'મણિકર્ણિકા'નો સેક્યુ-ઈન્ટેલેક્ચુઅલ રિવ્યૂ !


કદાચ તમને ખબર નહિ હોય, પણ આજકાલ ‘મણિકર્ણિકા’ ફિલ્મના પ્રેક્ષકો ત્રણ ફાડચામાં વહેંચાઈ ગયા છે !

પહેલા પ્રકારના પ્રેક્ષકો ‘દેશભક્ત’ પ્રેક્ષકો છે જેઓ ફિલ્મ જોતાં પહેલાં, જોતાં જોતાં અને જોયા પછી ફિલ્મનાં વખાણ, વખાણ અને વખાણ જ કરે છે.

બીજા પ્રકારના પ્રેક્ષકો ‘સેક્યુલર ઈન્ટેલેક્ચ્યુઅલ’ પ્રેક્ષકો છે જેમને આ ફિલ્મ જોતાં પહેલાં, જોયા વિના કે જોવા છતાં વખોડી કાઢવામાં જ રસ છે.

અને ત્રીજા પ્રકારના બિચારા ઓર્ડીનરી પ્રેક્ષકો છે એમને આ ‘પ્રેક્ષક-વૉર’ની કંઈ ખબર જ નથી ! એ લોકો રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવા જાય છે, ફિલ્મ જોતાં જોતાં પોપકોર્ન વધારે ખાય છે અને બહાર નીકળીને એકબીજાને ભોળાભાવે કહે છે કે “સારી હતી… ઠીક હતી… લાંબી હતી.. વગેરે.”

જો તમે ત્રીજા પ્રકારના પ્રેક્ષકો હો તો  આ ‘સ્યુડો-રિવ્યુ’ અહીંથી જ વાંચવાનો રહેવા દેજો કારણ કે આ બહુ અઘરી ભાષામાં લખાયેલો બુધ્ધિજીવી રિવ્યુ છે…

***

"સૌથી પહેલાં તો મને કહેવા દો કે મને ભારતમાં બનનારી છીછરી મનોરંજક અને હેતુવિહિન વ્યાવસાયિક સિનેમા પસંદ જ નથી.

તેમાંય વળી જ્યારે ઐતિહાસિક તથ્યો ઉપર આધારિત ફિલ્મ હોય ત્યારે તો ‘પ્રેક્ષકોની ઉપેક્ષા’ કરવાને બદલે આ વ્યાવસાયિક સિનેમાના માંધાતાઓ ‘તથ્યોની ઉપેક્ષા’ કરવાનું વધારે પસંદ કરતા હોય છે."

(સમજ પડી ? નથી પડતી ! ઓકે. જરા સમજ પડે એવી ભાષામાં પેરોડી લખીએ.)

"આ પહેલાં ટીવીમાં આ જ વારતા સિરિયલ સ્વરૂપે આવી ગઈ હતી ત્યારે મને એના વિશે કોઈ જ વિરોધ નહોતો કારણ કે તે 18 ઓગસ્ટ 2009 અને 19 જુન 2011ની વચ્ચે આવી ગઈ.

સ્વાભાવિક છે કે તે સમયમાં દેશમાં સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક અને ઉદારમતવાદી સરકાર હતી એટલે આ સિરિયલને ટીવીમાં પ્રસારિત કરવા પાછળ એમનો કોઈ છૂપો રાષ્ટ્રવાદી એજન્ડા હતો જ નહિ !

આ તો 2018માં ફિલ્મ આવી એટલે અમારી ફરજ બને છે કે તેનો વિરોધ, વિરોધ અને માત્ર વિરોધ જ કરવો !

- આટલું તો મેં ફિલ્મનું પોસ્ટર જોઈને જ લખી નાંખ્યું હતું ! હવે વિગતવાર લખું…

‘મણિકર્ણિકા’ ફિલ્મ બનાવતાં પહેલાં કોઈ જ પ્રકારની રિસર્ચ કરવામાં આવી નથી. માત્ર અફવાઓ અને કહી-સુની વાતો વડે પટકથા બનાવી દીધી છે.

એની સામે જો તમે ‘સંજુ’ ફિલ્મ જુઓ તો રીતસર દેખાઈ આવે કે તેમણે કેટલી ઝિણવટભરી રિસર્ચ કરી છે. (દાખલા તરીકે સંજય દત્ત 300થી વધુ યુવતીઓ સાથે સેક્સ માણી ચૂક્યો હતો ! અને તે વખતે મુંબઈમાં એક જ ડ્રગ-ડિલર હતો જે પોતે ગ્લુકોઝ પાવડર વડે નશો કરતો હતો !.)

બીજું, ફિલ્મમાં જ્યારે જ્યારે યુધ્ધ શરૂ થવાનું હોય ત્યારે ‘હર હર મહાદેવ’…ના પોકારો થાય છે. એટલું જ નહિ, યુધ્ધ ચાલતું હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં ‘શિવસ્તુતિ’ ટાઈપના કંઈ સંસ્કૃત લોકોનું સતત ઉચ્ચારણ કરવામાં આવ્યું છે.

સીધી વાત છે કે, આ બન્ને હરકતો દ્વારા ફિલ્મ બનાવનારાઓ હાલની હિન્દુવાદી સરકારને મસકા મારવા માગે છે.

ફિલ્મમાં એક મુસ્લિમ પઠાણનું પાત્ર પણ છે પરંતુ ધાર્મિક રીતે તેનું કોઈ મહત્ત્વ સચવાયું નથી. એની સામે તમે ‘પીકે’ ફિલ્મ જુઓ તો લઘુમતી પ્રજાની લાગણી ના દુભાય એટલા ખાતર માત્ર હિન્દુ ધર્મની જ મજાક ઉડાવાઈ છે.

- આટલું તો મેં ફિલ્મનું ટ્રેલર જોઈને જ લખી નાંખ્યું હતું ! હવે વધુ ઊંડાણથી ચર્ચા કરીએ…

ખુબ રિસર્ચ કરીને બનાવાયેલી હોલીવૂડની ફિલ્મોમાં તમે જોયું હશે કે બ્રિટીશરો અથવા અમેરિકનો દુનિયાના કોઈપણ ખૂણે જાય, ત્યાં તેમને અંગ્રેજીમાં વાતચીત કરનારા સહેલાઈથી મળી આવે છે.

છતાં આ ફિલ્મમાં બિચારા અંગ્રેજોને કેટલા કષ્ટપૂર્વક હિન્દી ભાષામાં સંવાદો બોલવાની ફરજ પાડવામાં આવી છે ? આ જ બતાવે છે કે એમને હિન્દી ભાષાનો કેવો દુરાગ્રહ છે.

- આ પણ મેં ફિલ્મનું ટ્રેલર જોઈને જ લખી નાંખ્યું છે !

સાચી વાત તો એ છે કે હું આ ફિલ્મ જોવાનો જ નથી ! કારણ કે આ પ્રકારની પ્રચારાત્મક, રાષ્ટ્રવાદી, હિન્દુવાદી ફિલ્મોના ખરાબ રિવ્યુ લખવા એ જ મારું ‘પરમ સેક્યુલર’ કર્તવ્ય છે !"

(ખાસ નોંધઃ આ સેક્યુલર વિવેચક 'ઉરી' ફિલ્મ જોઈ આવ્યા છે ! તેથી જ તેનો રિવ્યૂ લખવા જેટલા હોશમાં હજી આવ્યા નથી)

***
- મન્નુ શેખચલ્લી

email    mannu41955@gmail.com

Comments

Post a Comment