આજે ‘ગુજરાત દિન’ છે. દરેક ગુજરાતીને એ વાતનો ગર્વ છે. તમને પણ હશે.
પરંતુ તમે કઈ ટાઈપના ગુજરાતી છો ? સાદા… પાકા… કે પુરેપુરા…. ? ચેક કરી લો –
***
સાદા
જો તમે શાકભાજીથી માંડીને સોનું સુધીની કોઈપણ ચીજ ખરીદવામાં રકઝક કરતા હો તો તમે ‘સાદા’ ગુજરાતી છો.
પાકા
જો તમે શાકભાજીથી માંડીને સોનું સુધીની તમામ ચીજો ખરીદતાં પહેલાં સાત જગ્યાએ ફરીને ભાવતાલ કરતા હો, તો તમે ‘પાકા’ ગુજરાતી છો.
પુરેપુરા
અને જો એ રીતે ખરીદી કર્યા પછી તમે એ ચીજો દોઢા ભાવે વેચી શકતા હો તો… તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો !
***
સાદા
જો તમે અંગ્રેજીમાં કાચા હો તો તમે ‘સાદા’ ગુજરાતી છો.
પાકા
જો તમે અંગ્રેજીમાં કાચા હોવા છતાં ‘દે-ઠોક’ ઇંગ્લીશ ફાડે રાખતા હો તો તમે ‘પાકા’ ગુજરાતી છો.
પુરેપુરા
પણ જો તમે તમારા દે-ઠોક ઇંગ્લીશ વડે અમેરિકા, ઇંગ્લેન્ડ કે કેનેડામાં ય બિન્દાસ ધંધો કરી લેતા હો… તો તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો.
***
સાદા
જો તમે તમારી પોતાની કમાણી ઉપર સતત નજર રાખતા હો તો તમે ‘સાદા’ ગુજરાતી છો.
પાકા
જો તમે તમારા પાડોશી કે હરીફની કમાણી ઉપર સતત નજર રાખતા હો તો તમે ‘પાકા’ ગુજરાતી છો.
પુરેપુરા
પણ જો તમે અંબાણી, અદાણી, ટાટા, બિરલા, બિલ ગેટ્સ અને ઝુકરબર્ગની કમાણી ઉપર પાનના ગલ્લે ઊભા ઊભા નજર રાખતા હો…
તો તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો !
***
સાદા
તમે રોજ પોતાનું છાપું વાંચતા હો તો ‘સાદા’ ગુજરાતી છો.
પાકા
જો તમે રોજ પડોશીનું છાપું વાંચતા હો તો ‘પાકા’ ગુજરાતી છો.
પુરેપુરા
અને જો પડોશીના છાપામાંથી કુપન કાપીને ઈનામો પણ લઈ આવતા હો તો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment