નવા વર્ષની નવી શુભેચ્છાઓ !

આજકાલ બિચારા ‘સેક્યુલરો’ની દશા ખરાબ છે ! પોતે સેક્લુયલર બની ગયા એટલે હવે ‘હેપ્પી દિવાળી’ અને ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજો મોકલતાં પણ ડરે છે !

પણ મારા સાહેબો, નવા વરસની શુભેચ્છાઓ મોકલવામાં શું વાંધો છે ? લો, વાપરો…

*** 

નવા વરસમાં તમને સુભાષ ચંદ્રા કરતાંય મોટી લોન મળે… અને મેહુલ ચોકસી કરતાંય વધુ દેશોના પાસપોર્ટ મળે !

*** 

મોદીજી કરતાં વધારે ફોલોઅર્સ મળે… અને રાહુલજી કરતાં વધારે ચમચા મળે !

*** 

હાલમાં તમારું છે એના કરતાં વધારે સારું નામ મળે ! (જો યોગીજી આપવાના હોય તો)

*** 

અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી કરતાં વધારે છક્કા મળે ! (ક્રિકેટની વાત થાય છે.)

*** 

અભિષેક બચ્ચન કરતાં સારો ‘રોલ’ મળે ! (ફિલ્મમાં નહીં, ઘરની વાત થાય છે.)

*** 

રાજા રઘુવંશી અને કેતન અગ્રવાલ કરતાં ‘સેફ’ હનીમૂન મળે… અને સોનમ રઘુવંશી તથા સિયા ગોયલ કરતાં ‘ઓછી ખતરનાક’ પત્ની મળે !

અને પાણી ભરવા માટે ભૂરા કલરની પ્લાસ્ટિકની ટાંકી તો પત્નીને ક્યાંયથી ના મળે !

*** 

મફતમાં ડુંગળી મળે…
ઇનામમાં પેટ્રોલ મળે…!
સપનામાં રિલાયન્સના શેર મળે !
અને લિસ્ટીંગમાં અદાણીના શેર લાગે !
ટ્રેન અને બસમાં બેસવાની જગા મળે… (વેકેશનમાં)

*** 

પાડોશીના પાસવર્ડ વડે આખું વરસ તમારું વાઈ-ફાઈ ચાલે…
અને પાડોશણના સ્માઈલ વડે તમને આખું વરસ ઓક્સિજન મળે !

*** 

સરદારશ્રીના સ્ટેચ્યુ કરતાં ઊંચા તમને વિચારો આવે…
અને ગાંધીજીના ફોટા કરતાં ક્યારેક તમારા ફોટાની પણ કિંમત વધારે આવે !

*** 

વેકેશનમાં જ્યારે માગો ત્યારે બુકીંગ મળે… અને ગુજરાતમાં જ્યારે માગો ત્યારે ‘બાટલી’ મળે !

*** 

બીજું બધું તો ઠીક, પણ આ વરસે…

વધારે ખુશહાલી, વધારે ધનપ્રાપ્તિ, વધારે સફળતા અને વધારે સુખ શાંતિ મળે…

એવા મસેજો ગયા વરસ કરતાં આ વરસે વધારે મળે, એવી શુભકામના !

***

- મન્નુ શેખચલ્લી

Comments