મોબાઈલમાં ચાંપલા એનાઉન્સમેન્ટો !


પેલાં જુનાં ડબલા-ફોનોમાં સારું હતું કે ફોન એન્ગેજ હોય તો ટૂં... ટૂં.... ટૂં.... થતું.

ઘણી રીંગો વાગ્યા પછી આપણે ‘કોમનસેન્સથી’ સમજી જઈએ કે ‘ઉપાડતા નથી’. અને ટંટ... ટંટ... ટંટ... થયા પછી લાંબું ટુંઉંઉંઉં... થાય તો ખ્યાલ આવી જતો કે બોસ, ફોન લાગતો નથી.

હવે આ મોબાઈલ કંપનીઓવાળાએ વચ્ચે પેલી ચાંપલીઓને બેસાડી છે ! “તમે જે વ્યક્તિઈનોં સંમ્મપર્ક કરવા માંગો છો ઐ અંન્ય કોલ ઉપર વ્યંસ્ત છેએ... કૃપા કરીનૈં... થોડા સંમંય પછીંઈં ફોન કરવાં વિનંતીઈઈ છૈઈ...”

આમાં અડધા ગામડીયાઓને તો આવું ‘ગુજરાતી’ જ સમજાતું નથી ! અલ્યા, સીધું કહોને, “ઉપાડતા નથી ! થોડી વાર પછી ફરી લગાડજો ને ?”

પણ ના... “તમૈં જે વ્યક્તિઈનોં....” અલી ભલી બાઈ, એ કોઈ મહાન ‘વ્યક્તિ’ નથી ! અમારો પટાવાળો છે ! અને આ કૃપા કરીને... એટલે શું ? એ ટોપા ઉપર હજી ‘કૃપાઓ’ શેની કરવાની છે ? અને ‘થોડા સંમંય પછીઈં...?’ પછી તો એ ગધેડાએ ‘મને’ ફોન કરવો જોઈએ ! બેન, તું સાવ ખોટી જગ્યાએ શેની વિનંતીઈઈઓ ઠોક્યે રાખે છે ?

જોકે એમાં પેલાં બહેનનો કોઈ વાંક નથી. એ તો રેકોર્ડેડ ટેપ વાગતી હોય છે. પણ યાર, આટલી લાંબી ચાંપલાશો કરવા કરતાં પેલું જુનું ટું.... ટું... શું ખોટું હતું ?

અચ્છા, એક કંપનીની સિરિઝમાં એવું છે કે તમે ફોન લગાડો એટલે મ્યુઝિક સંભળાય, પછી પેલી કન્યા બોલે : “કોલ કરને કે લિયે ધન્યવાદ... આપને જિસ વ્યક્તિ કો કોલ કિયા હૈ વહ કુછ હી દેર મેં આપકા કોલ રિસિવ કરેંગે... કૃપયા પ્રતીક્ષા કિજિયે !”

લો બોલો. જાણે આપણે મુકેશ અંબાણીને ફોન કર્યો હોય ! અને એમની સેક્રેટરી કહેતી હોય : “કુછ હી દેર મેં આપકા કોલ રિસિવ કરેંગે...”

ઓ દેવીજી ! એ કોઈ મોટો અંબાણી નથી, મારો રખડેલ ભત્રીજો છે ! એનું રિ-ચાર્જ પણ હું જ કરાવી આપું છું. એ છંછૂદર આટલો ભાવ શેનો ખાય છે ?”

બાકી, સૌથી વિચિત્ર તો આ હોય છે : “... વહ આપ કે પ્રભાવ ક્ષેત્ર સે બાહર હૈં!”

ઓ મેડમ, આ ‘પ્રભાવ-ક્ષેત્ર’ એટલે શું ? અહીં ચીફ માર્કેટિંગ મેનેજર એના મામૂલી સેલ્સમેનને ફોન લગાડી રહ્યો છે, પેલો ટુણિયાટ સેલ્સમેન થોડીવાર પહેલા દુકાને દુકાને ફરીને વેફર્સનાં પડીકાંનો ઓર્ડર લેતો હતો, એ અચાનક મેનેજરના ‘પ્રભાવ’માંથી બહાર નીકળી ગયો ?

આ તો ઠીક છે, પણ મમ્મી-પપ્પા એમની જુવાન દિકરીને રાતે અગિયાર વાગે ફોન લગાડતા હોય અને વચમાં પેલી મોબાઈલ કંપનીવાળી કહે કે તમારી દિકરી તમારા ‘પ્રભાવ-ક્ષેત્ર’ની  બહાર છે... તો મા-બાપે શું સમજવાનું ?

- હજી કહું છું, પેલું ટુંટું... ટુંટું... સારું હતું !

અમુક કંપનીની મેડમના ઉચ્ચારો પણ કંઈક વિચિત્ર જ હોય છે : “તમીં જે વિયક્તીને કૌલ કરિયો છે, તે અનિય વિયક્તી સાથે વાત કરવામાં વિયસ્ત છે...”

બેન, આટલું લાંબું લાંબુ શું કામ બોલો છો ? શોર્ટમાં પતાવો ને કે “બીજે વાત ચાલે છે. થોડીવાર રહીને ટ્રાય કરજો ને.” અરે, આ પણ લાંબુ જ છે ! એના કરતાં પેલું ‘ટુંટ્... ટુંટ્...’ બરોબર નહોતું ?

વળી, આ ‘અન્ય વ્યક્તિ’વાળું બહુ જ ડેન્જરસ છે ! પત્ની ફોન લગાડે અને પેલી વચ્ચેવાળી કોઈ ‘અન્ય વ્યક્તિ’ની હિન્ટ આપે રાખે... તો ડિનરનાં શાકો દાઝી જ જાય ને ?

ચાલો, પતિઓએ કંઈ બાળવા જેવું હોતું નથી (પેટ્રોલ સિવાય) કારણ કે એને ખબર છે કે પત્ની ફોનમાં જેની જોડે ચોંટી છે એ બહુ બહુ તો એની બહેનપણી હશે કે પછી કોઈ ‘પિયરીયું’! પણ બોસ, બિચારો બોયફ્રેન્ડ રાતના બાર વાગ્યાથી બે વાગ્યા લગી એની ગર્લફ્રેન્ડને ‘અન્ય વ્યક્તિ સાથે વ્યસ્ત’ સાંભળે...

- એમાં તો પછી મર્ડરો જ થાય ને ? એટલે કહું છું. ટુંટું... ટુંટું... સારું.

 ***

e-mail : mannu41955@gmail.com

Comments