ક્યુઆર કોડવાળાં મેનુનો ત્રાસ !

આજકાલ અમુક રેસ્ટોરન્ટો સ્ટાઈલ મારવા લાગ્યાં છે. એ લોકો સાદું કાર્ડ પર છાપેલું મેનુ રાખવાને બદલે આપણને ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહે છે !

પણ એમાં કેટકેટલા ત્રાસ છે. ભૈશાબ ?

*** 

એક તો ૧૦ ઈંચ બાય ૧૨ ઈંચની સાઈઝનાં આઠ પાનાંની સાઈઝ આપણા મોબાઈલમાં સાડા ત્રણ ઇંચ બાય સવા બે ઇંચની થઈ જાય છે !

એટલે શું આપણે આંખો ખેંચવાની ? જેને બેંતાલાના ચશ્મા આવી ગયાં છે એમણે કશું ખાવાનું જ નહીં ? ના…!

*** 

પહેલાં તો એના અક્ષરો મોટા કરવા માટે આંગળી અને અંગૂઠા વડે એને ‘ઝૂઉઉમ’ કરવાનું ! આમાં થાય છે શું….
કે એમાં લખેલી વાનગીનું નામ આમેય આ લોકોએ સ્ટાઈલ મારવા માટે બહુ અઘરું કરી નાંખ્યું હોય, એટલે સમજાય જ નહીં કે બોસ, આ ચીજ છે શું ?

ઉપરથી ડર લાગતો હોય કે એનો ઓર્ડર આપતી વખતે એનો ઉચ્ચાર બરાબર નહીં આવડે તો ? (કાર્ડવાળા મેનુમાં તો સહેલું હતું કે આંગળી મૂકીને કહી શકતા હતા કે, ‘યે લે આઓ !’ અહીં શી રીતે બતાડવાનું ? વેઈટરનું મો છેક મોબાઈલમાં ખોસવાનું ?)

*** 

અચ્છા છ સાત જણા ગયા હોઈએ તો કોણ કઈ આઈટમ કયા નંબરના પાને શોધી રહ્યું છે એનું જ કન્ફ્યુઝન બહુ મોટું હોય છે !

કેમકે આઈટમનો ઉચ્ચાર તો આવડતો નથી ! કાકા જેને ખાવાની આઈટમ સમજતા હોય એ જ્યુસ નીકળે ! અને કાકી જેને પંજાબી સમજતા હોય એ સાલું, સલાડ નીકળે!

*** 

પછી ભયંકર કન્ફ્યુઝનનો ચાલે : ‘તમારા મોબાઈલમાં દેખાડે છે તો મારામાં કેમ નથી દેખાતું ?’ ‘તમે પેલી ૩૫૦ વાળી આઈટમ કહો છો ? મારામાં તો ૩૯૫ લખ્યું છે !’ ‘અરે એ નહીં, એની ઉપરવાળી…’ ‘ભૈશાબ મારાથી તો ડિલીટ થઈ ગયું ! હવે શું કરવાનું ?’

*** 

કહેવાય છે કે એ લોકો ‘પર્યાવરણ’ બચાવવા માટે કાગળનો વપરાશ ઘટાડી રહ્યા છે !

શું કહ્યું ? પર્યાવરણ ? જ્યાં તમે છ-છ એરકંડીશનર, ચાર-ચાર માઈક્રોવેવ ઓવન, સામટી ૧૨૦ લાઈટો વડે બેફામ કાર્બન પ્રોડ્કશન કરી રહ્યા છો.. અને રોજનું ૨૦-૩૦ કિલો ભોજન એંઠવાડમાં ફેકી રહ્યા છો…

એનાથી કેટલું ‘પર્યાવરણ’ બચી રહ્યું છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments