'તીન દેવીયાં' એડલ્ટ ફિલ્મ હતી ?

હેડીંગ વાંચીને ચોંકી ગયા ને ? પરંતુ આજે પણ તમે યુ-ટ્યુબ ખોલીને જોઈ શકો છો. ફિલ્મ શરૂ થતાં પહેલાં જે સેન્સર બોર્ડનું સર્ટિફીકેટ બતાડે છે એમાં સ્પષ્ટ, મોટો, કેપિટલ ‘એ’ દેખાય છે !

આપણને થાય કે ભૈશાબ, ‘તીન દેવીયાં’માં એવું તે વળી શું ‘એડલ્ટ’ હતું ? તો સાહેબો, એ જમાનામાં પરદા ઉપર બે ફૂલો ટકાય… ભમરો ફૂલની અંદર જતો દેખાય… અને પછી પાણીનો ધોધ છૂટતો બતાડે… એ પછી શું જોવા મળતું હતું ?

તો સૌ જાણો છો, નેકસ્ટ સીનમાં હિરોઈને હીરોને કહેતી હોય : ‘મૈં માં બનનેવાલી હું !’

મતલબ કે હિન્દી ફિલ્મોમાં ‘સિમ્બોલિઝમ’ની આ ભાષા તમામ પ્રેક્ષકોને (નાનાં બાળકોને પણ) આવડતી હતી !

આવા જમાનામાં એક હેન્ડસમ હીરો ત્રણ ત્રણ હીરોઈન સાથે રોમાન્સ કરે… દરેકની જોડે મસ્ત રોમેન્ટિક ગાયનો પણ ગાય… અને ત્રણે ત્રણને મીઠી મીઠી વાતો કરીને ‘ફેરવે’ (અમદાવાદી ભાષા મુજબ)… એવું બધું તમે ૧૮ વરસથી નાનાં માસૂમ બાળકોને શી રીતે બતાડી શકો ?

પાછું એવું પણ નથી કે બીજી બે હિરોઈનો ‘ચાલુ’ છે, કે પછી દેવ આનંદને ‘ફસાવે’ છે, કે એમની કોઈ ખતરનાક ‘ચાલ’ હોય !

અચ્છા, દેવ આનંદ પણ કોઈ ભેદી સસ્પેન્સ ખોલવા માટે એમની જોડે ‘પ્યાર કા નાટક’ કરતો હોય એવું ય નથી ! ઉલ્ટું, એ પણ એમને મસ્ત ‘ભાવ’ આપે છે ! એમના માટે ગાયનો પણ ગાય છે ! સાલું, આમાં તો બિચારું એ જમાનાનું ઓડિયન્સ પણ કન્ફ્યુઝ થઈ જાય ને ?

પણ પ્રોડ્યુસર અમરજીતને એમ હશે કે આપણા દેવઆનંદ ઉપર આમેય દેશભરની લાખો છોકરીઓ ‘જાન છીડકે’ છે, તો એમાંથી માત્ર ‘ત્રણ’ દેવીઓને દેવઆનંદની પાછળ ફિદા થતી બતાડવામાં શું વાંધો ?

અમરજીતને એમ પણ હશે કે જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યાર દેવઆનંદને ચારે બાજુથી અડધો-પોણો ડઝન છોકરી ઘેરી વળતી હોય એવું બતાડ્યા કરીશું તો દેશભરની છોકરીઓ વારંવાર બ્લેકમાં ટિકીટો લઈલઈને ‘તીન દેવીયાં’ જોવા માટે રીતસર પડાપડી કરતી હશે !

બેશક, દેવઆનંદ પાછળ છોકરીઓ પાગલ હતી, પણ બધીને ફિલ્મ જોતાં જોતાં એમ થયું હશે કે ‘દેવ તો મારો છે, તો પછી પેલી બીજી બે ચૂડેલો કોણ છે ?’

જે હોય તે, અમરજીતને આશા હતી એટલી ફિલ્મ ચાલી નહીં. (એ વરસની કમાણીમાં ૧૮મા નંબરે રહેલી.) પરંતુ જો તમે આજે પણ દેવઆનંદના આશિક હો, અને ‘આન્ટી’ તો શું ‘અંકલ’ પણ હો, તો મિત્રો ફિલ્મની વારતા ગઈ તેલ લેવા… તમે દેવઆનંદની અદાઓ, એનો ચાર્મ અને એની ડ્રેસિંગ સેન્સ પર ફરીથી (વન્સ મોર સહિત) ફીદા થઈ શકો છો ! કેમકે ફક્ત અદાઓથી મોહી શકે એવો એકટર હજી દેવ આનંદ સિવાય બીજો કોઈ પાક્યો નથી ! કસમ સે !

લેખમાં ત્યાર સુધી આપણે અમરજીતનું નામ લીધા કરીએ છીએ પણ જે રીતે ‘હમ દોનોં’ વિશે ભાંડો ફૂટી ગયેલો કે ‘આ તો વિજય આનંદે ડિરેક્ટ કરેલી’, એ જ રીતે દેવ આનંદે રહી રહીને પેપર ફોડેલું કે ‘તીન દેવીયાં’ તો મેં જ ડિરેક્ટ કરેલી !

ચાલો, માની લઈએ, પણ પછી જ્યારે તમે ‘પ્રેમ પૂજારી’ જુઓ ત્યારે પાક્કો ડાઉટ પડે ! કે બોસ, ખરેખર ‘તીન દેવીયાં’ દેવ સાહેબે ડીરેક્ટ કરી હશે ? અચ્છા, માની લો કે અમરજીતે ડીરેક્ટ કરી છે, તો બોસ ‘ગેમ્બલર’ જોયા પછી તો ખાતરી થઈ જાય કે અમરજીતનું તો પરદા ઉપર માત્ર નામ જ હતું !

તો પછી ‘કામ’ કોનું હતું ?

તે ગાયનોનાં પિક્ચરાઈઝેશનો જુઓ… ‘અરે યાર મેરી તુમ ભી હો ગજબ…’ અને ‘લિખા હૈ તેરી આંખો મેં…’ અહીં રીતસરની વિજય આનંદની છાપ દેખાય છે. બાકી કોને એવો વિચાર આવે કે નંદાને ‘ખચ્ચર’ પર બેસાડીને દેવઆનંદને એની પાછળ પાછળ પિકનિકની બાસ્કેટ અને સામાનની બેગ ઉઠાવીને ચાલતા હસમુખી ‘કુલી’ જેવો દેખાડી શકાય ?

એમાંય, ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત…’ ગાયનની તો વાત જ એકસ્ટ્રા ઓર્ડિનરી છે. તમે માર્ક કરજો, આખેઆખો એ પાર્ટીનો સીન સળંગ ૨૦ મિનિટ ચાલે છે !

અહીં હોલમાં કમ સે કમ ૪૦-૫૦ મહેમાનો છે. પરંતુ બીજી ફિલ્મોમાં જે રીતે ગાયન દરમ્યાન બબૂચક પ્રેક્ષકોની જેમ મહેમાનોને ઊભા રાખી દેવામાં આવે છે એવું અહીં નથી ! બલ્કે લગભગ દરેક વ્યક્તિની ચોક્કસ આઈડેન્ટીટી પણ છે, ખાસ પ્રકારની મૂવમેન્ટ છે અને ડાન્સના સ્ટેપ્સ વગેરે તો છે જ, પણ ડીટેઇલ્સ જુઓ… ક્યાંક પિયાનો પર ઓલમોસ્ટ મદહોશ બનીને ઢળી ચૂકેલી યુવતી છે, તો ક્યાંક એ જ પિયાનોના ‘હૂડ’ નીચેથી ત્રણ જુવાનિયા આવીને દેવઆનંદને દારૂ ઓફર કરે છે ! 

અને અફ કોર્સ, પોણો ડઝન છોકરીઓ અહોભાવથી દેવઆનંદની આજુબાજુ ગોઠવાઈને રીતસર ‘આહ’ તો ભરી જ રહી છે !

પરદા પર ભલે નામ અમરજીતનું હોય અને ભલે દેવઆનંદજી દાવો કરતા હોય, પણ આ કમાલ ગોલ્ડી સિવાય બીજા કોઈની હોઈ જ ના શકે ! શું કહો છો ?

જોકે આખી ફિલ્મ ગોલ્ડીના હાથે નહીં જ બની હોય. કેમ કે જો બની હોત તો આ ૨૦ મિનિટનો લાંબો સીન કપાઈને બારેક મિનિટનો થઈ ગયો હોત ! અને છેલ્લે નંદાને સાવ સંતાકૂકડી રમતી હોય તેમ પ્રગટ કરીને ફિલ્મનો હેપ્પી એન્ડીંગ ના લવાયો હોત ! 

ઉલ્ટું, એના બદલે, દેવઆનંદ છેક નંદાના ગામડે એને મનાવવા જાય, રીસાયેલી નંદા કદાચ (એની પરીક્ષા લેવા માટે ) આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય… ત્યારે દેવઆનંદનો વલોપાત, પીડા અને પશ્ચાતાપ જોઈને નંદાને (અને પ્રેક્ષકોને) ખાતરી થાય કે હા, દેવની સાચી ‘દેવી’ તો આ જ છે !

આના બદલે બતાડ્યું શું ? એક ‘રંગીન દુઃસ્વપન’ ! 

ફિલ્મ બની રહી હતી બ્લેક એન્ડ વ્હાઈટમાં, પણ જમાનો કલરનો આવી ગયેલો એટલે છેવટે એવો રસ્તો કાઢ્યો છે કે દેવઆનંદ એક ‘હિપ્નોટિસ્ટ’ પાસે જાય છે ! ત્યાં એને બીજી બે દેવીઓ સાથેના લગ્નજીવનના ‘ફ્યુચર’ દેખાય છે ! જે ડરામણાં છે, છતાં મસ્ત ‘કલર’માં છે, બોસ !

આથી દેવઆનંદને ભાન થાય છે કે બેટા, મેરેજ માટે તો આ સીધીસાદી નંદા જ સારી પડશે ! (જે માનસિકતા આજે પણ દરેક પુરુષની છે જ.)

...પણ એવાં બધાં વાંકો કાઢવામાં શું મળવાનું ? આપણે એમ માનીને ફિલ્મ એન્જોય કરવાની કે દેવઆનંદ સાહેબ એમના જમાનાથી ૫૦ વરસ આગળ હતા ! શું કહો છો ?
જો દેવસાહેબના ફેન હો, તો આજે પણ એન્જોય કરી શકશો. ગેરંટી છે બોસ.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* અંગ્રેજીમાં આ જ ફિલ્મ ‘ઓ બોય, એન્ડ થ્રી ગર્લ્સ’ નામે બની હતી ! જે કદી રીલીઝ જ ના થઈ.

* એટલું જ નહીં, એનાં અંગ્રેજી ગીતો હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે (માય હાર્ટ ઇઝ બિટીંગ વાળા)  લખેલાં અને આરડી બર્મને સ્વરબદ્ધ પણ કરેલાં ! એ પણ ‘અશ્રાવ્ય’ છે આજે…

* ફિલ્મમાં ૧ કલાક ૨૩મી મિનિટે બેકગ્રાઉન્ડમાં ‘આજા પિયા તોહે પ્યાર દૂં’ની ટ્યૂન વાગે છે. જે પછીથી ‘બહારોં કે સપને’માં આશા પારેખ ઉપર ફિલ્માવાયું હતું.

* સીમી ગરેવાલ આ પહેલાં ‘ટારઝન ગોઝ ટુ ઇન્ડિયા’ નામની બી ગ્રેડ ઇંગ્લીશ ફિલ્મમાં પરદા ઉપર દેખાઈ હતી ! એમાં સાથે ફિરોઝ ખાન પણ હતા ! બોલો.

* કલ્પના (પ્રોફેસર ફિલ્મની હીરોઈન) અહીં ત્રીજી હિરોઈન તરીકે રોલ કરવા રાજી નહોતી પરંતુ દેવઆનંદે વચન આપેલું કે ‘જો હું તને મારી ફિલ્મમાં મેઈન રોલ ના આપું તો મને ફિલ્મમેકરને બદલે ‘શૂ-મેકર’ કહેજે !’

* આખરે જ્યારે કલ્પનાને દેવ આનંદે કોઈ ફિલ્મમાં પોતાની હિરોઈન ન બનાવી ત્યારે એકવાર કલ્પનાએ દેવ આનંદને ખરેખર 'શૂ-મેકર' કહ્યું હતું પણ દેવ આનંદે વાત હસવામાં ઉડાડી દીધી હતી.

***

- મન્નુ શેખચલ્લી 

Comments

Post a Comment