કન્ફ્યુઝ કરતા જાલિમ સવાલો ...


અમુક સવાલો એવા હોય છે જેના જવાબો તો હોતા જ નથી, પણ સવાલ સાંભળવાથી દિમાગમાં કારણ વિનાનું કન્ફ્યુઝન વધી જાય છે !

દાખલા તરીકે…

***

જો દુનિયાભરના દેશો અબજો-ખર્વોના દેવામાં છે… તો ભાઈ, ‘લેણદાર’ દેશો ક્યાં છે ?

***

કહે છે કે ‘પ્રેક્ટિસ મેઈક્સ અ મેન પરફેક્ટ…’ તો રોજની હજારો રૂપિયાની (પ્રેક્ટિસ) કરતાં આપણા વકલો અને ડોક્ટરોને ‘પરફેક્ટ’ થતાં હજી કેટલા વરસ લાગશે ?

***

કેન્સર ફેલાતું અટકાવવા માટે ધુમ્રપાન ઉપર પ્રતિબંધ મુકાય છે…. તો એઈડ્સ ફેલાતો અટકાવવા માટે કેમ કશા ઉપર પ્રતિબંધ નથી મુકતા ?

***

જો કોઈ પરણેલો પુરુષ બીજા કોઈની ‘પત્ની’ સાથે લફરું કરે તો એ ‘એડલ્ટરી’નો ગુનો બને છે… પરંતુ એ જ પુરુષ જો બીજા કોઈના ‘પતિ’ સાથે ‘સંમતિથી સંબંધો’ બાંધે તો એ હવે ‘કાયદેસર’ શી રીતે થઈ ગયું ?

***

હાર્દિક પટેલનો ટેકેદાર કાલે પૂછતો હતો કે આ જે L, G, B, T નામની ચાર નવી જાતિ ઉમેરાઈ છે… એ પણ હવે અનામતમાં ભાગ પડાવશે ? ચેતો… ચેતો…

***

કહે છે કે “ચોથું વિશ્વયુધ્ધ તો પથ્થરો વડે લડાશે.”

તો બોસ, હું શું કહું છું કે ભારત સરકાર આ બધાં વિમાનો-ફિમાનો ખરીદવાને બદલે ડાયરેક્ટર અબજો ડોલરના પથ્થરો કેમ નથી ખરીદવા માંડતી ?

***

અરે, ડોલર મોંઘો જ થવાનો છે. તો યાર, ભારતે અમેરિકા જોડેથી પાંચ-દસ હજાર કરોડના ડોલર શા માટે ના ખરીદી લેવા જોઈએ ?

...બોલો, છે ને સખ્ખત કન્ફ્યુઝન !

- મન્નુ શેખચલ્લી

Comments