2019: ચક્રમ ચોઇસની ચૂંટણી !


અમારું માનવું છે કે 2019ની આ ચૂંટણીઓમાં નેતાઓએ પ્રજાને સાવ ચક્રમ જેવા ચોઈસમાંથી પસંદગી કરવા માટે મજબૂર કરી છે. હજી ચૂંટણીઓ ચાલુ છે અને પરિણામો આવે ત્યાં લગી લોકોમાં પણ ઝનૂન ચાલુ રહેવાનું છે છતાં જરા ઠંડા દિમાગથી વિચારજો… તમારી પાસે શું ચોઈસ હતા ?

***

ચોઈસ (1) તમને મંદિર બાંધનારા જોઈએ છે કે મસ્જિદ બચાવનારા ?

- અરે ભાઈ, અમને તો 1 BHK. 2 BHK અને 3 BHKના ફ્લેટ સસ્તામાં બાંધી આપનારા જોઈતા હતા ! એની તો કોઈ વાત જ નથી કરતું, યાર ?

વીસ, ત્રીસ, ચાલીસ લાખની લોનો લઈશું, દસ દસ વરસ લગી એના હપ્તામાં અમારા પગારનો ત્રીજો ભાગ હોમી દઈશું, અને પંદરમા વરસે સાલા ફ્લેટોમાં ‘લીકેજ’ ચાલુ થઈ જશે ! ત્યારે અમારે કોને જઈને પકડવાના ?.... મંદિરવાળાને ?... મસ્જિદવાળાને ?

***

ચોઈસ (2) : ખેડૂતોને પૂછે છે કે તમારે 2022 સુધીમાં આવક બમણી કરવી છે કે 2024 સુધી લોનો લઈ લઈને સીધી માફ કરાવવી છે ?

- સાલુ, મિડલ ક્લાસવાળાને કેમ કોઈ નથી કહેતું કે બોલ બકા, 2022માં તારો પગાર ડબલ કરાવી દઉં ? અથવા 2024 સુધી તું હોમલોન, એજ્યુકેશન લોનના હપ્તા જ ના ભરતો હોં ! ચાલશે…

કારણ કે આ ચક્રમ-ચોઈસની ચૂંટણી છે સ્માર્ટ-ચોઈસની નહીં ! જે સ્માર્ટ છે એ તો નેતાઓ છે અને જે ચક્રમ છે એ આપણે છીએ !

***

ચોઈસ (3) : સૌથી ચક્રમ ચોઈસ હોય તો આ છે… ગરીબોને પૂછે છે તારે વરસે 6000 જોઈએ છે કે 72000 રૂપિયા ?

- બધા પક્ષો ગરીબોના જ વ્હાલા થવા માટે કેમ દોડે છે ? કોઈ માઈનો લાલ એમ કેમ નથી કહેતો કે જાવ, મધ્યમવર્ગના પગારદારોને ઈન્કમટેક્સમાં દર વરસે 6000ની છૂટ, અને ઉચ્ચ મધ્યમ વર્ગના આવકના સ્લેબમાં સીધો 72000નો વધારો થશે !

***

ચોઈસ (4) : સૂટબૂટની સરકાર જોઈએ કે ગરીબોનો સાથ આપનારી સરકાર ?

- ઓ બાપા, અહીં જિંદગીમાં એકાદ વાર લગ્ન પ્રસંગે જ સૂટ પહેરીએ છીએ ! એના કરતાં જે પેલાં ફાટેલાં જિન્સનો ભાવ ચીરીને બબ્બે હજારનો લે છે એ ઓછો કરાવો ને ? જાણે સૂટબૂટ અને ગરીબની લંગોટી સિવાય બીજી કોઈ ચોઈસ જ નથી !?

***

ચોઈસ (5) : શાળાઓમાં ઈતિહાસ સુધારવો છે કે મદરેસાઓ ચાલુ રખાવવી છે ?

- એના કરતાં શાળા-કોલેજોની ફી ઓછી કરાવો ને ? દરેક સંતાનને નર્સરીથી ગ્રેજ્યુએટ સુધીનું ભણાવવામાં 30-40 લાખ રૂપિયા ઘુસી જાય છે. અને ઈતિહાસ ? એ તો ખુદ મા-બાપ બની જાય છે ! યંગ જનરેશન અમને કહે છે “ડેડ, યુ આર ઓલ્ડ ફેશન્ડ ! મોમ, યુ આર ફ્રોમ ફોર્ટિન્થ સેન્ચુરી !”

***

ચોઈસ (6) : ચોકીદાર જોઈએ કે નામદાર ?

- અરે યાર, ઈમાનદાર જોઈએ છે, ઈમાનદાર ! મત નાંખવા જઈએ ત્યારે 22 ઉમેદવારોમાંથી બે જણા ય ઈમાનદાર નથી દેખાતા !

***

ચોઈસ (7) : પાકિસ્તાનને પાઠ ભણાવવો છે કે શાંતિ શાંતિ કરવું છે?

- અલ્યા, ભ્રષ્ટાચારીઓને, કૌભાંડીઓને, કટકીબાજોને પાઠ ભણાવો ને ? એમાંથી કેટલા જેલમાં ગયા ? અને કેટલા બેધડક છૂટી ગયા ? પાકિસ્તાન ભલે ના ફફડે પણ ભ્રષ્ટાચારીઓ ફફડે એવું તો કંઈક કરો ?

***

ચોઈસ (8) : બાંગલાદેશીઓને કાઢી મુકવા છે કે કાશ્મીરીઓને આઝાદી આપવી છે ?

- આવું બધું ગુજરાતીઓને, બિહારીઓને કે મહારાષ્ટ્રિયનોને શા માટે પૂછો છો ? ત્યાં કાશ્મીરવાળા તો વોટિંગ જ નથી કરતા ! અને બાંગ્લાદેશીઓ વોટિંગનો હક માગે છે ! આ બાજુ અમે ગુજરાતીઓએ રેકોર્ડ-બ્રેક મતદાન કર્યું તો અમને કંઈક ઈનામ તો આપો ?

ચલો, ચાર ટકા GST ઓછો કરી આપશો ? બોલો…

***

- મન્નુ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments