ત્રણ કાચબા વેકેશનમાં પિકનિક કરવા માટે દરિયા કિનારે ગયા. ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે સેન્ડવીચો પર લગાડવા માટેનો સોસ તો ઘરે જ રહી ગયો હતો !
ત્રણ કાચબામાંથી જે સૌથી નાનો કાચબો હતો તેને કહ્યું : ‘બકા, જાને ? ઘરે જઈને સોસ લઈ આવ ને ?’
નાના કાચબાએ કહ્યું : ‘હું જાઉં તો ખરો, પણ તમે મારી સેન્ડવીચ તો નહીં ખાઈ જાવ ને ?’
મોટા કાચબાઓએ પ્રોમિસ કર્યું : ‘હોતું હશે બકા ? તું પાછો ના આવે ત્યાં સુધી અમે અમારી સેન્ડવીચો પણ નહીં ખાઈએ ! બસ ?’
આખરે નાનો કાચબો નાનાં નાનાં પગલાં ભરતો ગયો…
એક કલાક વીતી ગયો…
બે કલાક થઈ ગયા…
ત્રણ કલાક થઈ ગયા…
એક મોટા કાચબાએ કહ્યું : ‘યાર, મને તો ભૂખ લાગી છે.’
બીજા કાચબાએ કહ્યું : ‘ના ! આપણે બકુડાને પ્રોમિસ આપ્યું છે.’
એ પછી સાંજ પડી ગઈ…
રાત પણ પડી ગઈ…
મધરાતના બાર વાગી ગયા…
હવે મોટો કાચબો કંટાળ્યો. તેણે કહ્યું : ‘હદ થઈ ગઈ યાર ! હું તો મારી સેન્ડવીચ ખાવા માંડું છું !’
બીજા કાચબાએ કહ્યું : ‘તારી વાત બરાબર છે ! મને તો એટલી બધી કકડીને ભૂખ લાગી છે કે હું તો નાના કાચબાની સેન્ડવીચ પણ ખાઈ જઈશ !’
ત્યાં જ એક મોટા પથ્થર પાછળથી અવાજ આવ્યો :
‘મને ખબર જ હતી ! જાવ ! જાવ ! હવે તો સોસ લેવા નહીં જ જાઉં !!’
***
દારૂના એક બારમાં એક કાચબો માંડ માંડ ભીડમાંથી રસ્તો કરતો કરતાં કાઉન્ટર પાસે પહોંચ્યો.
જેમ તેમ કરીને તે એક ખુરશી પર ચડ્યો. અને કહે છે : ‘એક બિયર પ્લીઝ !’
પણ બાર ટેન્ડર કાચબાને જોઈને ચોંક્યો ! તેણે કાચબાને પૂંછડીથી પકડીને ગોળ ગોળ ઘુમાવીને, બારની બાર જઈને હવામાં ઉછાળીને ફેંકી દીધો !
વેકેશન પતી ગયુ…
હવે બારમાં ભીડ નહોતી…
પેલો કાચબો ધીમે ધીમે અંદર આવ્યો… માંડ માંડ ખુરશી પર ચડીને બેઠો અને પૂછ્યું :
‘ઠીક છે… પણ કારણ તો કહો ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment