લો, આખરે સરકારે જાહેર કરી દીધું કે ગુજરાતનાં મોટાં શહેરોમાં રેસ્ટોરન્ટો, દુકાનો, મલ્ટિપ્લેક્સો, મોલ વગેરે હવે 24 કલાક માટે ખુલ્લાં રાખી શકાશે....
બહુ સારી વાત છે. જોકે આના લીધે નાની મોટી ગમ્મતભરી સમસ્યાઓ થવાની ! જેમકે...
***
પત્ની પતિને અડધી રાતે કહેશે “કહું છું, ઘરમાં બહુ બફારો થાય છે. ચલો ને, જરા એરકન્ડીશન્ડ મોલમાં આંટો મારી આવીએ ?”
***
રાત્રે અઢી વાગે ફોન પર ચેટિંગ કરતી વખતે ગર્લફ્રેન્ડ ફરમાઈશ કરશે “જાનૂ.... સખ્ખત ભૂખ લાગી છે. તું જઈને મારા માટે એક પિત્ઝા ના લઈ આવે ?”
***
એ તો ઠીક, ‘ઝોમેટો’ અને ‘સ્વીગી’માં રાતે ત્રણ વાગે ફોન જશે : “બોસ, ત્યાં આગળ પેલા ખેતલા આપા ટી-સ્ટોલમાંથી બે ગરમાગરમ મસાલા ચા મોકલાવો ને !”
***
અહીં ઘરમાં બાબલો અને બેબલી રાતે દોઢ વાગે જાગી જઈને જીદ કરશે “મમ્મી ગોળો ખાવો છે... ગોળો...”
***
નાઈટ ડ્યૂટીવાળા પોલીસો અગાઉ બધું 11 વાગે બંધ કરાવતા હતા ને ?
હવે એ જ પોલીસો રાતે 12 વાગે રાઉન્ડમાં નીકળીને કહશે “એય, બંધ શેનો કરે છે ? ચાલુ રાખ... ચાલુ !”
***
પણ ટ્રાફીક પોલીસમાં હોય એમનું શું ? એમણે રાત્રે બે વાગે ચાર રસ્તે ઊભા રહીને સાઈડો બતાડવાની ?
***
હા, પીવાવાળાઓને શાંતિ... ‘મન્ચિંગ’ ખૂટી પડે તો ફટાફટ જઈને લઈ અવાય !
***
સવારે ઊઠીને જેને મોર્નિંગ વોક કરવાનો કંટાળો આવતો હોય એમના માટે પણ સારું છે. રાતે 12 વાગ્યાની ઠંડકમાં
‘ચાલવા’ જવાનું, અને વળતાં ફાફડા-ચટણી ખાતા આવવાનું !
***
ચાલો, જે હોય તે... કમ સે કમ પેલા ધારાસભ્યો અને સાંસદોએ જે બાંકડા બનાવી રાખ્યા છે, એ રાતની ઠંડકને કારણે ‘બેસવાલાયક’ તો બનશે?
- શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment