બાબાનું એડમિશન !


અમારા એક મિત્ર રઘવાયા રઘવાયા સ્કુટર પર જતા હતા. અમને જોઈને અચાનક બ્રેક મારીને પાછા વળ્યા.

“અરે યાર, મન્નુભાઈ, તમારું ખાસ કામ હતું.”

“બોલો ને !”

“આ મેડિકલ લાઈન કેવી ? એડમિશન મળી જાય ?”

“માર્ક સારા હોય તો મળી જાય. કેમ ?”

“પણ થોડા ઓછા માર્ક હોય તો ?”

“તો ડેન્ટલમાં ટ્રાય કરો ને ?”

“એ તો કરીએ પણ ભવિષ્યમાં શું ? ડોક્ટરી લાઈનમાં કમાણી ખરી કે નહિ ?”

“એ તો જેવી મહેનત, જેવા કોન્ટેક્ટ્સ અને જેવી દવાખાનાની જગા… કંઈ પહેલા જ દિવસથી પેશન્ટોની લાઈન તો ના લાગે ને !”

“એમ ?” મિત્ર જરા મુંઝાયા. “મન્નુભાઈ, છેલ્લા અડતાલીસ કલાકથી ટેન્શનમાં છું. સમજ નથી પડતી કે બાબા માટે કઈ લાઈન પસંદ કરવી ?... અચ્છા, આ એન્જિનિયરીંગનું કેવું ?”

“એ તો કયું સ્પેશિયલાઈઝેશન કરો એના ઉપર છે. એમાં તો બહુ અલગ અલગ સબ્જેક્ટો હોય… એક કામ કરોને, જરા ચા બા પીએ ? બેસીને શાંતિથી વાત થાય.”

“અરે, ટાઈમ જ ક્યાં છે ?” મિત્ર પરસેવો લુછતાં બોલ્યા, “આ મેનેજમેન્ટની લાઈનમાં સ્કોપ કેવો?”

“સ્કોપ તો સારો છે.” અને કહ્યું “એમ તો બીજી પણ ઘણી લાઈનો છે.”

“અરે, મેં તો આખું લિસ્ટ બનાવીને રાખ્યું છે.” મિત્રે ખિસ્સામાંથી કાગળિયું કાઢ્યું. “જુઓ, આ કોમ્પ્યુટરવાળું કેવું ? જતે દહાડે કોમ્પ્યુટરવાળાની ડિમાન્ડ બેસી તો નહિ જાય ને ?”

“જુઓ મિત્ર, કોમ્પ્યુટરનો ઉપયોગ તો દહાડે દહાડે વધતો જ જવાનો. એટલે -”

“એટલે સાલી કોમ્પિટીશન પણ વધવાની ને ?” મિત્રનો રઘવાટ વધી ગયો. એમણે સ્કુટરને કીક મારી. “ચાલો મન્નુભાઈ, હું તમને પછી મળું છું.”

સ્કુટર સ્ટાર્ટ કરીને ધમધમાટ કરતા મિત્ર જતા રહ્યા. પછી અચાનક બ્રેક મારીને પાછા આવ્યા.

“સોરી હોં, તમને પેંડા આપવાના તો ભૂલી જ ગયો !”

“વેરી ગુડ !” અમે પેંડો લેતાં કહ્યુ. “બાબો બારમામાં પાસ થઈ ગયો ? કેટલા ટકા આવ્યા ?”

“ટકા શેના ?” મિત્ર ટેન્શનમાં બોલ્યા. “હજી તો જન્મ થયો છે ! પણ સાલું, એડવાન્સમાં પ્લાનિંગ તો કરી રાખવું પડે ને ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments