સુપ્રીમ કોર્ટ કહે છે કે ઓનલાઈન ફ્રોડમાં જેને ‘નુકસાન’ થાય છે તેમને બેન્કોએ ‘વળતર’ આપવું જોઈએ.
હા સાહેબ ! પણ જે લોકો ભારતની બેન્કોનું અબજો રૂપિયાનું ‘કરી નાંખે’ છે એનું વળતર કોણ ચૂકવે છે ? ભારતના નાગરિકો જ ને ?
કેમકે કોર્ટના જજ સાહેબને ખબર જ નથી કે આ કરુબાજોની આખી ‘બેન્ક ડિક્શનેરી’ જ અલગ છે !
***
પાસબુક
જે બેન્ક અધિકારીઓ કરોડોની લોનો ‘પાસ’ કરે છે એમને જે ‘ગુડ-બુક’માં રાખવા પડે છે… એને કહેવાય, ‘પાસ-બુક’ !
***
એન્ટ્રી
બિચારા મામુલી ખાતેદારો પાસબુકમાં ‘એન્ટ્રી’ કરાવતાં ભલે થાકી જાય, પણ આ કૌભાંડી ભારત છોડતાંની સાથે જ વિદેશમાં જે ફટાફટ ‘એન્ટ્રી’ લઈ લે છે એ જ એનો સાચો અર્થ છે !
***
પાસવર્ડ
‘બેન્ક તમારા બાપની છે’ એવો બેક દ્વારા જ જારી કરાયેલો ખાસ ખાનગી મેસેજ !
***
ક્રેડિટ
બેન્કોની લોનો લઈ લઈને કેટલું મોટું 'કરી નાખવાની' કેપેસિટી ધરાવો છે, બજારની એ ‘શાખ’ને જ ‘ક્રેડિટ’ કહે છે.
***
ડિપોઝીટ
આનો તો મિનિંગ પણ ‘ફીક્સ’ છે ! બેન્કના રૂપિયા લઈને પછી સત્તાવીસ જાતની અલગ અલગ બોગસ કંપનીઓમાં જે ‘ડિપોઝિટ’ કરી દેવામાં આવે છે તે !
***
વિથડ્રોઅલ
કૌભાંડ છેક નાકની ઉપર જતું રહે, પછી એમાંથી ‘બહાર નીકળવા’ માટે જે અગડમ બગડમ પ્રોસિજર કરવામાં આવે છે, તેને જ વિથડ્રોઅલ કહે છે.
***
ઇન્ટ્રેસ્ટ
એટલે ‘રસ’ ! જે માત્ર મિડીયાને પડે છે, એ પણ બે ત્રણ મહિના માટે જ !
***
લુકઆઉટ નોટિસ
દેખાવ (લુક) પુરતી બહાર (આઉટ) પાડવામાં આવતી નમાલી, નપુંસક ચેતવણી !
***
રીકવરી
ગંભીર બિમારી પછી દવાઓના કારણે દર્દીને જે થોડું સારું લાગે છે તેને જે રીતે આપણે ‘રિકવરી’ કહીએ છીએ, એવું જ લૂંટાઈ ગયેલા નાણાં પાછા લાવવાના લૂલા પ્રયત્નોનું આ નામ છે !
***
વોરંટ
ભારતીય બેન્કિંગ સિસ્ટમની સૌથી મોટી જોક !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment