લો, એક રિપોર્ટ કહે છે કે ભારતમાં 56 ટકા કંપનીઓને ખાલી જગ્યાઓ ભરવા માટે ટેલેન્ટની અછત પડે છે.
અલ્યા ભઈ ? ભારતમાં તો ટેલેન્ટોના રાફડા ફાટ્યા છે રાફડા ! જુઓ નમુના…
***
તલાટીની ટેલેન્ટ
જો 100 તલાટીઓની જગ્યા ભરવાની હોય તો બોસ, 12000થી વધુ અરજીઓ આવે છે ! એનો અર્થ શું થયો ? દેશમાં ‘તલાટી-ટેલેન્ટ’નો ફૂગાવો છે !
***
કવિ-ટેલેન્ટ
જરી અમથો વરસાદ પડ્યો નથી ત્યાં તો ફેસબુકમાંથી સેંકડોની સંખ્યામાં કવિઓ એ રીતે ફૂટી નીકળે છે જે રીતે વરસાદમાં દેડકાં બહાર આવી જાય છે ! ભાઈ, દુકાળ ક્યાં છે ટેલેન્ટનો ?
***
કરુબાજ ટેલેન્ટ
1,25,000 કરોડ… સાહેબો, દેશની શ્રેષ્ઠ કરુબાજ ટેલેન્ટે માત્ર બેન્કોમાંથી આટલા રૂપિયાનું કરી નાંખ્યું છે ! અમે તો કહીએ છીએ કે આ પ્રતિભાઓને પાકિસ્તાનમાં એક્સપોર્ટ કરો ! બિચારું બે જ વરસમાં ‘નાદાર’ થઈ જશે…
***
યુ-ટ્યુબ ટેલેન્ટ
દેશમાં રોજ કેટ-કેટલી ઓરીજિનલ ટેલેન્ટના વિડીયોઝ અપલોડ થાય છે, કંઈ અંદાજ છે ? યાર, પેલી ‘ઢીન-ચાક-પૂજા’ તો સાવ બેસૂરી અને બે-તાલ હોવા છતાં 3.5 લાખ ફોલોઅર્સ ધરાવે છે !
***
ફોટોગ્રાફી ટેલેન્ટ
જ્યારથી મોબાઈલમાં ‘સેલ્ફી-મોડ’ આવ્યો છે ત્યારથી દેશમાં ફોટોગ્રાફરોની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ છે. એમાંય, અમુક તો ‘જાનના જોખમે’ સેલ્ફીઓ લેવા જતાં જીવ પણ ગુમાવી બેઠા છે !
સેલ્યુટ ટુ ધેર શહાદતી ટેલેન્ટ..
***
ફિલ્મ-રિવ્યુ ટેલેન્ટ
આ દેશનો નંબર વન ફિલ્મ-વિવેચક કોણ છે… કમાલ ખાન !
(ફિલ્મોના રિવ્યુ આપતા જ્ઞાની વિવેચકો માટે માત્ર આ એક વાક્ય પુરતું નથી ?)
***
બિટકોઈન ટેલેન્ટ, જૂની નોટોની ટેલેન્ટ, બેન્ક ડિટેઈલ્સની ટેલેન્ટ, એક કા ચારની ટેલેન્ટ, નોકરીઓ અપાવનારની ટેલેન્ટ…
આર્થિક આંટીઘૂંટીઓ વડે અર્થોપાર્જન કરવાની જે ટેલેન્ટ ભારતમાં છે એ તો ક્યાંય નહીં હોય.
***
ધારાસભ્યોની ટેલેન્ટ
અરે ભાઈ, આ લોકોની વફાદારીની ટેલેન્ટ સાચવવા માટે ઘણીવાર એમને મોંઘા રિસોર્ટમાં ‘સંતાડીને’ રાખવા પડે છે…
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment