ગાંધીજીના સમયમાં તેમના એક આશ્રમનો આ કિસ્સો છે.
આશ્રમના અંતેવાસીઓને જરા ફરિયાદ હતી કે રોજ ખિચડી બહુ મોળી બને છે.
છેવટે ફરિયાદ ગાંધીજી પાસે ગઈ. ગાંધીજી તો સંપૂર્ણ લોકશાહીમાં માનનારા ખરાને, એટલે એમણે રસોઈ કરનારા સ્વયંસેવકોને બોલાવીને ખુલાસો માંગ્યો.
પૂછ્યું, કે “ભાઈ, આ ખીચડી શા માટે મોળી લાગે છે ?”
સ્વયંસેવકોએ કીધું કે “એમાં મીઠું ઓછું હોય છે ને, એટલે.”
ગાંધીજીને તો તરત ‘કારણ’ સમજાઈ ગયું. એમણે અન્ય આશ્રમવાસીઓ આગળ જાહેર પણ કર્યું કે એ તો મીઠું ઓછું હોવાને કારણે આમ થાય છે, બાકી બીજું કોઈ કારણ નથી.
આશ્રમવાસીઓને ‘ખુલાસો’ મળી ગયો એટલે સૌ શાંત થઈ ગયા પરંતુ એક બે જણાએ જીદ કરી કે “મીઠું વધારે નાંખો ને ?”
જવાબ એવો મળ્યો કે “આપણે આશ્રમમાં કરકસર કરવામાં માનીએ છીએ!”
છતાં, ‘સમાધાન’ સ્વરૂપે એવો ‘ઠરાવ’ થયો (ગાંધીજીના જીવનમાં ‘ઠરાવ’ બહુ થતા) કે જેને વધારે મીઠું જોઈતું હોય તેણે જમતી વખતે પોતાની ડબ્બી અથવા પડીકીમાં સ્વખર્ચે મીઠું લાવીને ખિચડીમાં ઉમેરી લેવું.
વાહ. આ તો બરોબર ચાલ્યું ! પરંતુ થોડા દિવસો પછી નવી ફરિયાદ ઊભી થઈ. “ખિચડી બે-સ્વાદ લાગે છે...”
ગાંધીજીએ ફરી લોકશાહી ધોરણે રસોઈના સ્વયંસેવકો પાસે ખુલાસો માંગ્યો. સ્વયંસેવકોએ ‘કારણ’ આપતાં કહ્યું :
“ચૂલામાં જે લાકડાં નાખીએ છીએ એમાં એકાદ લાકડું ઝડપથી સળગી ઊઠે છે. તેની મોટી ઝાળ નીકળે છે. તેના લીધે ખિચડી દાઝી જાય છે.”
ગાંધીજીને તરત સમજાઈ ગયું. “અચ્છા, આ કારણ છે !”
આ વખતે આશ્રમવાસીઓને પણ સંતોષકારક જવાબ મળી ગયો કે ભાઈ, જ્યાં લાકડું જ અચાનક ઝડપથી સળગવા માંડે ત્યાં કોઈ શું કરી શકે, હેં ?
***
જોકે, આ વખતે કોંગ્રેસ મહાસમિતિની બેઠક થશે એમાં મુખ્ય મુદ્દો તો બીજો જ હશે :
“આપણે આ... વધારાની આઠ બેઠકો શી રીતે જીતી ગયા ? હેં ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment