ગીરના જંગલમાં વસતા સિંહોનાં અકાળે થઈ ગયેલાં મોતની ચર્ચા ચાલી છે ત્યારે સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીની પેલી કવિતા યાદ આવી જાય છે…
સાવજ ગરજે…
વનરાવનનો સાવજ ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
પરંતુ અત્યારે એ કવિતાના શબ્દો જાણે સાવ બદલાઈ ગયા છે…
***
કોની ગ-ર-જે ?
(જીહા, કોની કોની ‘ગરજ’થી આ બધું થયું ?)
ટુરિસ્ટો સેલ્ફીની ગરજે
ગાઈડો રૂપિયાની ગરજે
અફસરો નોકરીની ગરજે
શિકારીઓ શિકારની ગરજે
તંત્ર આખું ચાલ્યું ચાલ્યું
એકબીજાની ગરજે ગરજે
આમાં ક્યાંથી સાવજ ગરજે ?
***
ક્યાં ક્યાં ગરજે ?..
(કોની કોની ગરજથી ‘ક્યાં ક્યાં’ આવું ચાલતું રહ્યું ? વિચારો…)
ઓફિસમાં ખરચાની ગરજે
ચોપડામાં બજેટની ગરજે
પિકનિકમાં જલસાની ગરજે
નેતાના ભપકાની ગરજે
પોસ્ટરોમાં શાનની ગરજે
કોઈકના અભિમાનની ગરજે
સાવજ બન્યા જ્યાં શો-પિસ
દેખાડાના દાવની ગરજે….
***
થર થર કાંપે…
(મેઘાણી સાહેબની કવિતામાં તો સાવજના ડરથી કોણ કોણ કાંપે છે તેની વાત હતી… પણ અહીં?)
બિમારીથી થર થર કાંપે
ભેદી રોગથી થર થર કાંપે
જરી અમથાં જંતુના ઝેરે
ડાલામથ્થા થર થર કાંપે !
***
આંખ ઝબૂકે....
(મૂળ કવિતામાં સાવજની આંખ ઝબૂકે તેનું વર્ણન છે. અહીં જુદું છે…)
કેમેરાની આંખ ઝબૂકે
ફ્લેશ-લાઈટની આંખ ઝબૂકે
સમાચાર જ્યાં બ્રેક થયા
મિડીયાની યે આંખ ઝબૂકે
ઊંઘતા તંત્રની ? આંખ ઝબૂકે !
સકાળા જાગ્યા ? આંખ ઝબૂકે !
(એવામાં અચાનક એકબીજા ઉપર દોષારોપણની કબડ્ડી શરૂ થઈ જાય છે ! ગીત બદલાઈ જાય છે…)
“હૂતૂતૂતૂતૂ…. જામી રમતની રૂતુ…”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment