આજે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ છે ! સાથે સાથે ઇન્ટરનેશનલ ‘ટોઇલેટ ડે’ પણ છે ! અને હા, આજે ઇન્ટરનેશનલ ‘ફિલોસોફી ડે’ પણ છે !!
તમે જ કહો, આમાં આપણે પુરુષોએ શું સમજવાનું ? આજે ટોઈલેટની સીટ પર બેસીને કંઈ ફિલોસોફીના ‘ચિંતનાત્મક’ વિચારો કરવાના ? હદ થાય છે…
છતાં અમને અમુક પ્રેક્ટિકલ વિચારો તો આવે જ છે…
***
પહેલી વાત તો એ કે આ પુરુષ ડે હંમેશાં ‘વર્કીંગ-ડે’માં જ કેમ આવે છે ?
શું આજના દિવસે આપણને મોડા ઉઠવાની, નહીં નહાવાની તથા અંડરવેર નહીં બદલવાની પણ ‘સ્વતંત્રતા’ ના મળે ?
***
અને હલો, દારૂ બનાવતી કંપનીઓ આ પુરુષ-ડે સ્પોન્સર કેમ નથી કરતી ?
કમ સે કમ દરેક બિયર-બારમાં પુરુષો માટે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ ના હોવું જોઈએ ? (ચાલો, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં તો કોઈ સ્કીમ આપો ?)
***
સ્ત્રીઓને થતા અન્યાયની વાતો સૌ કરે છે, પણ આજકાલની ફિલ્મોમાં બિચારા સલમાન, શાહરૂખ, રિતીક રોશન, જોન અબ્રાહ્મ, રણબીર કપૂર વગેરે પુરુષ કલાકારોને ‘અંગ પ્રદર્શન’ કરવાની જે ફરજ પાડવામાં આવે છે તેની સામે અવાજ કેમ નથી ઉઠાવવામાં આવતો?
***
અરે, અંગ પ્રદર્શનના ‘વિરોધમાં’ પુરુષો ખુલ્લા શરીરે, છાતી અને બગલમાં શેવ કર્યા વિના નીકળી પડીને સુત્રો કેમ નથી પોકારતા કે… ‘માય બોડી, માય હેર !’
***
અમે તો કહીએ છીએ કે પુરુષોએ આજના દિવસે સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ, ચણિયા ચોળી, ફ્રોકો વગેરે પહેરીને સરઘસો કાઢીને ‘ન્યુ વેવ ફેશન’નું એલાન કરવું જોઈએ.
શું કહ્યું ? બહુ ફની લાગશે ?
તો સાહેબો, સ્ત્રીઓ જ્યારે પેન્ટ, શર્ટ, ધોતી, લુંગી, કોટ, બનિયાન, ચડ્ડી વગેરે પહેરે છે તેને તો કોઈ ‘ફની’ નથી કહેતું !
***
અને તમે ખાસ માર્ક કરજો, આજના દિવસે મોદીજી, જે ૫૬ની છાતી ધરાવે છે, એ પણ ‘પુરુષ દિવસ શુભકામનાઓ’ નહીં આપે !
ઘોર અન્યાય છેને ?
કમ સે કમ પેલી રાખી સાવંત કે સની લિઓને તો અભિનંદન આપવા જોઈએ કે નહીં ?
(શું કહ્યું ? તમારા પત્ની તમને અભિનંદન આપશે ? હાહાહા… ટ્રાય તો કરી જોજો ? આ ‘વાંચ્યા પછી’ તો નહીં જ આપે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment