રવિવારે શું શું 'ના' કરવું ?


આજે રવિવાર છે. આજે અને આજ પછીના તમામ રવિવારે શું શું ના કરવું તે લખી રાખો, સુખી થશો…

***

રવિવારે સવારે ઊઠીને ઘડિયાળમાં ના જોશો.

કારણ કે વહેલા ઊઠ્યા હશો તોય દુઃખી થશો અને મોડા ઊઠ્યા હશો તો આમેય બૈરી દુઃખી કરશે.

***

પત્ની સાથે વાત કરતાં ભૂલથી યે ‘માળિયું’ શબ્દ બોલતા નહિ…

નહિતર આખું ‘પ્રિ-લન્ચ સેશન’ માળિયામાં જશે !

***

રવિવાર છે એટલે છાંપાં ‘ડિટેઈલ’માં વાંચવાની કોઈ જરૂર નથી.

કારણ કે દેશ, સમાજ તથા બેન્કોની હાલતના વિચારો કરતાં કતાં મગજમાં વિચારવાયુનો ગોટો ચડી જશે !

***

પથારીમાં કપડાંનો ઢગલો, ટેબલ ઉપર કાગળિયાંનો જથ્થો અને લેપ-ટોપમાં નક્કામી ફાઈલોનો કચરો…

આ ત્રણેય ચીજોથી દૂર રહો. નહિતર દિમાગ અને ટાઈમ બન્નેની બરબાદી નક્કી છે.

***

રાત્રે રેસ્ટોરન્ટમાં જમવા જવાના હો તો વહેલા ના પહોંચી જતા..

ભૂખ નહીં હોય છતાં બિલના પૈસા વસૂલ કરવામાં ખા ખા કરશો. પછી અપચો થશે.

***

રેસ્ટોરન્ટમાં મોડા પણ ના પહોંચતા કારણ કે ત્યાં વેઇટિંગમાં નામ લખાવીને બહાર બેસવું પડશે.

***

જો વેઈટિંગમાં બેઠા હો તો બીજા લોકો જોડે નીરવ મોદી અને બેન્ક કૌભાંડોની વાતો ના કાઢતા..

કારણ કે મોટા અવાજે ચર્ચા કરવામાં તમારું નામ ક્યારે બોલાઈ જશે એની ખબર જ નહીં પડે.

***

જમ્યા પછી ગ્રુપ સેલ્ફીમાં દિવેલ જેવું ડાચું ના રાખતા …

નહિતર વાઈફ ખખડાવશે કે તમારે લીધે જ FBમાં લાઈકો ઓછી આવે છે.

***

બરફગોળા કે કુલ્ફીની લારીએ ભાવનું લિસ્ટ જોઈને લારીવાળાનો ‘વકરો’ ગણવો નહિ…

કારણ કે પછી નોકરી છોડીને બરફગોળાની લારી ચાલુ કરવાના વિચારો આવશે !

***

રાત્રે સુતાં પહેલાં મોબાઈલમાં બીજાઓની વાઈફોનાં FB પેજો જોવા નહીં … ખાલીખોટી જલન થશે, આખી રાત !

- ચાલો, હેપ્પી સન્ડે !

- મન્નુ શેખચલ્લી

Comments