દિલ્હીમાં રામલીલા મેદાનમાં જે ભવ્ય રેલી યોજાઈ ગઈ એ પછી દિવાળીની મીઠાઈઓ અને ફરસાણોમાં નવી નવી પોલિટીકલ આઈટમો આવી ગઈ છે ! જુઓ…
***
બુંદીના લાડુ
જે ઇન્ડિયા બ્લોક થોડા સમય પહેલાં વેરવિખેર લાગતો હતો તે બુંદીઓ ઉપર જે રીતે હથેળીઓનું ‘પ્રેશર’ આવે કે તરત લાડુ આકારમાં ગોઠવાઈ જાય છે એ રીતે રામલીલા મેદાનમાં એકબીજાના ગળે મળી રહ્યા હતા !
***
ચોળાફળી
લાલ મરચું ભભરાવેલી આ આઈટમ ભાજપ તરફથી લોંચ થઈ ! એમની તો જાણે ‘બાધા-ફળી’ હોય તેમ રેન્ડમ ફોટા પોસ્ટ કરીને કહેતા હતા કે ‘જુઓ ! જુઓ ! મેદાન તો અડધું ખાલી છે !’
***
ઘુઘરા
આ તો બિચારી શીશુવયની કોકરોચ પાર્ટી માટે બાળપણમાં ખુશ કરવા અપાતું રમકડું જેવું નીકળ્યું ! કેમકે ન તો એ લોકો રામલીલા મેદાનમાં પહોંચ્યા, કે ન તો એમનાં બચ્ચાઓએ રામલીલામાં કોઈ ‘નૌટંકી’ કરી !
***
સુંવાળી
અહીં નેહા બોહરા પણ હતી અને પ્રિંયકાજી પણ હતાં ! (એમ તો સોનિયાજી પણ હતાં, પરંતુ એ હવે કડક ખડખડીયા જેવાં થઈ ગયાં છે) જોકે સૌથી સુંવાળી સ્થિતિમાં પેલાં ભૂતપૂર્વ પત્રકાર નિધિ રાઝદાન છે, જે બે દિવસ પહેલાં જ કાશ્મીરી સીએમ ઓમાર અબ્દુલ્લાને પરણી ગયાં છે !
***
ચકરી
સૌથી વધુ ચક્કરડી ભમ્મરડી લઈને ‘કકરા’ થવાની મજા લીધી હોય તો એ હતી ન્યુઝ ચેનલોની આખી પત્રકાર ટોળકી ! ‘દેખિયે… દેખિયે…! આપ દેખ સકતે હૈં !’
***
સૂતરફેણી
આ હતા બિચારા દિલ્હીના વેપારીઓ ! પહેલાં રાહુલજીને હાથ જોડ્યા, પછી ઇન્ડિયા બ્લોક આગળ રાવ નાંખી, છેવટે સરકારને હાથ જોડ્યા… પણ આખરે તો જેમ સુતરફેણી અડતાંની સાથે જ વેરવિખર થઈ જાય તેમ…
***
ડ્રાયફ્રુટ્સ
આ બધા જુના જોગીઓ છે ! કપિલ સિબ્બલ, જયરામ રમેશ, શશી થરૂર, સુબ્રહ્મણ્યમ સ્વામી, લાલુ યાદવ, શરદ પવાર, યશવંત સિન્હા, પી. ચિદમ્બરમ્… આ લોકો ડ્રાયફ્રુટ્સ જેવા છે ! દિવાળી પતી જાય પછી પણ એ રહેવાનાં !
મમતાજી એમાં લેટેસ્ટ ઉમેરાયં છે, કાળી દ્રાક્ષ સ્વરૂપે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment