નથી હોતા... ને હોય છે...!

નથી હોતા... નથી હોતા...

બે વત્તા બે હંમેશાં

ચાર નથી હોતા...

હારનારા નેતાઓ માટે

‘હાર’ નથી હોતા !

***

છ અને છ હંમેશા

બાર નથી હોતા...

ગુજરાતના રસ્તે

બિયરના ‘બાર’ નથી હોતા !

***

એમ તો, શનિવાર પહેલાં

રવિવાર નથી હોતા….

સફેદપોશ ચોરો કદી

‘તડીપાર’ નથી હોતા !

***

ભોજનના બધા થાળ

મોહનથાળ નથી હોતા...

ના છપાયેલા ન્યુઝ જ

‘બનવાકાળ’ નથી હોતા !

***

ગાંડાઓ જ વસે એવાં

કંઈ ગામ નથી હોતાં....

‘ફેમસ’ નામો જેવાં

અજાણ્યા નામ નથી હોતા !

***

‘ભ’ વાળા શબ્દો બધા

કંઈ ગાળ નથી હોતા...

ઘોડીના હોય, પણ ગધેડીના

‘નાળ’ નથી હોતા !

***

થાય બધાથી એવાં

બધાં કામ નથી હોતા...

બેઈમાનોના કદી ‘વાજબી’

દામ નથી હોતા !

***

ભગવાનનાં હોય એટલાં

માણસનાં નામ નથી હોતાં...

બગલમાં હોય છૂરી

મોંમાં ‘રામ’ નથી હોતા !

***

હોય છે... હોય છે...

હોય છે, તે હોય છે...

નથી હોતા, તે નથી હોતા

(વાહ વાહ)

હોય છે, તે હોય છે

નથી હોતા, તે નથી હોતા

પણ...

ન હોવા છતાં હોય...

એવાં ડફોળોનાં

નસીબ નથી હોતાં !

***

અલ્યા, હોય છે...

દૂધથી મોંઘા પાણીના

ભાવ હોય છે

ડાહ્યાથી ઊંચા ગાંડાના

ખયાલ હોય છે

અને...

કવિથી મોટા ક્લાર્કના

પગાર હોય છે !

***

અલ્યા, હોય છે...

મળે છે ‘ફ્રી’માં તોય

એના દામ હોય છે !

'ઝટપટ' ક્રિકેટમાં બબ્બે

‘વિરામ’ હોય છે !

બિઝી લોકો બિચારા

આરામ શોધે છે...

અને નવરાંઓને જ કેટલાં

કામ હોય છે !

***

અલ્યા, હોય છે...

ચ્હા કરતાં કીટલી

ગરમ હોય છે !

ફ્લોપ થયેલો ફિલ્મ-સ્ટાર

નરમ હોય છે !

પાપીઓને નડતાં

કરમ ભલે ના હોય

આઈટમ ગર્લને ય થોડી

શરમ હોય છે !

***

અલ્યા, હોય છે...

સપનામાં ક્યાંક સાચું

હોય છે, તે હોય છે !

સાચામાં ક્યાંક ખોટું

હોય છે, તે હોય છે !

લુંગીમાં ક્યાંક નાડું

હોય, ના પણ હોય,

સચ્ચાઈના પુરાવા

હોય, ના પણ હોય,

બાકી, ભ્રમણા તો સાલી

ના હોય...

તોય હોય છે !

***

કવિના ‘કષ્ટ’નું ય એવું...

ના હોય, છતાં હોય છે !

- કવિ કષ્ટમ્

Comments