એક ચીની કહેવત છે કે ‘સમાચાર તો એક પરદો છે, જે ઘણું બધું છૂપાવે છે.’ આ હિસાબે જોવા જઈએ તો અમુક સમાચારોની પાછળ કંઈક તો ગડબડ લાગતી જ હોય છે ! જેમકે…
***
એનવિડીયાના સીઈઓનાં તો વધુ બે લફરાં હાર આવ્યાં !
- એક મિનિટ, હવે આ જાસૂસી કોણે કરી ? અમેરિકન મિડીયાએ જ ને !
***
સીંગતેલનું ઉત્પાદન સ્થિર છે, બજારમાં ડિમાન્ડ સ્થિર છે, છતાં સીંગતેલના ડબ્બાનો ભાવ વધતો જ જાય છે !
- કેમકે બિચારી પ્રજા સ્થિર છે ! (જ્યાં હતી ત્યાં જ છે.)
***
ઝાઝી પબ્લિસીટી વિના પણ સોનિયા ગાંધીની આત્મકથાના પુસ્તકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે !
‘રામાયણ’ની કમાણીના આંકડાની જેમ કોંગ્રેસીઓની ‘ગીતા’ના આંકડા પણ બહાર પાડવા જોઈએ ! શું કહો છો….
***
લોરેન્સ બિશ્નોઈની ગેંગે કેજરીવાલને જાનની ધમકી આપીને સાત કરોડ રૂપિયા માગ્યા છે !
- બિચારા લોરેન્સ બિશ્નોઈને ખબર જ નથી કે લિકર સ્કેમમાં કેજરીવાલ ખરેખર કેટલા કરોડ કમાઈને બેઠા છે…
***
દિવાળીના તહેવારોમાં ભારતની પ્રજાએ બાવન ટન જેટલું સોનું ખરીદ્યું !
- હવે આમાં ‘કોણ કહે છે ભારતમાં ગરીબી છે ?’ એવા મેસેજો ના કરાય, સમજ્યા ?
***
કરણ જોહર ફરિયાદ કરે છે કે આજના એકટરો એક્ટિંગ સિવાય ફિલ્મ-મેકીંગની તમામ બાબતોમાં માથું મારે છે !
- હા, પણ રાજકારણમાં માથું મારે એની સામે તો કોઈ ફરિયાદ નથી ને ? હોય તો બોલો.
***
અમેરિકાએ ઓફર આપી છે કે જો યુક્રેન પોતાની જમીનનો અમુક ભાગ રશિયાને સોંપી દે તો તેને ‘નાટો’નું સભ્યપદ મળી શકે !
- અલ્યા, જે દુઃખે જોગી થયા એ તો ત્યાંનું ત્યાં જ ! ભૈશાબ, યુક્રેન ‘નાટો’માં જવા થનગનતું હતું એમાં જ તો આખું યુદ્ધ શરૂ થયેલું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment