ખુદ સુપ્રિમ કોર્ટ કહે છે કે ક્રિમિનલ (કલંકિત) સાંસદો અને ધારાસભ્યો માટેનો કાયદો સંસદ અને વિધાનસભામાં જ ઘડી શકાય…
***
વાત ખોટી પણ નથી. કારણ કે આજે ચોરી કરનાર દલા તરવાડીઓ અને સજા કરનાર વશરામ ભૂવાઓ વચ્ચેની ભેદરેખા ક્યારની ભૂંસાઈ ચૂકી છે.
હવે તો ખુદ દલા તરવાડીઓ વશરામ ભૂવાના કૂવામાં જાતે જ હસતાં હસતાં, ડૂબકીઓ મારશે અને પૂછશે “કૂવા રે કૂવા… મારાં કલંક ધોઉં બે ચાર ?”
પછી પોતે જ કૂવાનો અવાજ કાઢીને કહેશે “અરે, ધૂવોને દસ બાર !”
ટુંકમાં ‘કલંકિત સાંસદ’ કે ‘કલંકિત ધારાસભ્ય’ જેવું કશું રહેશે જ નહિ ! સૌનું ભવિષ્ય ડિટર્જન્ટ પાવડરો કરતાં ય ઉજ્જવળ છે.
ધારો કે આ દલા તરવાડીઓ આ ‘કલંક’ માટે સદનમાં ખરડાઓ લાવશે તો તે કેવા હશે ?
***
(1) સદનના કલંક સ્વચ્છિકરણનો ખરડો
કેટલાક કથિત અહેવાલો મુજબ સદનની ગરિમા કેટલાક કથિત સદસ્યો દ્વારા કલંકિત થઈ હોવાનું કહેવાય છે. આથી સૌ પ્રથમ સદનને લાગેલા કથિત કલંકને ધોવા માટે દેશની પવિત્ર નદીઓની શુધ્ધિકરણ યોજનાઓ વડે શુધ્ધિકરણ પામેલાં પાણી વડે સદનોને ધોઈને, સ્વચ્છ કરીને, બિન-કલંકિત કરી શકાય તે માટે દર વરસે 1250 કરોડની ‘સદન શુધ્ધિકરણ યોજના’ને મંજુરી આપવામાં આવે.
***
(2) સતત સ્વચ્છીકરણની જોગવાઈ
આગામી ચૂંટણીઓ પછી પણ જો સદનમાં કથિત રૂપે કલંકિત સદસ્યો પ્રવેશે તો સદનને સતત રીતે શુધ્ધ રાખવા માટે સદનની બહાર એક ‘સદૈવ શુધ્ધિકરણ પ્લાન્ટ’ ઊભો કરવામાં આવે. જેના નિર્માણ માટે 2000 કરોડ રૂપિયા તથા તેના રખ-રખાવ માટે દર વરસે 3000 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવે.
***
(3) સભ્યોના સ્વચ્છીકરણ અધિકારનો ખરડો
કથિત રીતે કલંકિત થયેલા સભ્યોને પોતાની ઉપર લાગેલા કલંક દૂર કરી શકવાનો અબાધિત ‘નિષ્કલંક’ અધિકાર આપવામાં આવે છે.
આથી દરેક સદસ્ય પોતાના પર લાગેલા કથિત કલંકને કોર્ટમાં જઈ દૂર કરાવી શકે તે માટે દરેક સદસ્યના ભથ્થામાં માસિક 10 કરોડ રૂપિયાનું ‘કલંક-નિષ્કાસન’ ભથ્થું મંજુર કરવામાં આવે.
- લોકશાહી અમર રહો…
- મન્નુ શેખચલ્લી
Lokshahi hajam karo
ReplyDelete