ગધેડાનાં લક્ષણો માણસમાં ?!

આજકાલ વૌઠા નામના ગામમાં ગધેડાઓનો મેળો ચાલી રહ્યો છે. અહીં માણસો કરતાં ગધેડાની કિંમત વધારે છે ! એટલું જ નહીં, એ કિંમત માણસો ચૂકવી રહ્યા છે.

જોકે ગધેડાઓ જાણે છે કે માણસ નામની પ્રજાતિમાં પણ ગધેડાનાં ઘણાં લક્ષણો હોય છે ! ચેક કરી લો, ક્યાંક તમારામાં તો આ નથી ને ?

*** 

લક્ષણ (૧) : તે હંમેશા પોતાની હેસિયત કરતાં વધારે બોજો ઉપાડીને ફરતાં હશે !

*** 

લક્ષણ (૨) : વળી એ જ વાતને પોતાની ‘કેપેસિટી’ સમજીને મનમાં ગર્વ લેતા હશે !

*** 

લક્ષણ (૩) : છતાં એટલી સારી ‘કેપેસિટી’ના બદલામાં જેવું મળે તેવું ઘાસ ખાઈ લેતા હશે !

*** 

લક્ષણ (૪) : વળી, આ ઘાસ ખાઈ લેવાની મજબૂરીને તેઓ પોતાની ‘નમ્રતા’ સમજતા હશે ! તમે ખાસ જોજો…

*** 

લક્ષણ (૫) : તમે એ પણ માર્ક કરજો કે જે તેને સૌથી વધારે ટોણાં અને ડફણાં મારે છે, તેને જ પોતાનો ‘બોસ’ માને છે ! બીજા બધા તો ‘ઢીલા’…

*** 

લક્ષણ (૬) : બોસના ડફણાં ખાવાની એવી આદત પડી ગઈ છે કે રવિવારે પણ બોસનું કામ કરવા માટે પહોંચી જતા હશે ! એ તો ઠીક, એને પોતાની ‘વફાદારી’ માનતા હશે !

*** 

લક્ષણ (૭) : આ વફાદારીના બદલામાં એમની સામે નાનકડું ગાજર પણ લટકાવવામાં આવે તો બમણી ઝડપે વફાદારી બતાડવા દોડવા લાગશે !

*** 

લક્ષણ (૮) : ગધેડાઓની લાઈનમાં તેને માત્ર આગળ મુકી દેવામાં આવે તો તેને તે ‘પ્રમોશન’ સમજે છે !

*** 

લક્ષણ (૯) : જ્યારે સેલ્સ કોન્ફરન્સ આવે ત્યારે જે રીતે વૌઠાના મેળામાં ગદર્ભોને ગુલાબી રંગે રંગવામાં આવે છે એ જ રીતે તેને સૂટ-ટાઈ પહેરાવવામાં આવે છે ત્યારે તે સમજે છેકે મારી ‘કદર’ થઈ રહી છે ! બોલો…

*** 

લક્ષણ (૧૦) : અને ઉપરનાં નવે નવ લક્ષણ પોતાનામાં હોવા છતાં આ લોકો જીંદગીભર ‘રેસના ઘોડા’ઓની ઇર્ષ્યા કરતા હશે ! તમે જોજો…

***

- મન્નુ શેખચલ્લી

Comments