'ધોની-ટુ' ની સિક્સર ! (હાસ્ય કથા)


“બોસ, એમ સમજો ને, કે હું ધોની-ટુ છું… કોઈપણ મેચને છેલ્લા બોલ સુધી ખેંચી જવામાં મારી માસ્ટરી છે, માસ્ટરી…”

આ શબ્દો મહેન્દ્ર ધોનીના નહિ, ધરેન્દ્ર જાનીના હતા. ‘ધોની-ટુ’ તરીકે ઓળખાતો ધરેન્દ્ર જાની લોકલ ‘સટ્ટા-મેચો’નો અઠંગ ખેલાડી હતો.

કોલેજમાં એ ભણવામાં ખાસ ઉકાળી શકેલો નહિ પણ ક્રિકેટમાં સૌનો હીરો હતો. ભણ્યો ત્યાં લગી પોતાની કોલેજ માટે 75થી વધારે કપ-રકાબી-શીલ્ડ-થાળી-મેડલ વગેરે જીતી લાવ્યો હતો.

પણ ભણી રહ્યા પછી શું ? ધોનીની જેમ એને બિચારાને રેલ્વેમાં ગાર્ડની નોકરી તો શું એસટીમાં કંડકટરની યે નોકરી ના મળી. બે-ત્રણ વરસ ફાંફાં માર્યા પછી એને ‘સટ્ટા-મેચો’ની  લાઈન પકડાઈ ગઈ. એમાં એની ચાંદી જ ચાંદી થઈ ગઈ.

આ ‘સટ્ટા-મેચો’ મોટે ભાગે ઉનાળાના ટાઈમે નાના મોટા શહેરોમાં ખાલી પડેલા મેદાનોમાં રમાય. ઓર્ગેનાઈઝરો મસ્ત મોટી મોટી હેલોજન લાઈટો લગાડે, મેદાનમાં પાણી છંટાવે અને રાતના ટાઈમે રોજની બબ્બે ટ્વેન્ટી-ટ્વેનટી મેચો રમાડે.

દરેક ટીમમાં જે તે શહેરના જે તે વિસ્તારના પ્લેયરો તો હોય જ. એ ઉપરાંત ટીમોને ‘ગેસ્ટ પ્લેયરો’ રમાડવાની છૂટ હોય. આવા ગેસ્ટ પ્લેયરો એટલે ધૂંવાધાર બેટ્સમેનો, કાતિલ બોલરો અને જાંબાજ ફિલ્ડરો !

આ ખેલાડીઓ રમાવાના પૈસા લે. મેચને ઝમકદાર બનાવે. રસાકસી ઊભી કરે જેથી સરવાળે જોનારાઓને જલ્સો પડે અને સટ્ટો રમનારાઓને થ્રિલ મળે.

દરેક મેચના મેદાનમાં મોટી હેલોજન લાઈટોથી દૂર ક્યાંક સાઈડમાં સટ્ટો લગાડવાનું ટેબલ હોય. ધરેન્દ્ર જાની જેવા આઠ-દસ પ્લેયરો જુદી જુદી ટીમમાં ‘વેચાઈ’ ગયા હોય. એક મેચનો 2000 થી 5000નો ભાવ. જેની જેવી ધાક !

ધરેન્દ્ર જાની આ બધામાં સૌથી ચાલાક અને ખતરનાક ખેલાડી હતો. એની બેટિંગ તો વિસ્ફોટક ખરી જ. ઉપરથી બોલિંગ પણ ઝંઝાવતી એટલે જ એ ‘ઓર્ગેનાઈઝરો’ (સટ્ટો રમાડનારાઓ) જોડે પોતાનું સેટિંગ પાડે.

કઈ મેચ જીતવાની છે, કઈ મેચ સાવ ફેંકી દેવાની છે અને કઈ મેચને છેલ્લા બોલ સુધી લઈ જઈને બાજી ઊંધી વાળી દેવાની છે તેમાં ધરેન્દ્ર જાનીની માસ્ટરી હતી.

વડોદરામાં રમાઈ રહેલી એક મેચમાં છેક છેલ્લા બોલે હારી જવાની ‘સોપારી’ ધરેન્દ્ર જાનીએ 35,000માં રાખેલી… પણ…

પણ પહેલા દાવ પત્યા પછી ઓડિયન્સમાં મેચ જોવા આવેલી રીટા કામાણીને લીધે ધરેન્દ્રનું નસીબ બીજી જ દિશામાં પલટી મારી ગયું !

રીટા કામાણી એટલે કોલેજના ટાઈમની બ્યુટિ-ક્વીન ! ધરેન્દ્રની એકેએક ઈન્ટર-કોલેજ મેચ જોવા માટે એ ઊભી જ હોય. જાની એની જાનુને જોઈને ફટકાબાજી કરે અને મેચ જીતે પછી પોતાના ગાલ ઉપર જાહેરમાં એક ચુંબનનું ઈનામ મેળવે !

ધરેન્દ્રને એમ હતું કે ભણી રહ્યા પછી રીટા કામાણી ‘રીટા જાની’ બની જશે. પરંતુ રીટા કામાણી વધારે શાણી નીકળી. એ જાની કરતાં વધારે કમાણી કરતા એક અંબાણી ટાઈપના નબીરા જોડે અમેરિકા જતી રહી.

જાનીને મોડે મોડે ખબર પડી કે રીટા પેલાને પરણી તો નથી ! ત્યારથી ધરેન્દ્ર ધીરજ રાખીને બેઠો હતો કે કોક દિવસ તો આ જાનીની જાનુ એને પાછી મળશે… અને એ દિવસ (એટલે કે રાત) ખરેખર આવી જ પહોંચી !

જાનીની સામેની ટીમ 20 ઓવરમાં 199 રન ઠોકી ગઈ હતી. એમાંથી 4 ઓવરમાં 55 રન તો જાનીએ જાતે જ આપ્યા હતા ! કારણ એટલું જ કે સામેની ટીમનો કેપ્ટન ફૂટેલો હતો અને છેલ્લી ઓવર એ જ નાંખવાનો હતો !

જાની ફૂલ કોન્ફિડન્સમાં હતો. આજની મેચ જો એ હારી જાય તો કમિશન પેટે પુરા 35,000 રૂપિયાની કમાણી હતી.

પહેલો દાવ પત્યો ત્યાં 20 મિનિટનો બ્રેક હતો. એ દરમ્યાન જ તેણે રીટાને આવતી જોઈ ! આહાહા… હજી એવી ને એવી લાગતી હતી ! જાની તરત એની પાસે પહોંચી ગયો.

“મને ઓળખ્યો, રીટા ?”

“લે, તને ના ઓળખું ?” એ હસી. “મને ખબર પડી એટલે તો ખાસ તારી મેચ જોવા આવી છું !”

“બોલ, કેટલી બાઉન્ડ્રીઓ તારી બાજુ મારું ?”

“બાઉન્ડ્રીઓ છોડ, બસ એક જ સિક્સર મારવાની છે ! મેચ પછી મને મળ ! મારે તને એક ખાસ વાત કહેવાની છે !”

રીટા જઈને ઓડિયન્સમાં બેસી ગઈ. જાનીને જિગરમાં ચટપટી થવા માંડી. “યાર, આટલા વરસે રીટા મળી છે… ખાસ મારી મેચ જોવા આવી છે… ઉપરથી એને કોઈ ખાસ વાત કહેવી છે… બોસ, તકદીરનો યુ-ટર્ન આવવાની તૈયારી છે !”

199 ચેઝ કરીને 200 બનાવવાના હતા. ધરેન્દ્ર અને ઓર્ગેનાઈઝરોની સ્ક્રીપ્ટ મુજબ આઠ ઓવરમાં 60 રને 5 વિકેટો પડી ગઈ… પછી આવ્યો જાની !

“જાની ! જાની ! જાની !” જે રીતે ધોનીની એન્ટ્રી પડે અને પ્રેક્ષકો “ધોની ! ધોની ! ધોની !”ની બૂમો પાડે એ રીતે અહીં ‘જાની ! જાની !’ની બૂમો પડવા લાગી. જાનીએ બેટ સંભાળ્યું. મેચને છેલ્લી ઓવર સુધી લઈ જવાની હતી પણ સામેની ટીમમાં માત્ર કેપ્ટન જ ફૂટેલો હતો.

જાનીને બે બોલરો બહુ ભારે પડ્યા. હરામખોરો (યાને કે ઈમાનદારો) દર બે ત્રણ ઓવરે એક વિકેટ ખેરવતા રહ્યા. આખરે છેલ્લી ઓવરમાં જીતવા માટે 24 રન કરવાના આવીને ઊભા રહ્યા.

હવે મેચ ‘સેટ’ હતી. છેલ્લી ઓવર સામેનો કેપ્ટન નાંખવાનો હતો.

જાનીએ પહેલા બે બોલ ડોટ બોલ કાઢ્યા…. એણે મેદાનના ખૂણે એક નજર નાંખી. ત્યાં સટોડિયાઓ તાનમાં આવીને નવી શરતો લગાડી રહ્યા હતા.

જાનીએ મેદાનના બીજે ખૂણે નજર નાંખી… ત્યાં રીટા ઉત્સાહમાં આવીને ખુરશી ઉપર ચડીને ઉછળી રહી હતી. “કમ ઓન માય જાની ! કમ ઓન !”

જાનીની જુની મહોબ્બત તાજી થઈ આવી. તેણે સટાસટ ત્રણ બોલમાં ત્રણ સિક્સરો ફટકારી દીધી ! ક્રાઉડ પાગલ થઈ ગયું ! રીટા મેદાનમાં ધસી આવી અને જાનીને ચોંટી પડી !

એણે જાહેરમાં બધા વચ્ચે જાનીને ગાલ ઉપર ચુંબન કરી લીધું ! એ કાનમાં હોટ અવાજે બોલી : “જાની ! હવે મને સિક્સર જોઈએ, હોં !”

બોલો, પછી શું થાય ? મારવાનો હતો ચોગ્ગો, પણ ડિમાન્ડ હતી સિક્સરની ! એક બાજુ હતા માત્ર 35,000 અને બીજી બાજુ હતી આખેઆખી રીટા કામાણી !

મામલો કમાણી વર્સિસ કામાણીનો હતો. ફૂટેલા બોલરે સાવ લોલિપોપ બોલ નાંખ્યો. જાનીએ કચકચાવીને બેટ ઘુમાવ્યું અને… એકસો સાંઈઠ કિલોમીટરની સ્પીડે….

…. વાગી ગયો ચોગ્ગો !!!

મેચની જબરદસ્ત ઉત્તેજના પછી ક્રાઉડ વિખરાઈ રહ્યું હતું ત્યારે જાની ભીડમાંથી રસ્તો કરીને રીટા પાસે ગયો. એણે ક્હયું :

“મારી જાનું ! બોલર જ્યારે છેલ્લા બોલનો રન-અપ લઈ રહ્યો હતો ત્યારે મેં તને તારા આ બોયફ્રેન્ડનો હાથ પકડીને તેના કાનમાં કંઈ કહેતાં જોઈ લીધી હતી !”

રીટાના ચહેરાનો રંગ ઊડી ગયો. ધરેન્દ્ર જાનીએ ઉમેર્યું. “અને હા, છેલ્લી ઓવર શરૂ થતાં પહેલાં મારા ફિક્સરનો માણસ મને ગ્લુકોઝનું પાણી આપવાના બહાને મને કહી ગયો હતો કે તારી ટીમની જીત ઉપર કોઈએ છેલ્લી ઘડીએ એક લાખ રૂપિયા લગાડ્યા છે ! હું સમજી ગયો કે એ તું હશે, કાં તો તારો આ નવો બોયફ્રેન્ડ….”

***

- મન્નુ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments