ધોન્ડુની વેવાણનું એન્કાઉન્ટર ! (હાસ્ય કથા)


ધોન્ડુ હવાલદારની એક જ જીદ, એમની દિકરી મીનુને કોઈ પોલીસવાળાને ત્યાં જ પરણાવવી.

- અને ધોન્ડુ હવાલદારનો એક જ ફાંકો, પોતે સાત એન્કાઉન્ટરોમાં ટોટલ દસ ગોળીઓ ખાધી છે !

બસ, આ એક જીદ અને એક ફાંકાને લીધે બિચારી મીનુના લગ્ન ક્યાંય ગોઠવાતાં જ નહોતા.

એક તો આખી જિંદગી પોલીસખાતામાં નોકરી કરેલી એટલે ‘ફલાણાને પકડ્યો, ઢીકણા જોડે આટલા રૂપિયાનો ફાંદો કર્યો, પેલો સાલો હપ્તો નથી આપતો, આ હલકટ આ વખતે ઓછો હપ્તો આપીને ગયો,સાલી બદલી સાવ કડકા એરિયામાં થઈ, લગડી એરિયામાં બદલી માટે બહુ રૂપિયા માગે છે...’ આવી જ વાતો ઘરમાં પણ ચાલ્યા કરતી હોય.

બિચારી મીનુ નાની હતી ત્યારથી તેનું નવું ફ્રોક, નવો ડ્રેસ, નવી સેન્ડલ કે નવો અમેરિકન ડાયમન્ડનો સેટ વગેરે બાપાના ફાંદા,હપ્તા અને કડદા ઉપર જ આધારિત થઈ ગયા હતા. એમાં વળી આ નવી જીદ ઉમેરાઈ. “જમાઈ તો પોલીસવાળો જ હોવો જોઈએ !”

હવે એમ કંઈ પોલીસવાળા જમાઈ ચાર રસ્તે રેડ-લાઈટ તોડતા થોડા પકડાઈ જાય ? એની તો ‘તલાશી’ માટે ‘કોમ્બિંગ ઓપરેશનો’ કરવાં પડે !

અનેક કોમ્બિંગ ઓપરેશનો હાથ ધર્યા પછી ધોન્ડુ હવાલદારને સમજાયું કે પોતાની બારમું ફેલ થયેલી 18 વરસની દિકરી માટે જો 20 વરસનો પોલીસવાળો મૂરતિયો શોધવા જાય તો 200 રૂપિયાના ડેઈલી-પગારવાળો ‘ટ્રાફિક-સહાયક’ જ મળવાનો !

સારા હપ્તા ખાતો, ક્રીમ એરિયામાં સારી નોકરી કરતો, ઉપરની કમાઈવાળી અને કડદા કરવાની પાકી આવડત ધરાવતો પોલીસ જમાઈ કંઈ 20 વરસનો લવરમૂછિયો થોડો હોય ? આવો‘સુખી-સેટલ્ડ’ જમાઈ તો 25-30 વરસનો જ હોય ને ?

આખરે પંદર-વીસ ‘સર્ચ-ઓપરેશનો’ પછી ધોન્ડુ હવાલદારે‘જમાઈ પોલીસવાળો જ હોય’ તે આગ્રહ પડતો મુક્યો, પણ કમ સે કમ ‘પોલીસવાળા ઘરનો’ હોય તે જીદ પકડી રાખી.

આખરે એક મૂરતિયો એવો મળી પણ આવ્યો. હેડ-કોન્સ્ટેબલ સખારામનો નાનો દિકરો મોન્ટુ ઉર્ફે મનસુખરામ. સારો દિવસ અને સારું ચોઘડિયું જોઈને હે.કો. (હેડ-કોન્સ્ટેબલ) સખારામનું ફેમિલી પો.કો. (પોલીસ-કોન્સ્ટેબલ) ધોન્ડુભાઉને ઘેર આવ્યું.

સખારામના ફેમિલીમાં સખારામની પત્ની, સખારામના મોટાભાઈ, સખારામના નાનાભાઈ, સખારામના બે સાળા, બે સાઢુભાઈ અને તમામની એક-એક પત્ની વત્તા છ-સાત પરચૂરણ બાળકો હતાં.

આ તરફ ધોન્ડુ હવાલદારનું ફેમિલી પણ પુરા ઉત્સાહમાં હતું. ધોન્ડુભાઉની બે મૌશી (માસી), ધોન્ડુભાઉની ત્રણ વૈણી (ભાભી), ધોન્ડુભાઉની એક આજી (દાદી) અને ધોન્ડુભાઉની ચાર ચાર ચાચી (કાકી) પોતપોતાના ‘નવરા’ યાને કે પતિઓ સાથે હાજર હતા. આ ઉપરાંત તેમનાં નાનાં-મોટાં થઈને દોઢ ડઝનમાં બે ઓછાં એટલાં ટાબરિયાં તો ખરાં જ.

ધોન્ડુ હવાલદારનું ઘર નાનું, છતાં બધા એક ખુરશીમાં બે જણા,એક સોફામાં છ જણા અને એક ખાટલા ઉપર બાર જણા એ રીતે ગોઠવાઈ ગયા. બાકી વધેલા સભ્યો ભોંય ઉપર શેતરંજી પાથરીને બેઠા. વચમાં છોકરાંઓને દોડાદોડી માટે ‘વન-વે’ માર્ગ ખુલ્લા રાખવામાં આવ્યા.

મહિલાઓ મહિલાઓ સાથે બેઠી. પુરુષો પુરુષો સાથે બેઠા. મહિલાઓમાં સામસામી ઓળખાણો ચાલી અને પુરુષોમાં સામસામી પોલીસ સ્ટેશનોની સગાઈઓ નીકળી આવી ! વાતોમાં ખબર પડી કે સખારામના ફેમિલીમાં તો સાત જણા પોલીસખાતાની નોકરીમાં છે ! ત્રણ મુંબઈમાં, બે સતારામાં અને બાકીના કોલ્હાપુરમાં !

બસ, પછી તો જોઈએ જ શું !

ફલાણા પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે મધરાતે ‘ખોપડી’ દારૂના અડ્ડા ઉપર કેવી જબરદસ્ત રેડ પાડેલી.... ઢીકણા પો.ઈ. (પોલીસ ઇન્સપેક્ટર)ની આગેવાની હેઠળ પેલા ખતરનાક ગુન્ડાના જુગારના અડ્ડા ઉપર છાપો મારીને કેવો મોટો કડદો કરેલો...  અને પેલા ખડૂસ પો.સ.ઈ. (પોલીસ સબ ઇન્સપેક્ટર)ને પોતે પેલા હાઈ-ફાઈ ફેમિલીના લગ્નેતર લફડામાં ભીનું સંકેલવા માટે કેવું મસ્ત સેટિંગ પાડી આપેલું... એવી બધી વાતો નીકળી પડી.

સ્વાભાવિક છે, બે ધંધાદારી માણસો ભેગા થાય તો પોતપોતાની‘લાઈન’ની વાતો કરવાના જ ને ! પણ આ બધી સેટિંગ, કડદો,સોપારી અને ભીનું સંકલેવાની આલતુ-ફાલતુ વાતો ચાલી રહી હતી ત્યાં ધોન્ડુ હવાલદારે ધડાકો કર્યો !

“તમારામાંથી કોઈએ એન્કાઉન્ટરો કર્યાં છે?”

પોલીસબેડામાં, અર્થાત, પોલીસ-સગાઓમાં સન્નાટો છવાઈ ગયો. આટઆટલા પોલીસોમાંથી કોઈને ‘એન્કાઉન્ટર’નો અનુભવ નહોતો.

ધોન્ડુ હવાલદારે ચેલેન્જ ફેંકવાના અંદાજમાં કહ્યું “તમે બધા તો છછુંદરો કહેવાઓ. અસલી સિંહ તો હું છું ! મેં સાત એન્કાઉન્ટરોમાં દસ ગોળીઓ ખાધી છે !”

ખલ્લાસ ! મૂરતિયાઓની છાવણીમાં સોપો પડી ગયો. મૂરતિયાના બાપ સખારામને થયું “સાલો, અત્યારથી આટલો રૂઆબ શેનો છાંટે છે ? આખરે તો તું છોકરીનો બાપ છે, માપમાં રહે, સમજ્યો?” આવું વિચારીને એણે કહ્યું :

“ઠીક છે, ઠીક છે, એન્કાઉન્ટરો તો બધા સેટ થયેલાં હોય છે. ખબરીઓએ ગેમ ગોઠવીને જ રાખેલી હોય. આ તો નેશનલ પાર્કના સિંહ જેવું છે. મારણને બાંધી રાખ્યું હોય અને સિંહ આવીને શિકાર કરે...”

આટલું સાંભળતાં જ ધોન્ડુ હવાલદારની કમાન છટકી. “તમે સમજો છો શું ? એન્કાઉન્ટર તે કંઈ ખાવાના ખેલ છે ? જુઓ,મેં મારી બોડી ઉપર દસ-દસ ગોળીઓ ખાધી છે... દસ-દસ !”

એમ કહેતાંની સાથે ધોન્ડુએ પોતાનું શર્ટ કાઢી નાંખ્યું. “જુઓ,આ ખભા ઉપર બે ગોળીનાં નિશાન ! અને આ જુઓ...”

ધોન્ડુએ બનિયાન કાઢી નાંખ્યું !

“આ પીઠ ઉપર વાગેલી ત્રણ ગોળીનાં નિશાન... અને આ જમણી છાતી ઉપર બે અને ડાબી છાતી ઉપર બરોબર હાર્ટની બાજુમાં ત્રીજી ગોળીનું નિશાન !”

“હાઈલા !!” મહિલાઓ આ દ્રશ્ય જોઈને ચોંકી ગઈ. આનાથી ધોન્ડુને વધારે પોરસ ચડ્યું. તેણે પેન્ટ ઉતારી નાંખ્યું !

“આ જુઓ ! ઘૂંટણની નીચે નિશાન દેખાય છે ? અને આ જુઓ ! પિંડી ઉપર બીજી ગોળીનું નિશાન... હજી ઊભા રહો...”

આમ કહેતાં ધોન્ડુભાઈએ પેન્ટ નીચે પહેરેલી ભૂરા-લીલા પટ્ટાવાળી ચડ્ડી નીચી ઉતારીને પૃષ્ઠભાગનું પ્રદર્શન વેવાણને સ્પષ્ટ દેખાય એ રીતે કરતાં કહ્યું:

“જોયું ? જોયું ? આ રહ્યું દસમું નિશાન !”

બિચારી મીનુ જે ક્ષણે હાથમાં શરબતના ગ્લાસ ભરેલી ટ્રે લઈને દાખલ થતી હતી એ જ ક્ષણે દોન્ડુના ગૌરવભર્યા પ્રદર્શનથી હબકી ગયેલી ભાવિ વેવાણ સહિતની તમામ સ્ત્રીઓ ઊભી થઈ ગઈ !

નાનકડા ઘરમાં હાહાકાર મચી ગયો !

હવે તમે જ કહો, આવી ઘટના પછી મીનુની સગાઈ  પોલીસવાળાના ઘરમાં થાય ખરી ?

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments