(૨૩મી મેં ની આગલી રાતથી...)
રાત્રે ટેન્શન હશે
સવારે ઉત્તેજના
બપોરે સટ્ટો ગરમ
ને સાંજે સરવાળા !
રાતના 'ચૂક્તે' પછી...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
કોઈ જીતે કોઈ હારશે
કોઈ તરે કોઈ તારશે
પૂર વિના ડૂબી જશે
કંઈ કેટલા વ્હાણ
સ્થાન દિવાદાંડીનું...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
દેશભક્તિ ક્યાં હશે
દેશ સેવા ક્યાં હશે ?
બોંત્તેર હજારો આપનારા
સાંજે શું ગણતા હશે ?
આશા વચનોનું તગારું...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
જીતેલા હરખપદૂડા
હારેલા હતાશ હશે
જીતેલાઓ જોડવામાં
હારેલાઓ તોડવામાં
લોકશાહીનું ઠીકરું
ઠેરનું ઠેર હશે કે શું ?
***
આભાર કોઈ માનશે
વાંક કોઈ કાઢશે
કમળ વડે કીચ્ચડ
હથેળી ચાંદને દેખાડશે
હુંસાતુંસીનું એ દંગલ...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
નામદારો કામદારો
ચોકીદારોના ચોકીદારો
થાક્યા હશે, સૂતા હશે
હા, કૂતરાં ભસતાં હશે !
રેઢું પડેલું રાષ્ટ્ર...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
પંડીતો વિષ્લેષકો
મીંઢા થઈ સમજાવશે
આમ હતું તો આમ થયું
'તારણો' કંઈ કાઢશે
'તરણું' કોમનમેનનું....
ઠેરનું ઠેર હશે કે શું ?
***
સીટો થોડી ખૂટશે
તો અહીંતહીંથી જોડશે
જોડવાનો ‘તોડ’ કાઢી
કંઈકને સંતુષ્ટશે
હરી ફરી ‘તુષ્ટિકરણ’
ઠેરનું ઠેર હશે કે શું ?
***
ઢંઢેરા ઢીલા થશે
ઝનૂનો ઝાંખા થશે
ધ્રુવીકરણનાં એ ‘ધ્રુવો’
‘તારામંડળ’ થઈ જશે
આશનું વાદળ રુપેરી....
ઠેરનું ઠેર હશે કે શું ?
***
(અને થોડા દિવસોમાં...)
મંદિરોવાળા માગશે
પછાતવાળા જાગશે
માફીવાળાના હપ્તાઓ
ટેક્સવાળા આપશે
મોડલ પેલું વિકાસનું...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
કંઈકો બિઝી થઈ જશે
ખાવા ને ખવડાવવા
કંઈક ‘રંધાતું’ થશે
કોઈકનું ‘પચાવવા’
તોય શૌચાલયનું ડબલું...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
દુશ્મનો થથરી જશે ?
ગદ્દારો ફફડી જશે ?
વિમાનોને સબ-મરીનો
ખરીદાઈને આવી જશે ?
કે યુધ્ધનું પોલું નગારું....
ઠેરનું ઠેર હશે કે શું ?
***
(અને વરસો પછી...)
આકાશે આંબી જઈશું
મંગળે પહોંચી જઈશું
બ્રહ્મંડમાં વિજયડંકા
વગાડીને રાજી થશું
બસ, ઘરથી ઓફિસનું ઠેકાણું...
ઠેરનું ઠેર હશે કે શું ?
***
ઢોલનું પોલ ખુલશે ?
કે પોલનું ઢોલમ્ ઢોલ !
કહો, કવિનું ‘કષ્ટ’
ઠેરનું ઠેર હશે કે શું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment