આપણા NRI શુભચિંતકો !


અમારા એક NRI મિત્રએ છેક શિકાગોથી અમને વોટ્સ-એપમાં મેસેજ મોકલ્યો :

“દોસ્તો, ચેતતા રહેજો ! કાશ્મીરીઓ શાલ વેચવાને બહાને ઘેર ઘેર ફરતા હોય છે. સસ્તી કાશ્મીરી શાલ આપવાને બહાને તે ઘરમાં ઘૂસી જાય છે અને પછી બોમ્બ ફોડી નાંખે છે ! સાવધાન… સાવધાન…”

લો બોલો, અહીં બિચારા મોદી સાહેબ વારંવાર કહી કહીને થાક્યા કે ‘આપણી લડાઈ આતંકવાદીઓ સામે છે, કાશ્મીરીઓ સામે નહિ !’ અને આ ભઈ શિકાગોમાં બેઠા બેઠા આપણને ધાબળાવાળાથી ડરાવે છે ! અલ્યા ભાઈ, થોડા દિવસોમાં ઉનાળો ચાલુ થઈ જશે ! આ તે કંઈ ‘ધાબળા-ભરવાની’ સિઝન છે ?

જોવાની વાત એ છે કે NRI મિત્રોને આપણી કેટલી બધી ફિકર છે ? આપણે લોકો અહીં રાતના સાડા ત્રણ વાગે ઊંઘતા હોઈએ ત્યારે એ લોકો જાગતા રહીને આપણને આવા મેસેજો મોકલે છે !

બીજો એક મેસેજ કેનેડાથી આવ્યો. એમાં તો જાણે હવે પછીની કોઈપણ ક્ષણે યુધ્ધ ફાટી નીકળવાનું છે તેની ‘પાકી ઈન્ફરમેશન’ એમને ત્યાં કેનેડામાં બેઠાબેઠા મળી ગઈ હોય તેમ લખે છે :

“દેશવાસીઓ ! આવનારા યુધ્ધ માટે તૈયાર રહો ! અંધારપટમાં સળગાવવા માટે ઘરમાં મીણબત્તીઓનો સ્ટોક રાખો. લાઈફ સેવિંગ માટેની ખાસ જરૂરી દવાઓ ખરીદીને એક બોક્સમાં રેડી રાખો. બેન્કમાંથી રૂપિયા ઉપાડીને પાકિટમાં જ રાખજો…”

એ તો ઠીક, એમાં એવું પણ લખ્યું છે “તમારી કારની પેટ્રોલ-ટેન્ક ફૂલ ભરીને રાખજો !”

કેમ ભઈલા ? વૉર ફાટી નીકળે ત્યારે અમારે અમદાવાદ વડોદરા છોડીને ક્યાંક ગિરનાં જંગલોમાં જતાં રહેવાનું છે ? શું સરકારે અમારા માટે ત્યાં અંડરગ્રાઉન્ડ બન્કરો બનાવી રાખ્યાં છે ?

તમે માર્ક કરજો. આ પ્રકારના મેસેજો સૌથી પહેલાં અમેરિકા, ઇંગ્લેન્ડ કે કેનેડાથી જ આવતા હોય છે ! કારણ શું ?

બસ એક જ કારણ, કે જ્યારે આપણા બિચારા દેશવાસીઓ ભરઊંઘમાં હોય છે ત્યારે આ સતર્ક NRIઓ બપોરે લન્ચ-ટાઈમમાં ભારતની ભૂમિ પર સતર્ક નજર રાખીને લેપ-ટોપ કે મોબાઈલ વડે 'પહેરો' ભરતા હોય છે !

અમારા બીજા એક મિત્ર છેલ્લા 42 વરસથી અમેરિકામાં રહે છે. એ ત્યાંનાં ‘સિટિઝન’ પણ થઈ ગયા છે. બે ત્રણ વરસે એકાદ વાર માત્ર દસેક દિવસ માટે ઈન્ડિયા આવે છે છતાં એમને અહીંની રજેરજની ખબર હોય છે !... મોદી સાહેબ હવે શું કરવાના છે, સોનિયાજીનું શું કાવતરું છે, રાહુલ ગાંધી કોને મળે છે ક્યાં જાય છે, માયાવતી કેવા પેંતરા ઘડવાનાં છે, મમતા બેનરજીની અસલી ચાલ શું છે…

ચાલો, એ તો સમજ્યા પણ એ અમેરિકન સિટિઝનને અમે પૂછ્યું કે આ તમારે ત્યાં જે શટડાઉન થયું એમાં કયા કયા સરકારી ડિપાર્ટમેન્ટો બંધ હોય ?

જો ડિપાર્ટમેન્ટો બંધ હોય તો કર્મચારીઓને પગાર મળે કે નહિં ? અને મળે તો કેટલો મળે ? જો પગાર પુરેપુરો ના ચૂકવવાનો હોય તો તો સરકારને ફાયદો થવો જોઈએ ને ? તો આ 11 અબજ ડોલરનો લોસ શેમાં થઈ ગયો ?

કમનસીબે આના જવાબો મિત્ર પાસે નહોતા. કારણ શું ? એ ‘સિટિઝન’ ભલે ત્યાંના રહ્યા પણ ‘એક્સ્પર્ટ’ તો ઇન્ડિયાના જ ને ?

એક અંકલ જ્યારે જ્યારે અમેરિકાથી અહીં આવે છે ત્યારે અમને ખખડાવી નાંખે છે. “અલ્યા તમે લોકો અહીં બેસી કેમ રહ્યા છો ? જઈને પાકિસ્તાનને પતાવી નાંખો ને !”

અમે એમને સાચો જવાબ કદી નથી આપી શકતા કારણ કે અમને એમના જેવા સૌ NRIની દેશભક્તિ માટે ખુબ માન છે. જય હિન્દ.

email : mannu41955@gmail.com

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment