આ ઉનાળે ગરમીથી બચવા માટે એસી ખરીદવાનો ખર્ચો પોષાય તેમ ના હોય તો થોડા સસ્તા શોર્ટ-કટ તૈયાર છે ! લખી રાખો…
***
ભરબપોરે કોઈ મોલમાં ઘૂસી જાવ. બે ત્રણ કલાક આંટા મારો. સેન્ટ્રલી એરકન્ડીશન્ડ હવાની મોજ માણો… ચાલી ચાલીને થાકી જાવ પછી ફૂડ-કોર્ટમાં જાવ… સસ્તામાં સસ્તું સોફ્ટ-ડ્રીંક ઓર્ડર કરીને વધુ અડધો કલાક ટાઈમપાસ કરો.
***
કોઈ એસી રેસ્ટોરન્ટમાં જાવ. બેસો. પાણી મંગાવો. મેનુ મંગાવો. સ્ટડી કરો. પછી વેઈટરને બોલાવીને પૂછો કે તૈયારમાં શું શું મળશે… કઈ આઈટમમાં શું આવે છે… વગેરે.
બધું પતે પછી કહેવાનું કે “આ તો એટલા માટે પૂછ્યું કે મારા દસ-બાર ફ્રેન્ડઝને અહીં જમવા માટે બોલાવવાના છે ! એટલે બધું પૂછું છું ! કોઈ ડિસ્કાઉન્ટ-બિસ્કાઉન્ટ ખરું ? મેનેજર ક્યાં છે ?”
મેનેજરને બોલાવીને અડધો કલાક સુધી ભાવતાલ કરી જુઓ. બપોરના સન્નાટામાં ઓછી ઘરાકીને લીધે ભાવમાં ડિસ્કાઉન્ટ મળે પણ ખરું !
આખરે ભાવનું ડિસ્કાઉન્ટ નક્કી થયા પછી અટ્ટમ સટ્ટમ ગમે તે નંબર લગાડીને (ખરેખર તો કંપનીના કસ્ટમર કેરનો નંબર લગાડવાનો, જેથી સામેના છેડે કોઈ હોય જ નહિ.) ફોનમાં વિગતવાર ડિટેઈલ્સ આપવાની… “અહીં આટલી આટલી આઈટમો છે… આટલો આટલો ભાવ છે… આટલું ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છે.. બોલો, આવો છો ને ?”
આવી વાતો કર્યા પછી “આવો, આવો, તમારી રાહ જોતો બેઠો છું…” એમ કહીને બીજો પોણો કલાક ખેંચી કાઢો.
પછી જ્યારે વેઈટર અને મેનેજર અધીરા થઈને પૂછપરછ કરવા માંડે ત્યારે ફરી એ જ (કસ્ટમર કેરના) નંબરો લગાડીને કીધે રાખો “અલ્યાઓ, ક્યાં છો ? ટોપાઓ, આવો ને? હજી કેટલી વાર? ”
ફોન મુકીને “આવે છે, હમણાં આવે છે.” એમ કહીને બીજો અડધો કલાક ખેંચો.
છેવટે વધારે તાણવાથી તૂટી જશે એવું લાગે ત્યારે ફોનમાં ગુસ્સો ઠાલવો “બે યાર, હદ કરો છો ? મને અહીં બેસાડીને તમે ત્યાં સસ્તી રેસ્ટોરન્ટમાં બેસી ગયા ? હવે ત્યાં જ બેસજો, સાલાઓ… આવું છું…”
એમ કહીને બહાર નીકળી, ગોગલ્સ આંખે ચડાવીને બાઈકની કીક મારતાં નીકળી જાવ.
***
હજી સસ્તો આઈડીયા જોઈએ છે ?
તો બરફ બનાવવાની ફેકટરી શોધી કાઢો. ત્યાં જઈને ઊભા રહો… મફતમાં !
***
અચ્છા બે પૈસા કમાવા પણ છે ? તો એ બરફની ફેકટરીમાં ટેમ્પરરી નોકરી લઈ લો ને !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment