‘આ વિડીયો જોયો ?’ મોબાઈલમાં આવેલો એક વિડીયો બતાડતાં અમે હરખભેર કહ્યું : ‘નેશનલ જ્યોગ્રાફીએ અમદાવાદની એક પોળના જુના ગરબા વિશે ડોક્યુમેન્ટ્રી બનાવી છે !’
‘એમાં આટલો બધો હરખપદૂડો શેનો થાય છે ? હકીકતમાં ઇ તો ‘મડદાં-પ્રેમ’ છે !’
‘મડદાં-પ્રેમ ?’ અમે ચોંક્યા. ‘આવું અવળચંડુ કેમ બોલો છો ?’
‘મડદાં-પ્રેમ નહીં તો બીજું શું ? આ અમુક પ્રકારના લોકોને, ખાસ કરીને ‘એલિટ’ ટાઈપના ઉચ્ચવર્ગને હંમેશાં કોઈ કળા મરવાના વાંકે જીવી રહી હોય ત્યારે જ એના માટે પ્રેમ ઉભરાવા લાગે છે ! પણ એમની આસપાસ જે સંસ્કૃતિ પુરા જોશથી ધમધમી રહી હોય ઈ એમને દેખાતી જ નથી !’
‘દાખલા તરીકે ?’
‘આ ગરબાની જ વાત કરને ? મન્નુડા, છેલ્લાં ૪૦-૫૦ વરહમાં આપણો ગરબો ક્યાંથી ક્યાં પહોંચી ગ્યો છે, ઇની કોઈએ ડોક્યુમેન્ટ્રી બનાવી છે ?’
‘છેલ્લાં ૪૦-૫૦ વરસમાં તો -’
‘છેક ૮૦ના દાયકામાં મુંબઈમાં ‘ડિસ્કો’ ગરબા ચાલુ થ્યા તા... ઈ ટાણે છોડીયું જીન્સ ટી-શર્ટ પહેરીને ગરબે ઘુમવા માંડી ’તી ! પણ પછી સમયનું ચક્કર ફર્યું… આજે હંધાય ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસું વિના એન્ટ્રી જ નથ મળતી ! બોલ, આવું કઈ ડોક્યુમેન્ટ્રીમાં દેખાયડું છે ?’
‘વાત તો સાચી. પણ -’
‘અલ્યા, અમેરિકામાં હૌથી પહેલીવાર બાસ્કેટબોલના સ્ટેડિયમમાં કિયા વરહ ગરબા રમાણા ’તા ? હૌથી પહેલીવાર વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસમાં ગરબાની રમઝટ જામી ’તી ? કિયા દાયકામાં ઇમ કહી હકાય કે ગુજરાતનો ગરબો હવે ‘ગ્લોબલ’ થઈ ગ્યો ’તો ? અરે, હૌથી પહેલીવાર એરકંડીશન્ડ ડોમમાં કિયા વરહે ગરબા રમાણા ’તા ? બોલ, કોઈએ બનાવી છે આવી ડોક્યુમેન્ટ્રી ?’
‘ના…’
‘મન્નુડા, આ ગરબો માત્ર ગુજરાતની પરંપરા જ નહીં, ગુજરાતની આર્થિક તાકાતનો પણ પરચો છે ! હમજ્યો ?’
‘ત્યાં જ વાંધો છે ને ? ગરબો હવે કોમર્શિયલ થઈ ગ્યો છે !’
‘બસ… આ જ તકલીફ છે મડદાં-પ્રેમીઓની ! જે નજર હામું છે ઈ દેખાતું જ નથી ! મન્નુડા, બંધિયાર પાણી હોય ઈ સડી જાય ! પણ વહેતી રહે, બદલાતી રહે, ઈ જ છે જીવતી જાગતી સંસ્કૃતિ ! અલ્યા, જો બદલાણો જ નો હોત તો આ તારો ગરબો ૫૦ વરહ પહેલાં જ મરી ગ્યો હોત !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment