ચૂંટણીઓમાં મોદી સાહેબ જેટલા સુપરહિટ થયા છે એટલી એમની બાયોપિક જામી નથી. બિચારા ડિરેક્ટર ઓમંગ કુમારે મહેનત તો ઘણી કરી છે પણ...
એ બધું છોડો. જરા વિચારો કે મોદી સાહેબની બાયોપિક ‘સંજુ’ બનાવનાર રાજકુમાર હિરાનીએ બનાવી હોત તો કેવી જબરદસ્ત બની હોત, નહીં ?
***
પહેલી વાત તો એ કે ડિરેક્ટર તરીકે રાજકુમાર હિરાની જ શા માટે ? તો જવાબ છે કે એ ભાઈસાહેબ ફિલ્મ વડે ‘ક્લીન-ચિટ’ અપાવવામાં માસ્ટર છે ! એ પણ ‘મિડિયા’ને જ વિલન ચીતરીને !
તો સાંભળો, પિક્ચર કેવી રીતે સ્ટાર્ટ થશે...
***
મોદી સાહેબના બે NRI ચાહકો તેમના વિશે એક જોરદાર પુસ્તક પ્રગટ કરવાના છે. પુસ્તકના ચાર લેખકો છે. (ચારેય ગુજરાતી લેખકો છે પણ એમને હજી ‘પદ્મશ્રી’ મળ્યા નથી.)
એ ચારે જણા વારાફરતી પુસ્તકનાં પાનાં વાંચી સંભળાવવાનું શરૂ કરે છે : “આ એક એવા મહાન હિન્દુ હૃદયસમ્રાટ મહાનાયકની પ્રેરકગાથા છે જેમણે ભારતને માત્ર વિશ્વમાં જ નહિ, પુરા બ્રહ્માંડમાં સુપરપાવર બનાવવાનું બીડું -”
“એક મિનિટ, એક મિનિટ !” મોદી સાહેબ ખિજાઈ જાય છે. “આવું વાહિયાત પુસ્તક લખવાનું તમને કોણે કીધું ? જાવ. જઈને આને ઉજ્જવલા ગેસ-બાટલા વડે ચાલતા કોઈ ચૂલામાં સળગાવી નાંખો !”
સન્નાટો છવાઈ જાય છે. છેવટે બીજા એક NRI સજ્જન કહે છે “સાહેબ, હવે તો એક જ વ્યક્તિ આપની બાયોગ્રાફી લખી શકે તેમ છે...”
***
એ કોણ છે ? કેટરીના કૈફ છે ? અનુષ્કા શર્મા છે ? કે પછી દિપિકા પદુકોણ છે ? ના... એ સોનાક્ષી સિંહા છે ! (જોયું ? અહીં જ હિરાનીની માસ્ટરી છે ! ભાજપને ખરી-ખોટી સંભળાવીને પક્ષ છોડી જનાર શત્રુઘ્ન સિંહાની જ દિકરી આ રોલમાં હોય તો કેવી થ્રિલ મળે !)
જોકે ફિલ્મમાં સોનાક્ષી સિંહા બહુ મોટી અમેરિકન પત્રકાર છે જેને સરખું હિન્દી બોલતાં નથી આવડતું. એ ‘ભારત’ને બદલે ‘બાર્રર્રટ’ બોલે છે અને ‘હિન્દુત્વ’ને બદલે ‘ઈન્ડુટ્વા’ બોલે છે. એ બહુ ચાલાક છે. જો મોદીજીની બાયોપિક લખવા મળે તો મોદીજી ખુદ એમની લાઈફ-સ્ટોરી પોતાને કહેશે જ ને ! આ વાતનો ફાયદો ઉઠાવીને તે એક અમેરિકન પબ્લિશર જોડે પાંચ મિલિયન ડોલરનો કરાર કરી નાંખે છે ! (એક મિલિયન ડોલરનું એડવાન્સ પણ લઈ લે છે.)
મોદી સાહેબ અને સોનાક્ષીની મિટિંગ કોઈ ‘બુધ્ધા હાઉસ’માં ગોઠવાઈ છે પણ સોનાક્ષી ‘બુઢ્ઢા હાઉસ’નું એડ્રેસ શોધ્યા કરે છે ! આમાંને આમાં તે કોઈ ‘ઘરડા-ઘર’માં પહોંચી જાય છે ! મઝા એ છે કે અહીં બે ‘પારસી-મોદી’ છે ! એક 'રૂસી' મોદી અને બીજા 'અમેરિકન' મોદી ! (ભઈ, હિરાનીની ફિલ્મ છે, કોમેડી તો હોવી જ જોઈએ ને ?)
છેવટે સોનાક્ષી માંડ માંડ અસલી મોદી પાસે પહોંચે છે. મોદીજી એના ‘બાર્રર્રટ’ અને ‘ઈન્ડુટ્વા’ જેવા ઉચ્ચારોથી અકળાઈને ચોખ્ખું સંભળાવી દે છે : “પહલે મેરા નામ ઠીક સે બોલના સીખ કર આઓ, બાદ મેં મેરી કિતાબ લિખના !”
હવે કરવું શું ? સોનાક્ષીની જીભેથી ‘નારેન્ડ્રા’ અને ‘મોડી’ જ નીકળે છે ! પેલી બાજુ પાંચ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ હાથથી જાય એમ છે. એવામાં એક ગુજરાતી ગાઈડ તેને સલાહ આપે છે કે મોદીજી ચાયવાળામાંથી PM શી રીતે થયા એની મેઈન સ્ટોરી તો વડનગરમાં છે !
આ રીતે સોનાક્ષી પેલા ગુજરાતી ગાઈડ સાથે વડનગર પહોંચે છે. આ ગાઈડ પણ કંઈ ઓછો નથી. એ સોનાક્ષીને ‘યે કુલ્લડ મેં મોદીજી ચાય બેચતે થે !’ ‘યે કીટલી મેં ચાય બનતી થી !’ ‘યહી હૈ વો લકડીયાં જીસ સે ચાય કા ચૂલા જલતા થા !’ એમ કહી કહીને બધી ચીજો 100-200 ડોલરમાં વેચતો જાય છે ! (કોમેડી, બોસ, કોમેડી.)
પણ આખરે સોનાક્ષીની મુલાકાત મોદીજીનાં વયોવૃધ્ધ માતુશ્રી હિરાબા સાથે થઈ જાય છે... અને પછી આખો બાળપણનો ફ્લેશ-બેક ચાલુ થઈ જાય છે !
(જોયું ? રસ પડ્યો ને ? બસ ત્યારે, આવતા અઠવાડીયે રાજકુમાર હિરાનીની આ ફિલ્મ આગળ જોવા તૈયાર રહેજો.)
- મન્નુ શેખચલ્લી
Hahaha ...hilarious!
ReplyDeleteWaiting for next episode...
ReplyDelete