આ કાળઝાળ ગરમીમાં સૌની બુધ્ધિ બહેર મારી ગઈ લાગે છે. ગરમીને લગતા અમુક સવાલો જે અમુક લોકોએ કરવા જોઈએ એ પણ નથી થઈ રહ્યા…
***
અરે ભાઈ, આટલી ભયંકર ગરમી પડે છે એમાં કોઈએ હજી મોદી સરકારનો વાંક કેમ નથી કાઢ્યો ?
***
કેજરીવાલ પણ કેમ નથી કહેતા કે બરોબર ચુંટણીના સમયે આખા દેશમાં ‘હિટ-વેવ’ ફેલાવી દેવાનું આખું કાવતરું મોદીજીનું છે !
***
અરે, અમે તો રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે રાહુલજી વચન આપે કે જો અમે સત્તામાં આવીશું તો સૌને 10-10 કિલો બરફ મફતમાં આપીશું !
***
નવાઈની વાત છે કે આજનું મહત્તમ તાપમાન કેટલું રહેશે એની ઉપર સટ્ટો કેમ નથી રમાઈ રહ્યો ?
***
‘દેશના જવાનો હિમાલયમાં માઈનસ 25 ડીગ્રી ઠંડીમાં દેશની રક્ષા કરી શકે છે તો તમે 42 ડીગ્રી ગરમીમાં શેના હેરાન પરેશાન થઈ જાવ છો ?’ એવું દેશભક્તિ ભર્યું નિવેદન પણ કેમ કોઈ નથી કરતું ?
***
પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠનોમાંથી કોઈ ‘આ ગરમીના આતંકની જવાબદારી અમારી છે’ એવું કેમ નથી જાહેર કરતું ?
***
મોદી સાહેબ પણ ચુંટણી પ્રચારમાં જ પડ્યા છે. એ દુનિયાના તમામ દેશોને આ તાપમાન સામેના યુદ્ધમાં જોડાવાની વિશ્વવ્યાપી અપીલ કેમ નથી કરતા ?
***
અરે, દેશમાં આટઆટલી રાજકીય પાર્ટીઓ છે એમાંથી એક પાર્ટી એવું વચન કેમ નથી આપતી કે અમે સત્તામાં આવીશું તો એસી, ફ્રીજ અને કુલર જેવી ચીજોને ‘ટેક્સ-ફ્રી’ કરી નાંખીશું ?
***
કમ સે કમ મનમોહનસિંહે તો કહેવું જોઈએ કે દેશમાંથી ગરમી ઘટાડવા કરવા માટે અમે સૂર્ય સાથે ‘શાંતિ મંત્રણા’ કરવા માટે તૈયાર છીએ !
(કહેવામાં શું જાય છે ? ડાચું તો એટલું જ સિરિયસ રાખવાનું છે ને !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment