કેવા કેવા ઈન્ટરનેશનલ દિવસો ?!

આજે ‘સીઓપીડી ડે’ છે ! પૂછો કે આ ‘સીઓપીડી’ એટલે શું ?

તો ભૈશાબ, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ને ? એ !! યાર, કેવી કેવી બાબતો ઉપરથી ઇન્ટરનેશનલ દિવસોનાં નામો પાડે છે ?

*** 

જો એવું જ હોય તો એક ‘સ્ટર્નુટેશન ડે’ પણ રાખો ! હવે પૂછો કે ભઈ, આ સ્ટર્નુટેશન એટલે શું ? તો સાદી ભાષામાં એને ‘છીંક’ કહેવાય !

યાને કે એક ‘છીંક-ડે’ પણ રાખો ને ?

*** 

એનાથી ‘સ્હેજ જ’ અઘરું નામ પણ આપડે શોધી રાખ્યુ છે !... ‘ઓટોસોમલ ડોમિનન્ટ કોપેલિંગ હેલિયો-ઓપ્થેલ્મિક આઉટબર્સ્ટ સિન્ડ્રોમ !’

હવે આ શું છે ? તો ભઈ, સુર્યના તડકામાં જે છીંક આવે છે ને, એ !! એનો પણ એક ‘દિવસ’ રાખો ! (કેમકે ‘રાત’નાં નામો પાડવાનો રિવાજ હજી ચાલુ નથી થયો.)

*** 

અચ્છા, શું તમને ખબર છે કે એક આંતરરાષ્ટ્રિય ‘ઘુંટણ દિવસ’ પણ છે ?

તો અમે કહીએ છીએ કે આંતરરાષ્ટ્રિય ‘કોણી દિવસ’ કેમ નથી ? (રાજકારણીઓ આ દિવસે સૌને કોણી ઉપર ગોળ લગાડી રહ્યા હોય એવા ફોટા પણ પડાવી શકે.)

*** 

આગળ વધીને પછી એક ઇન્ટરનેશનલ ‘સિઆલોરિયા ડે’ પણ હોવો જોઈએ ને ? કેમકે ‘સિઆલોરિયા’નો સાદો અર્થ થાય છે… ‘લાળ પાડવી’ !

*** 

આ હિસાબે તો એક ‘જીભ દિવસ’ પણ હોવો જોઈએ કે નહીં ?

તો બોસ, એ તો છે જ ! એક ‘મધર ટંગ’ દિવસ છે ! પણ એમાં બોરિંગ ટાઈપના વડીલો અઘરું અઘરું ગુજરાતી ફાડે છે !

પણ બીજો એક ‘ટંગ ટ્વિસ્ટર ડે’ છે ! જે નવેમ્બર મહિનાના બીજા રવિવારે હતો ! બોલો.

*** 

વરસના ૩૬૫ દિવસ છે પણ આ લોકોએ એમાં ત્રણ ચાર દિવસ ઘૂસાડી દીધા છે. તો પછી બે-ત્રણ ‘વાળ દિવસો’ કેમ નથી રાખતા ?

દાખલા તરીકે એક ‘માથાના વાળ દિવસ’ બીજો ‘બગલના વાળ દિવસ’ ત્રીજો ‘છાતીના વાળ દિવસ’…

એક મિનિટ ! ‘ચોથી જાતના’ વાળનું નામ પાડવાનું કોણ બોલ્યું ? સંસ્કારી બનો સંસ્કારી… સુધરી જાવ ભૈશાબ !

***

- મન્નુ શેખચલ્લી

Comments