીને ઊંઘી જાવ...

... કારણ કે સવારે તમને ટુથ-બ્રશ, ટુથ-પેસ્ટ અને ‘લોટો’ પણ ભાડેથી મળી રહેશે !

હેપ્પી જર્ની...

***

- મન્નુ શેખચલ્લી

 

Comments