આજકાલ લગ્નોની સિઝન ચાલી છે. મોટા ભાગના લોકોને બિચારાને મેરેજો એટેન્ડ કરવાનો કંટાળો આવે છે.
છતાં, થોડી મઝા લેવી હોય તો તમે માર્ક કરજો…
***
- માર્ક કરજો કે રિસેપ્શનમાં ચાંલ્લો લખવા માટે બેઠેલા બે જણાનાં ડાચાં કેમ હંમેશાં રીઢા બેન્ક કર્મચારીઓ જેવાં જ હોય છે ?
***
- માર્ક કરજો કે બેન્ડવાજામાં જે મેઈન માલિક છે એ જ ઉત્સાહમાં હોય છે, બાકીના બીજા બેન્ડવાજાવાળાં હંમેશાં કેમ બેસણામાં આવ્યા હોય એવા ઉદાસ દેખાતા હોય છે ?
***
- માર્ક કરજો કે વિડીયોવાળો પણ કેટલો આડો હોય છે ! આપણે જ્યારે સુંદર લલનાઓ સાથે કે વીઆઈપી હસ્તિ જોડે ઊભા હોઈએ ત્યારે એ ક્યાંક ગાયબ જ હોય છે….
પણ જ્યારે આપણે ઊભા ઊભા એક હાથમાં ડીશનું બેલેન્સ જાળવવાની કોશિશ કરતાં કરતાં શાક, ચટણી, સૉસ અને અથાણાંથી બચાવીને માંડમાંડ દાળભાત ખાઈ રહ્યા હોય ત્યારે જ વિડીયોવાળો તમારું શૂટિંગ કરવા આવી પહોંચશે !
***
- માર્ક કરજો કે ગમે એવું હાઈ-ફાઈ બુકે ડિનર હોય, અમુક બૈરાંઓ ખુરશીઓ ભેગી કરીને જગ્યા પચાવી પાડીને એટલા એરિયાને ‘ગુજરાતી થાળી ભોજનાલય’માં ફેરવી જ નાંખશે !
***
- માર્ક કરજો કે અહીંથી ત્યાં દોડાદોડ કરતાં ટેણિયામાંથી એકને પાણીની તરસ લાગશે તો તરત બધાને તરસ લાગશે !
***
- માર્ક કરજો કે યંગ છોકરા છોકરીઓ મોબાઈલોમાં સેલ્ફીઓ જ લીધા કરશે.
- અને વડીલો ? આટલું સુંદર વાતાવરણ હોય છતાં કડવાં કારેલાં જેવાં ડાચાં કરીને પોલિટિક્સની જ ચર્ચા કરતા હશે !
- ખખડી ગયેલા ડોસા ડોશીઓ જ્યારે હોલમાં આવે ત્યારે એની મેળે ફટાફટ ચાલતા આવશે પણ જેવું કોઈ હાથ પકડે કે તરત ધીમે ધીમે ચાલવા માંડશે !
***
- અને ખાસ માર્ક કરજો, ટાઈ પહેરેલા 99 ટકા માણસો કેટરિંગવાળા જ હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment