મોબાઈલને ક્રેડિટ તો આપો ?

આજકાલ મોબાઈલમાં મેસેજો આવે છે કે મોબાઈલ કેટલો હાનિકારક છે ! એનાથી એકાગ્રતા ઘટે છે, સંબંધો તૂટે છે, એકલતા વધે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે… વગેરે.

પણ મારા સાહેબો, અમુક બાબતો માટે મોબાઈલને થોડી ક્રેડિટ આપવાનુ પણ રાખો…

*** 

મહાન ચિંતકો વરસોથી કહેતા આવ્યા છે કે ‘સુવિચારોની સુવાસ ચારે તરફ ફેલાવો…’

હવે રોજ સવારે મોબાઈલ વડે કરોડોની સંખ્યામાં સુવિચારો ફેલાઈ રહ્યા છે, તો પ્લીઝ, મોબાઈલને ‘ક્રેડિટ’ તો આપો ?

*** 

કવિઓએ કહ્યું છે કે ‘એક બીજાને ગમતા રહીએ...’ ‘ગમતાનો કરીએ ગુલાલ…’ વગેરે.

તો હવે જ્યારે સોશિયલ મિડીયામાં માત્ર એક જ કલાકમાં લોકો કરોડોની સંખ્યામાં એકબીજાની પોસ્ટને ‘લાઇક’ કરે છે (‘ગમે છે’ એવું કહે છે) તો પ્લીઝ, મોબાઈલને ‘ક્રેડિટ’ તો આપો ?

*** 

સાધુ-સંતો તો હજીયે આપણને કહે છે કે ‘કોકને સાચો રસ્તો દેખાડવો એ આંગળી ચીંધ્યાનું પૂણ્ય છે…’

તો બોસ, આ ‘ગુગલ મેપ’ દેશના કરોડો લોકોને જે રસ્તો બતાડે છે, એને પણ થોડી ‘ક્રેડિટ’ તો આપો ?

*** 

એમ તો, આ મોબાઈલ નહોતો આવ્યો ત્યારે પણ ચિંતનકારો ચિંતા કરતા હતા કે ‘આજનો માનવી દહાડે દહાડે એકલો પડતો જાય છે…’ બરાબર ?

પણ વડીલ, આજે લાખ લોકો મોબાઈલ વડે ઘરે બેઠાં-બેઠાં છેક ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ગલ્ફ કન્ટ્રીઝમાં પોતાનાં સગાંવ્હાલાં જોડે દોઢ-દોઢ કલાક લગી વોટ્સએપ કોલ કરે છે… તો ભૈશાબ, કમ સે કમ એકવાર તો ઝુકરબર્ગને ક્રેડિટ આપો ?

*** 

સાધુ સંતોએ સાચું જ કહ્યું છે કે ‘પ્રવૃત્તિ વિનાનું મગજ એ શયતાનનું ઘર છે…’

તો જુઓ, આજે પ્રવૃત્તિ વિનાના નવરા પડેલા કરોડો યંગસ્ટરો મોબાઈલમાં મોં ખોસીને કલાકો સુધી એમના દિમાગને ‘બિઝી’ રાખે જ છે ને ? તો એની ‘ક્રેડિટ’ નહીં આપવાની ?

*** 

શુ કહ્યું ? ઉપરની વાતમાં ગડબડ છે ? તો લો, આ સાંભળો : ફિલોસોફરો કહી ગયા છે કે ‘માનવી જો પોતાના મનના સંગીત સાથે તાર જોડી લે, તો દુનિયાનો ઘોંઘાટ એની મેળે ઓગળી જાય…’

લો બોલો, આજના જુવાનિયાઓ કાનમાં ઇયર-પ્લગ ખોસીને મનના મ્યુઝિક જોડે જ તાર જોડે છે ને ? તો પછી…

પણ ના, બિચારા મોબાઈલને કદી ‘ક્રેડિટ’ નહીં મળે !

***

- મન્નુ શેખચલ્લી

Comments