ધનતેરસનાં કિંમતી સુવાક્યો !

આજે ધનતેરસ છે. આપણી તકલીફ એ છે કે જ્ઞાનીબાબાઓ, ચિંતનકારો અને ધર્મ-ધૂરંધરો રૂપિયા-પૈસા વગેરેને ‘માયા’ કહીને એનાથી દૂર રહેવાની જ સલાહો આપે છે. પણ ધન વિશે અમુક ‘કિંમતી જ્ઞાન’ આપતા જ નથી ! જેમકે…

*** 

જ્ઞાન (૧)
તમારાં સગાંવ્હાલાં તથા મિત્રોને કદી રૂપિયા ઉધાર આપશો નહીં.
કેમકે એ પછી એમની યાદદાશ્ત નબળી પડી જાય છે !

*** 

જ્ઞાન (૨)
જો પૈસા ઝાડ ઉપર નથી ઉગતા, તો આ બધી બેન્કો ‘શાખા’ શા માટે રાખે છે ?

*** 

જ્ઞાન (૩)
ત્રીસ વરસ પહેલાં સોનાનો ભાવ માત્ર ૫૦૦૦ રૂપિયા હતો ત્યારે તમે સોનું કેમ ના ખરીદ્યું ? કેમકે તે વખતે તમારો આખા વરસનો પગાર ૬૦૦૦ રૂપિયા હતો !

*** 

જ્ઞાન (૪)
‘પૈસો તો હાથનો મેલ છે’ એવું કહેનારા લોકો પણ શૌચક્રિયા કર્યા પછી સાબુ વડે જ હાથ ધોતા હોય છે !

*** 

જ્ઞાન (૫)
‘જીવનમાં પૈસા કરતાં પ્રેમ, દોસ્તી અને સંબંધો વધુ કિંમતી હોય છે’…. આવું કહેનારા કદી કોઈને પૈસા ઉધાર આપતા નથી ! કેમકે આપતાંની સાથે જ પ્રેમ, દોસ્તી અને સંબંધોની કશી કિંમત રહેતી નથી !

*** 

જ્ઞાન (૬)
પૈસા કમાવામાં બંને બાજુથી મરો છે. વ્હાઈટ મની કમાવા અઘરા હોય છે અને બ્લેકમની છૂપાવવા અઘરા હોય છે !

*** 
જ્ઞાન (૭)
દૂધવાળા હડતાલ કરે છે તો સડક પર દૂધ રેડી દે છે… ટામેટાંવાળા હડતાલ કરે છે તો સડક પર ટામેટાં ફેંકી દે છે…
શી ખબર, આ બેન્કવાળાઓને ક્યારે અક્કલ આવશે ?

*** 

જ્ઞાન (૮)
જો તમે વિદેશ જવા માટે દસ લાખની લોન માગશો તો તમારી પાસે ભારતનો પાસપોર્ટ માગશે.. 
પણ જો તમે ૧૦ અબજની લોન માગશો તો તમને વિદેશ જતા રહેવા માટેનો પાસપોર્ટ આપોઆપ મળી જશે ! પૂછી જોજો માલ્યાને…

***

- મન્નુ શેખચલ્લી

Comments