ક્રિકેટ-સટ્ટો હવે કાયદેસર?


આપણા કાનૂનપંચે સરકારને 'કાયદેસર' ભલામણ કરી દીધી છે કે ક્રિકેટ જેવી રમતો ઉપર રમાતો સટ્ટો કાયદેસર કરી નાંખવો જોઈએ !

વાહ ! જસ્ટ ઈમેજીન કરો... કે કેવા કેવા લોચા પડશે ?

***

"હલો... મારે ઇન્ડિયા-પાકિસ્તાન મેચ પર શરત લગાડવી છે."

"બ્લેકમાં કે વ્હાઈટમાં ?"

"કેમ શું ફેર પડે ?"

"જુઓ, બ્લેકમાં લગાડો તો કોઈ રસીદ, કોઈ બિલ મળશે નહીં.... અને વ્હાઈટમાં લગાડશો તો 10 ટકા ટીડીએસ, 18 ટકા જીએસટી, 5 ટકા વેટ અને 1 ટકો શિક્ષણ ટેક્સ લાગશે.'

"શિક્ષણ ટેક્સ ? સટ્ટા ઉપર ? હોહોહો....."

"ઓ ભઇ, બેટ લગાડવાની છે કે નહીં ?"

"હા, લગાડવાની છે અને એ બી વ્હાઈટમાં..... જુઓ, તમે છે ને...."

"એક મિનિટ બોસ... પહેલાં પાન કાર્ડ નંબર લખાવો, પછી આધારકાર્ડ નંબર જોઈશે, પછી બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ..."

"યાર, આ બધું લખાવવા રહીશ તો મેચ સ્ટાર્ટ થઇ જશે !"

"એ તો થઇ ગઈ, ભઈલા !"

"હેં ?"

"હા !" અને બકા પેમેન્ટ કેવી રીતે કરવાનું છે ? કાર્ડથી કે પેટીએમથી ?

"એ કહું  છું,  પણ બોસ, ભાવ શું ચાલે છે ?"

"ઇન્ડિયા વિનના 1.35..."

"એટલે ?"

"એટલે એમ કે તમે 100 રૂપિયાની શરત લગાડો અને જીતો, તો મારે તમને 135 આપવાના... પણ એમાંથી ટોટલ 32 ટકા ટેક્સ કટ થઇ જાય એટલે તમને મળે 91 રૂપિયા અને 80 પૈસા...."

"બે... યાર... આ તો જીતવા છતાં લોસ  જાય !"

"શું કરીએ ભઈ ? ટેક્સ એટલે ટેક્સ. હવે ઝટ બોલો, શરત લગાડવાની છે કે નહીં ?"

"હા, હા, લગાડવાની જ છે."

"કઈ વાત પર ?"

"અં .... ઇન્ડિયા પહેલી ઓવરમાં 15થી વધારે રન કરશે. એ વાત પર."

"ઓ ભઈ ..... જાગો ! પહેલી ઓવર તો ક્યારની પતી ગઈ !"

"હેં ? તો પછી એક કામ કરો, પાકિસ્તાન જીતે છે એની ઉપર લગાડો. એનો શું ભાવ છે?"

"2.65..."

"એટલે ? ટેક્સ કપાતા કેટલા મળે ? જરા, પ્લીઝ, ગણીને સમજાવો ને ?"

"એ ટોપા ! એ બધાનો ટાઈમ નથી. તારે શરત કેટલાની લગાડવાની છે ?"

"બસ.. એક રૂપિયાની !"

"અબે તેરી તો... સાલા, ટાઈમપાસ કરે છે ? નાલાયક, હરામખોર, હલકટ, ચંબૂક ..."

-મન્નુ શેખચલ્લી 

Comments