રાહુલબાબાની નવી સમિતિઓ !


કોંગ્રેસ વર્કીંગ કમિટિએ રાહુલ ગાંધીને ફૂલ સત્તા આપી છે કે અત્યારની તમામ સમિતિઓ વિખેરી નાંખીને તમતમારે તમારી રીતની નવી જ સમિતિઓ બનાવો !

વાહ, બહુ સારું ! જરા વિચારો, રાહુલ ગાંધીને કેવી કેવી સમિતિઓની જરૂર છે ?...

***

કારણ શોધક સમિતિ

દરેક ચૂંટણી હારી ગયા પછી આ કમિટિ હારવાનાં કારણો શોધીને તૈયાર રાખશે !

***

જીતનાં કારણ શોધક સમિતિ

ક્યારેક કોંગ્રેસ આશ્ચર્યજનક રીતે જીતી પણ જાય છે ! તે વખતે ડઘાઈને સ્તબ્ધ બની જવાને બદલે આ સમિતિ જીતનાં કારણો પણ શોધી કાઢશે !

***

બગાસાં પ્રેરક સમિતિ

સૌ માને છે કે કોંગ્રેસને હંમેશાં બગાસાં ખાતાં ખાતાં જ પતાસાં (જીત) મળી જાય છે ! આથી એક્ટિવ થવા લાગેલી નેતાગિરીને ફરી બગાસાં ખાતી કરી દેવાનું કામ આ ઢીલી સમિતિ કરશે.

***

મતદાર શોધક સમિતિ

કોંગ્રેસનો મતદાર છે ક્યાં ? અને જો છે તો એ મતદાન મથક સુધી આવતો કેમ નથી ? નવી સમિતિ આ અઘરા સંશોધનનું મહાન કાર્ય કરશે.

***

ગરીબ શોધક સમિતિ

72000ની ઓફર છતાં ગરીબો ગયા ક્યાં ? ક્યાંક ઇન્દિરાજીનું ‘ગરીબી હટાઓ’ સપનું સાકાર તો નથી થઈ ગયું ને ? શોધ કરો ભાઈ, શોધ !

***

રાહુલ શોધક સમિતિ

રાહુલજી વચ્ચે વચ્ચે અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે ! એમને શોધીને, સમજાવીને પાછા લાવવાનું કામ  આ સમિતિ કરશે.

***

કાર્યકર શોધક સમિતિ

કાર્યકરો પણ ગાયબ થઈ જાય છે ! શું ભાજપવાળા એમનું પણ અપહરણ કરી નાંખે છે ? તપાસ માટે 'કાર્યકરો' નીમો ! (હેં?)

***

જયજયકાર સમિતિ

આપણે હારીએ કે જીતીએ, રાહુલજીનો સતત જયજયકાર થતો રહેવો જોઈએ. આ સમિતિ સૌને તાલીમ આપશે.

***

મેચ્યોરિટી સંવર્ધન સમિતિ

દર પાંચ વરસે રાહુલજી થોડાક વધુ મેચ્યોર થઈ તો જાય છે ! પરંતુ તે ‘બ્રેકિંગ ન્યુઝ’ લોકો સુધી પહોંચાડવાનું કામ આ સમિતિ કરશે.

***

-મન્નુ શેખચલ્લી

Comments