હવામાં ગોળીબાર
ભગવાને પેલી જુની વારતાના શેખચલ્લીનો આત્મા અમારા દિમાગમાં છુટ્ટો રખડતો મુકી દીધો છે. આના કારણે થાય છે એવું કે કંઈ પણ વિચિત્ર ઘટના બને કે તરત અમારા દિમાગનો શેખચલ્લી અંદરની સાંકડી ગલીકૂચીમાં દોડમદોડ કરી મુકે છે અને જાતજાતના તરંગ-તુક્કા વહેતા મુકવા માંડે છે. ત્યારબાદ અમારી દસ રૂપિયાવાળી સસ્તી બોલપેન માંડમાંડ એન્ટેના બનીને એ તરંગોને પકડવાની કોશિશ કરતી રહે છે.
આ વખતે વાત એમ બની કે યુપીની હાઈકોર્ટે આદેશ જારી કર્યો છે કે પશુઓને ‘વ્યક્તિ’નો દરજ્જો આપવામાં આવે !
ઓ મારા માનનીય જજસાહેબ, અહીં જ્યાં માણસો એકબીજાને ગધેડા સાબિત કરવાની હરિફાઈમાં પડ્યા છે ત્યાં તમે આવા શો હુકમ બહાર પાડ્યો ? સાચી જરૂર તો આજના અમુક માણસોને પશુઓનો દરજ્જો આપવાની છે…
અમારું ઓર્ડિનરી દિમાગ ક્યા 'વ્યક્તિ-વિશેષ'ને કયા 'પશુ-વિશેષ'નો દરજ્જો આપી શકાય તેની ગડમથલમાં હતું ત્યાં અંદર બેઠેલા શેખચલ્લીએ કંઈ ભળતો જ ઉત્પાત મચાવવા માંડ્યો… જેનું પરિણામ હવે પછીના શબ્દોમાં આવી રહ્યું છે, સંભાળજો.
***
વાત જાણે એમ બનશે કે અત્યાર લગી ‘પશુ-પત્રિકા’ના નામે માત્ર પશુઓ માટે બહાર પડતું અખબાર થોડા સમય પછી તેનું નામ બદલીને ‘વ્યક્તિ-વર્તમાન’ કરી નાંખશે !
ત્યાર બાદ એમાં કેવા કેવા અહેવાલો છપાશે તે શેખચલ્લી જાણે…
***
વાનરોનો વિરોધ
પશુઓને વ્યક્તિનો દરજ્જો મળવાને પગલે તેમનાં આધારકાર્ડ બનવાની જે પ્રક્રિયા શરૂ થઈ છે તેનો સૌથી પહેલો વિરોધ વાનરો દ્વારા થઈ રહ્યો છે.
તેમનું કહેવું એમ છે કે એક તો પહેલેથી જ આધારકાર્ડ માટે માણસો દ્વારા જે ફોટા પડાઈ રહ્યા છે તેમાં ભલભલાનાં ડાચાં કાળા થઈ જાય છે, તો અમારાં તો પહેલેથી કાળાં છે !
જો આ જ તકલાદી ટચૂકડા કેમેરાઓ વડે અમારી તસવીરો લેવવાની હોય તો અમારો સખત વિરોધ છે કારણ કે પછી તો સરકાર તરફથી અપનારાં ઝાડ, પાંદડાં, ફળ-ફળાદિ કે ઈવન હિંચકાઓ ઉપર એકના બદલે બીજો વાનર તરાપ મારતો હશે.
ઉપરોક્ત નિવેદન આપ્યા બાદ તેમના પ્રમુખ અને 'વાનર-વ્યક્તિ-વિશેષ' શ્રી હૂપાહૂપે જણાવ્યું હતું કે આ બાબતે હું ગુલાંટ મારી જઈશ એવી ભ્રમણામાં રહેતા નહિ.
***
ફિંગરપ્રિન્ટનો વિરોધ
“શું અમે ક્રિમિનલ્સ છીએ ? અમારી ફિંગરપ્રિન્ટો લેવાનો આગ્રહ રાખીને સરકાર શા માટે અમારી તરફ ક્રિમિનલ્સ જેવો વ્યવહાર કરી રહી છે ?”
આ પ્રકારનો આકરો વિરોધ વાઘ, સિંહ, દિપડા, ચિત્તા, વરુ, શિયાળ તથા બિલાડા જેવી ‘વ્યક્તિઓ’ અગાઉ કરી જ ચૂકી છે પરંતુ હવે તેમાં નવા પ્રકારની ‘વ્યક્તિઓ’નો ઉમેરો થયો છે.
ઘોડા, ગધેડા, ખચ્ચર, ગાય, ભેંશ, બકરી તથા ઘેટાં જેવાં ખરીવાળાં પશુઓએ આ ફિંગરપ્રિન્ટ પ્રથાનો વિરોધ શરૂ કર્યો છે.
એમનું કહેવું એમ છે કે નહોરવાળાં ખતરનાક પ્રાણીઓની ફિંગરપ્રિન્ટો તો લેવાવી જ જોઈએ પરંતુ અમારે તો ‘ખરી’ છે ! એની પ્રિન્ટો તો સરખી જ આવશે.
વળી ‘ખરી’ની ‘ખોટી’ પ્રિન્ટ બહુ આસાનીથી બનાવી શકાય તેમ હોવાથી અમારાં બેન્ક-ખાતાંઓ, લોકરો તથા મોબાઈલોની કોઈ સલામતી રહેશે જ નહિ.
અખિલ ભારતીય 'ખરી-વ્યક્તિઓ'ના પ્રતિનિધિએ વધુમાં જણાવ્યું હતું કે અમને 'ખરી-ખોટી' સંભળાવવામાં જરાય રસ નથી. તેથી સરકાર બનતી ઝડપે આ બાબતે પગલાં લે તે જરૂરી છે કારણ કે દેશનાં તમામ 'ખરી'વાળાં પશુઓ કારણ વિના ‘ખોટી થઈ રહ્યાં છે.’
***
વૌઠાના ગદર્ભોની વ્યથા
ઉત્તર ગુજરાતના વૌઠા ગામે ભરાતા અનોખા મેળાનું મહત્ત્વ ચોક્કસ પ્રકારના 'વ્યક્તિ-વિશેષો'ને કારણે જ છે તેનું જ્ઞાન મોડે મોડે જે તે 'વ્યક્તિઓ'ને થયું છે.
સુજ્ઞ વાચકો સમજી જ ગયા હશે કે આ વ્યક્તિએ એટલે ગદર્ભો. વૌઠા ગામના સીમાડે દર વરસે ભરતા આ મેળામાં ગદર્ભોની લે-વેચ થાય છે જેના માટે તેમના શરીર ઉપર ગુલાબી રંગ વડે રંગપૂરણી પણ કરવામાં આવે છે.
જોકે ગદર્ભોને રંગપૂરણી સામે કોઈ વાંધો નથી પરંતુ તેમની માગણી છે કે હવેથી દરેક ગદર્ભને પાન-કાર્ડ આપવામાં આવે. જેથી કરીને તેમને મળતાં ઈનામો તથા તેમના વેચાણથી થતા નફાને તેઓ પોતાના બેન્ક-ખાતામાં જમા કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેળામાં જમા થયેલા સૌ ગદર્ભોએ પોતાની માગણી ‘એકી અવાજે’ દોહરાવતાં જે અવાજ ઉત્પન્ન થયો હતો તેને વૌઠા પંથકનું સૌથી ઊંચું 'ધ્વનિ-પ્રદૂષણ' માનવામાં આવે છે.
***
હાથીઓને જોઈએ છે RTE
સરકારી શાળાઓમાં જ્યાં ઘેટાં-બકરાં તથા હરણાં જેવી માસૂમ 'વ્યક્તિ-પ્રજાતિઓ'ને પોતાના સ્વ-બચાવ માટે જુડો-કરાટે જેવી યુદ્ધ કળાઓનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યાં હાથીઓએ હવે ‘રાઈટ ટુ એજ્યુકેશન’નો મુદ્દો ઉઠાવીને શાળામાં પ્રવેશની માગણી ઉઠાવી છે.
હાથીઓનું કહેવું છે કે અમે પણ શાકાહારી પશુ છીએ તેથી અમને પણ સ્વ-બચાવના પ્રશિક્ષણની જરૂર છે.
ઉપરોક્ત માગણીના સંદર્ભે સરકારી ‘વ્યક્તિ-શિક્ષણ વિભાગ’ના અધિકારીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હાથીઓને પ્રવેશ આપવામાં કોઈ સૈધ્ધાંતિક વાંધો છે જ નહિ. સમસ્યા એ છે કે એક હાથીને એક સીટ ફાળવવામાં આવે તેમાં અન્ય 20 થી 25 સીટોનો સામટો ભોગ લેવાઈ જાય છે.
જોકે હાથીઓના નેતાએ આ ખુલાસાને અસ્વીકાર્ય માનતાં કહ્યું હતું કે જો અમારી માગણી પર ધ્યાન નહીં આપવામાં આવે તો અમને ‘કેજરી-ચીંધ્યા’ માર્ગે શાળાઓમાં ધરણાં કરવાની ફરજ પડશે.
***
કૂતરાંઓ ક્રાંતિ કરશે
શ્વાનોની વસતી નિયંત્રણમાં રાખવા માટે વિવિધ મ્યુનિસિપાલિટીઓ જે ‘ખસીકરણ’ની ઝૂંબેશો ચલાવાતી આવી છે તે જ હવે બહુ મોટી ક્રાંતિને જન્મ આપી શકે છે.
ખસીકરણનો સખત વિરોધ કરી રહેલા શ્વાનોના નેતા શ્રી કુત્રેએ ઇન્દિરા ગાંધી દ્વારા ઇમરજન્સીના સમયમાં જે નસબંધીના કાર્યક્રમોનો જબરદસ્ત અમલ કરાવ્યો હતો તેની યાદ અપાવતા કહ્યું હતું કે જે રીતે નસબંધીથી એમની સરકારનો તખતાપલટો થઈ ગયો હતો એ જ રીતે અમારા ખસીકરણથી ઉદ્ભવનારી ક્રાંતિ પણ સરકારનો ભોગ લઈને જ જંપશે...
આ સમગ્ર મામલે નારી જાતિની શ્વાનડીઓએ ચૂપ રહેવાનું પસંદ કર્યું છે કારણકે શ્વાનોમાં હજી માનવોની જેમ લગ્ન કે એક પતિ પ્રથા શરુ થઈ નથી.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment