અસંસ્કારી અભિનેત્રીઓ ?


મિમિ ચક્રવર્તી અને નુસરત જહાન નામની બે બંગાળી યુવાન અભિનેત્રીઓ (હેમામાલિની જેવી આન્ટીઓ નહિ) લોકસભાની ચૂંટણીમાં જીતી ગઈ.

એમણે લોકસભાના બિલ્ડીંગ સામે મસ્ત મોડર્ન મોડલ્સ જેવાં કપડામાં ફોટા શું પડાવ્યા, લોકો પાછળ પડી ગયા, કે આ તે કંઈ ‘સંસ્કાર’ છે ?

લો બોલો…

***

ના ના, તે લોકસભામાં વળી કયા ‘સંસ્કારી’ લોકો આવે છે ? મોટેભાગના સાંસદો ફાંદેબાજ, કૌભાંડી, ભ્રષ્ટાચારી અને ક્રિમિનલ્સ હોય છે !

એમની સરખામણીમાં આ બે કન્યાઓ તો સાવ ‘નિર્દોષ’ ગણાય !

***

વળી, એ ના ભૂલતા કે બન્ને અભિનેત્રીઓ 6,88,000 અને 7,82,000 મતો મેળવીને જંગી બહુમતીથી ચૂંટાઈ આવી છે !

તો બંગાળના મતદારોએ એમને શું ‘જોઈને’ મત આપ્યા હશે ?

***

‘સંસ્કાર’ જોઈને જ મત આપ્યા હશે ને ?

કારણ કે પ્રચાર વખતે તો એમણએ સાદી સાડીઓ અને સિમ્પલ પંજાબી ડ્રેસો જ પહેર્યા હતા !

***

આ તો એવું જ થયું ને, કે બીજા નેતાઓ મત માગતી વખતે હાથ જોડતા, નમન કરતા, ગરીબડું મોં કરીને પ્રજા પાસે આવે છે. અને સાંસદ બનતાં જ એમનો આખો તૌર ફરી જાય છે….

- તો આ બે અભિનેત્રીઓએ પણ એ જ કર્યું ને ? આ તો ‘પરંપરા’ છે ! અને પરંપરા એટલે ‘સંસ્કાર’ નહીં ?

***

ઉલ્ટું, એમ વિચારવું જોઈએ કે આ બે સુંદરીઓને લીધે તૃણમૂલ કોંગ્રેસની ઈમેજ કેટલી ‘સુધરી’ ગઈ છે !

બાકી, મમતાજીને જોઈ જોઈને તો આપણા મનમાં કેવી છાપ પડી ગઈ હતી ?

***

મેઈન વાત એ છે કે આ અભિનેત્રીઓને ‘અ-સંસ્કારી’ કહીને ભાંડનારા લોકોમાંથી કેટલા એવા હશે કે જેમણે મિમિ ચક્રવર્તી અને નુસરત જહાનની અન્ય હૉટ તસવીરો પોતાના મોબાઈલમાં સર્ચ મારીને ‘નહિ’ જોઈ હોય ?

***

- મન્નુ શેખચલ્લી

Comments