આપણે ભલભલા અંગ્રેજી શબ્દો બોલચાલની ગુજરાતીમાં અપનાવી લીધા છે. પરંતુ તમે માર્ક કરજો અમુક અંગ્રેજી શબ્દો ગુજરાતીઓની જીભે ચડ્યા પછી ‘સ્વભાવે’ પણ ગુજરાતી બની ગયા છે !
***
ફ્રી (FREE)
દરેક ગુજરાતીનો સૌથી પ્રિય શબ્દ થોડાં વરસો પહેલાં ત્રણ અક્ષનો હતો… મ-ફ-ત..! પણ હવે એ દોઢ અક્ષરનો બની ગયો છે… ફ્રી !
એમાંય હવે ‘એક પર એક’ ફ્રી મળે છે. બોલો.
***
બીપી (B.P.)
થોડાં વરસો પહેલાં આ બે ટુંકાક્ષરી શબ્દોનો અર્થ ‘બ્લુ-પ્રિન્ટ’ થતો હતો. (જાહેરમાં બોલતાં પણ અચકાતા હતા !) પણ જ્યારથી દર ત્રીજા ગુજરાતીને હાર્ટમાં પ્રેશર થવા લાાગ્યું ત્યારથી ‘બીપી’ પુરેપુરો ગુજરાતી શબ્દ બની ગયો છે.
***
એટેક (ATTACK)
આર્મીના જવાનો માટે, આતંકવાદીઓ માટે કે ખુદ અંગ્રેજો માટે જે શબ્દનો અર્થ ‘હૂમલો’ જ થાય છે એનો અર્થ ગુજરાતીઓ માટે એક જ છે : ‘હાર્ટ એટેક’ !
હવે તો આ શબ્દ આપણા માટે સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે ! ‘મને તો બબ્બે એટેક આવી ગયા છે, બોલો !’
***
પાસ (PASS)
ગરબાના હોય, ક્રિકેટ મેચના હોય, નાટકના હોય કે પેલી કોલ્ડ પ્લેની કોન્સર્ટના હોય… એ આપણને દોઢ અક્ષરવાળા શબ્દ ‘ફ્રી’માં જ મળેલાં હોવા જોઈએ, તો જ એની વેલ્યુ છે !
અને હલો ‘એટેક’ પછી શું આવે ? …. ‘બાય-પાસ’ !
***
શુગર (SUGER)
બિચારા અંગ્રેજો પોતાની પ્રેમિકાને કે પત્નીને ‘શ્યુગર’ કહે છે. જ્યારે આપણે ડાયાબિટીસ જેવી ખતરનાક બિમારીનું મીઠડું નામ ‘શુગર’ પાડી દીધું છે !
અને હલો, ‘શુગર-ફ્રી’માં પણ પેલો દોઢ અક્ષરી ‘ફ્રી’ તો આવે જ ને ?
***
ચેક (CHEQUE)
અચ્છા, બીપી અને શુગરને વારંવાર શું કરવાનું ‘ચેક’ (CHECK) ! અને પેમેન્ટમાં શું વધારે સારું ? ‘ચેક’ કે ‘કેશ’ ? બ્લેક કે વ્હાઈટ ?
જોયું ? વધુ બે શબ્દો પાકા ગુજરાતી નીકળ્યા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment