'સંગમ'ની કમાણી.. 'જોકર'માં સમાણી ?

રાજકપૂરને કોઈએ પૂછેલું કે ‘તમારી બધી ફિલ્મોમાંથી તમને સૌથી પ્રિય હોય એવી ફિલ્મ કઈ ?’

રાજકપૂરે એનો બહુ સુંદર જવાબ આપેલો : ‘જુઓ, મારે માટે તો મારી તમામ ફિલ્મો મારી દિકરીઓ સમાન છે. દરેકને હું ઉછેરું છું, સજાવું છું, શણગારું છું અને, કોઈ બાપ પોતાની દિકરીને સાસરીયે વળાવતો હોય તેમ હું મારી ફિલ્મને લોકો સમક્ષ સોંપી દઉં છું.. એમાંથી જે ફિલ્મો હીટ થઈ જાય એના વિશે તો હું નચિંત થઈ જાઉં છું… પણ જે ફિલ્મોને લોકોએ ખાસ સ્વીકારી નથી હોતી એ હંમેશા મારા દિલની નજીક રહે છે !’

‘મેરા નામ જોકર’ કદાચ એવી જ દિકરી હતી ! કેમકે છ-છ વરસ લગી એને ઉછેરવામાં, સજાવવામાં, શણગારવામાં રાજ સાહેબે પોતાનો જીવ રેડી દીધો હતો. (અને પૈસા તો ખરા જ.)

અચ્છા, તમે બીજી એક વાત નોટિસ કરી છે ? શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ‘મુગલ-એ-આઝમ’ બનાવતાં બનાવતાં કે. આસિફ બરબાદ થઈ ગય ? અથવા ‘પાકિઝા’ બનાવવામાં કમાલ અમરોહી પૈસેટકે ખુવાર થઈ ગયા હતા ?

ના ! કેમકે ‘મુગલ-એ-આઝમ’ પાછળ પાણીની જેમ પૈસા વહાવનાર શાપુરજી પાલનજી હતા. એ જ રીતે ‘પાકિઝા’ના નિર્માણ પાછળ લાખો રૂપિયાનું રોકાણ કરનારા અલગ અલગ ‘ફિનાન્સરો’ હતા ! એટલે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જુની કહેવત છે કે ‘કોઈ યહાં અપને પૈસે સે પિક્ચર નહીં બનાતા !’

પણ રાજકપૂરે એ જ પહાડ જેવી ભૂલ કરી બેઠા હતા ! ‘સંગમ’ હિટ ગયા પછી કદાચ કે. આસિફ અને કમાલ અમરોહીનું જોઈને પોતે પણ એક ‘લાર્જ કેન્વાસ’ મૂવી બનાવવા પ્રેરાયા હોઈ શકે. પરંતુ અહીં એમણે પૈસા પોતાના નાંખ્યા અને વ્યાજે પણ પોતાના નામે જ લીધા…

૧૯૬૪માં જેનું શૂટિંગ શરૂ થયેલં તે ફિલ્મ ટુકડે ટુકડે છેક ૧૯૭૦માં બની રહી. આશરે ૯થી ૧૦ કલાકના મટિરીયલમાં કાપકૂપ કરતાં ફિલ્મ બની ૨૪૮ મિનીટ, યાને કે ચાર કલાક આઠ મિનિટની ! વચમાં બે ઇન્ટરવલ રાખતાં દરેક શો સાડા ચાર કલાકનો થાય !

છતાં ડિસ્ટ્રીબ્યુટરોને એમ હતું કે ‘સંગમ’ પણ ક્યાં નાની હતી ? એમાંય બે ઇન્ટરવલ પડતા હતા. છતાં આ રિલીઝ થતાંની સાથે જ ફિલ્મ બહુ ખરાબ રીતે બેસી ગઈ !

રાજ સાહેબના અમુક જુના અને વિશ્વાસુ ડિસ્ટ્રીબ્યુટરોએ કહ્યું કે ‘રાજ સાહેબ, તમારી ફિલ્મોથી અમે બહુ કમાયા છીએ. આ ફિલ્મમાં થોડી ખોટ જશે તો ખમી લઈશું પણ જો તમે ફિલ્મની લંબાઈ ઓછી કરી આપો તો અમે જોર લગાડીને એને જરૂર ચલાવીશું !’

તે વખતે આજના જેવું નહોતું કે પ્રોડક્શન કંપની પોતાની ફિલ્મની જબરદસ્ત ‘હાઈપ’ ઊભી કરીને રિલીઝ પહેલાં જ મ્યુઝિક રાઈટ્સ, સેટેલાઈટ અને ઓટીટી રાઈટ્સ તથા ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુશનના રાઈટ્સ વેચીને ફિલ્મના ‘વાસ્તવિક ખર્ચ’ કરતાં વધારે રૂપિયાની કમાણી કરી લેતા હોય ! પછી ડિસ્ટ્રીબ્યુટરોનું જે થવાનું હોય તે થાય…

પરંતુ તે વખતે એવું નહોતું. એ જમાનામાં ‘ઓવરફ્લો’ની સિસ્ટમ હતી. અર્થાત્‌ ડિસ્ટ્રીબ્યુટરો અમુક મિનિમમ કિંમતે ફિલ્મ ખરીદે પછી એની ‘ઉપર’ની જે કમાણી થતી જાય તેમાંથી નિર્માતાને પણ એનો હિસ્સો મળતો જાય. જોકે ‘જોકર’ના કેસમાં તો આ શક્યતા સાવ ધૂંધળી હતી !

છેવટે નાછૂટકે રાજ સાહેબ પોતાની ફિલ્મની કાપકૂપ (દિકરીની સર્જરી) કરવા તૈયાર થયા ખરા. પરંતુ શું તમે જાણો છો કે એનું એડિટીંગ કરવાનું કામ કોને સોંપ્યુ હતું ? ખ્યાતનામ દિગ્દર્શક ઋશિકેશ મુખર્જીને ! (જેમણે રાજસાહેબ સાથે ‘અનાડી’ બનાવી હતી અને ‘આનંદ’ પણ બનાવવા માગતા હતા.)

ખેર, ફિલ્મની લંબાઈ ઘટાડ્યા પછી પણ તે ચાલી નહીં. લોકોને ફિલ્મ નહીં પસંદ પડવાનાં બે ત્રણ કારણ હતાં. એક તો છેલ્લા છ વરસમાં રાજ કપૂરની સ્ટાર વેલ્યુ ઘટી ગઈ હતી. ‘તીસરી કસમ’ ‘દીવાના’ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ અને ‘સપનોં કા સૌદાગર’ માત્ર ચાર જ ફિલ્મો આવી, અને ચારેય ફ્લોપ !

જોકે ‘મેરા નામ જોકર’નો પહેલો ભાગ (રીશીકપૂર, સીમી) સૌને પસંદ પડ્યો હતો પરતુ ત્રીજા ભાગમાં ૪૫-૫૦ વરસના દેખાતા ફાંદાળા રાજસાહેબને જોઈને પદ્મિની જેવી હરીભરી બકસમ કાયા ધરાવનારી નારી કયા હિસાબે ‘પ્રેમમાં’ પડે ? એ સમજાતું નહોતું. 

વળી આવી કાયા ધરાવનારી નારી ‘છોકરો’ બનીને મુંબઈ જેવા મહાનગરમાં રહેતી હોય, એનો અવાજ પણ છોકરી જેવો હોય, અને શર્ટમાંથી કાયા ઉભરીને આવતી દેખાતી હોય છતાં કોઈની નજર ના પડે ? 

આ બધું તો ઠીક, પણ ત્રીજા ભાગમાં એક કવ્વાલી, એક પંજાબી હીર (લોકગીત) અને રાજકપૂરની વિચિત્ર વેશભૂષાઓ વગેરે લોકોને પસંદ પડ્યું નહીં.

જોકે સૌથી મોટી ખામી એ હતી કે ફિલ્મનો હીરો એક 'જોકર' હોવા છતાં ક્યાંય એવી કોમેડી નહોતી ! પહેલા ભાગમાં એ બાઘો છે, બીજા ભાગમાં ઘેલસઘરો છે અને ત્રીજા ભાગમાં તો એ રીતસર ઉલ્લુ જ બને છે ! 

નામ હતું જોકર... પણ સરકસવાળા ભાગમાં પણ પેટ પકડીને હસાવે એવી કોમેડી ગાયબ હતી.. જોકે રાજ સાહેબ આને 'ટ્રેજેડી' જ બનાવવા માગતા હશે પણ પેકેજ ઉપર 'લેબલ' ખોટું લાગી ગયું !

ખેર... સરવાળે ત્રીજો ભાગ જોતાં જોતાં ઓડિયન્સ રીતસર ‘થાકી’ જતું હતું ! ત્યારબાદ ટુંકાવેલા વર્ઝનમાં તો ‘બુંદ સે ગઈ વો હોજ સે નહી આતી’ જેવું જ કંઈક થયું હતું. એકવાર હવા ખરાબ થઈ ગઈ પછી (‘પાકીઝા’ની જેમ) સુધરી નહીં.

જોકે પાછળથી ‘મેરા નામ જોકર’ને એક ‘કલ્ટ’ ફિલ્મ ગણાવવામાં આવી. જે કઠોર વિવેચકોએ અગાઉ સાવ મોળો પ્રતિસાદ આપેલો એ જ મહાન વિવેચકો હવે તેને રાજકપૂરનું ‘મહાકાવ્ય’ ગણાવી રહ્યા હતા !

છતાં, તમે નહીં માનો, રશિયામાં આ ફિલ્મે પ્રચંડ કમાણી કરી હતી ! માત્ર ૧૫ લાખ રૂપિયામાં જેના રાઈટ્સ ખરીદાયેલા તે ફિલ્મને ત્રણ અલગ અલગ ફિલ્મ તરીકે (હા, સર્જરી વિના !) રીલીઝ કરવામા આવી હતી. એની ટોટલ કમાણી કેટલી હતી ખબર છે ?  પૂરા ૧૬ કરોડ અને ૮૧ લાખ !! આજના હિસાબે લગબગ ૧૦૦૦ કરોડ થાય!

રહી રહીને સવાલ એ થાય કે રશિયન પ્રોડક્શન કંપની ‘સોવો ફિલ્મ્સ' જે આ ફિલ્મની સહનિર્માતા કંપની હતી, એમણે રાજસાહેબને કંઈ આપ્યું જ નહીં હોય ?

યે સરાસર નાઇન્સાફી હૈ, મિ. લોર્ડ !

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ફિલ્મના ત્રીજા પાર્ટનું (પદ્મિનીવાળા) શૂટીંગ પહેલાં શરૂ થયું હતું કેમકે તે વખતે રિશીકપૂર હજી પહેલા પાર્ટના હીરો બનવા જેટલા મોટા થયા નહોતા !

* ‘મેરા નામ જોકર’ની થિમ ટ્યૂન, જે આખી ફિલ્મમાં વારંવાર આવે છે અને ‘જીના યહાં…’ ગીતમાં લગભગ ૧૦૦ વાજિંત્રો વડે ગુંજી ઊઠતી સંભળાય છે, તે ઓરીજીનલી 'લોસિફ ઇવાનોવિસી' નામના એક રોમેનિયન સંગીતકારની ‘વેવ્ઝ ઓફ ડાનુબે’ નામની જગપ્રખ્યાત થઈ ચૂકેલી ધૂન હતી. જે કુરોસાવા નામના જાપાનિઝ દિગ્દર્શકની છેક ૧૯૪૯ની ફિલ્મ ‘સ્ટ્રે ડોગ’ના એક દૃશ્યમાં સભળાઈ હતી ! બોલો.

* ફિલ્મમાં લતા મંગેશકરનું એકપણ ગીત નહોતું. તેનું એક કારણ એવું કહેવાય છે કે ‘સંગમ’નું ગાયન ‘બુઢ્ઢા મિલ ગયા’ જે રીતે પરદા ઉપર દેખાડ્યું હતું તેનાથી લતાજી નારાજ હતાં.

* જોકે ત્યારબાદ ‘બોબી’ વખતે રાજ સાહેબે લતાજીને ‘શુકનિયાળ’ માનીને મનાવી લીધાં હતાં.

* મનોજકુમારે પોતાના એક દૃશ્ય માટે પોતાના સંવાદો જાતે લખીને રાજસાહેબને બતાડ્યા. એ જોઈને રાજકપૂર એટલા ખુશ થયા કે બીજાં થોડાં દૃશ્યોનાં સંવાદો પણ એમને જ લખવાનું કહ્યું !

* ફ્લોપ ગયા પછી વિવેચકોએ 'મેરા નામ જોકર'ને એક ' મિસ-અંડરસ્ટુડ' ફિલ્મ ગણાવી હતી ! ઘણા પ્રેક્ષકો પણ એવા હતા જે ફિલ્મને પાછળથી 'સમજ્યા' હતા...

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. સરસ લેખ. સરસ માહિતી.

    યુવાનીમાં આ ફીલ્મ થિયેટરોમાં જોએલી. વોચમેન તરીકે હું એમની સર્જનાત્મકતા, પબ્લીસીટી હાઇપ ના નવા આઇડીયાઝ, માર્કેટીંગ નુ ઇનોવેટીવ કૌશલ્ય ,- આ તમામનો દીવાનો હતો. ત્યારે બહુ આવડત નહોતી.પણ એટલુ લાગેલું કે કંઈ ગડબડ છે

    વખત જતાં અને આ ક્ષેત્રમાં થૌડો અનુભવ લીધા પછી સમજાયું એ મુખ્ય વાત એ કે ફીલ્મનો ક્રમ ઉંધો હતો.

    સારા નાટક કે ફીલ્મમાં પહેલો ભાગ માડણી નો હોય, બીજો વિકાસનો હોય અને ત્રીજો ક્લાઇમેક્સ નો હોય. અહીં વાર્તા થી માંડીને એકેએક વાતમાં માં પહેલો ભાગ શ્રેષ્ઠ હતો, બીજો મધ્યમ અને ત્રીજો ન જ ચાલે એટલો લચર અને ખરાબ.

    રાજકપૂર જેવા દિગ્ગજ સર્જકને આ ખ્યાલ કેમ નહીં આવ્યો હોય ? કે પછી પદ્મીની થકી કોઈ કમીટમેન્ટ કે કોઈ અન્ય જાતનું પ્રેશર હશે ? રાજકપૂર પોતે ત્રીજા ભાગમાં મડદાં કે થ્યો અને જેવા જ રહ્યા છે. 🙏


    ReplyDelete
  2. આપની વાત તદ્દન ખરી છે. આ ફિલ્મને હું એટલી હદે ચાહું છું કે જોકર ના પાત્ર માંથી ગાયબ થયેલ હાસ્યનો મુદ્દો મારા ધ્યાન માં ક્યારેય આવ્યો જ નહીં!

    ત્રણ સલામ આપને!
    🫡🫡🫡

    આજે આ ૪:૧૮ મિનિટની આખી અનકટ ફિલ્મ મારા ખજાનામાં ૪k resolution માં છે.

    જોઈતી હોય તો કહેજો. પેનડ્રાઈવ માં મોકલી આપીશ. સાથે સંગમ પણ હશે. ૩:૪૯ મિનિટની અને તે પણ ૪k resolution માં!

    પેન ડ્રાઈવ ટીવી માં ભરાવી દેવાની અને ફિલ્મ માણવાની!
    👍📽️📽️📽️

    ReplyDelete
  3. વાહ! 😜👌

    ****

    ચાર્લી ચેપ્લિને (1889–1977) 'મેરા નામ જોકર' ફિલ્મ જોઈ હતી કે નહોતી. આ બાબતે કોઈ પુરાવા કે માહિતી નથી કે તેમણે આ ફિલ્મ જોઈ હોય. પરંતુ, આ બંને મહાન કલાકારો વચ્ચે એક ખાસ જોડાણ ચોક્કસ હતું: 'મેરા નામ જોકર' (1970) ફિલ્મની વાર્તા અને રાજ કપૂરનું પાત્ર ઘણું ખરું ચાર્લી ચેપ્લિનની 1928ની ક્લાસિક ફિલ્મ 'ધ સર્કસ' પરથી પ્રેરિત હતું.
    રાજ કપૂર પોતે ચાર્લી ચેપ્લિનના બહુ મોટા ચાહક હતા. તેમણે પોતાની ફિલ્મો જેમ કે 'આવારા', 'શ્રી 420' અનાડી અને 'મેરા નામ જોકર' માં ચેપ્લિનના પ્રખ્યાત 'ધ ટ્રેમ્પ' (વિચરતો ગરીબ માણસ જે દુનિયાને હસાવે છે) ના પાત્રની ઝલક અપનાવી હતી, જેના કારણે તેમને "ભારતના ચાર્લી ચેપ્લિન" પણ કહેવામાં આવતા.
    ફિલ્મનું નામ 'મેરા નામ જોકર' હોવાથી લોકો એમ વિચારીને થિયેટરમાં ગયા હતા કે આ એક કોમેડી કે મનોરંજક ફિલ્મ હશે. પરંતુ, તેના બદલે ફિલ્મમાં એક જોકરના જીવનની ફિલોસોફી, ગંભીરતા અને તેના જીવનના દર્દ અને વિરહને દર્શાવવામાં આવ્યા હતા, જે તે સમયના સામાન્ય દર્શકો સમજી શક્યા નહોતા.
    સાથે આઝાદી મળ્યાના 30 વર્ષ પછી ગરીબ હીરો ને બદલે આધુનિક ફેશનેબલ હીરો નો સ્ટેન્ડ શરૂ થયો હતો. હીરો અમીર, હિંમતવાન અને દુનિયા સામે બંડ કરે તે દર્શકો વધુ પસંદ કરવા લાગ્યા હતા. પછી ગરીબ હીરો ગાયબ થવા લાગ્યા.
    મેરા નામ જોકર ની સામે હરીફ હતી જ્હોની મેરા નામ જે સુપર ડુપર હિટ થઈ હતી.

    ReplyDelete

Post a Comment