ગરબા-ગામિનીનાં વિવિધ સ્વરૂપો !

નવરાત્રિમાં તો માતાજીનાં નવ સ્વરૂપો છે. પરંતુ ગરબે ઘુમતી નારીઓનાં પણ અલગ અલગ સ્વરૂપો છે ! જુઓ…

*** 

પાર્લર કામિની સ્વરૂપ :
ઓરીજીનલ ફેસ ભલે આધારકાર્ડના ફોટા જેવો હોય પણ આ કન્યાઓ બ્યુટિ પાર્લરમાં જઈને આઈફોનનાં બેસ્ટ ફિલ્ટરો વડે પડાવ હોય એવી સેલ્ફી જેવો દેખાવ ધારણ કરીને ગરબામાં ઉતરે છે !

*** 

મોબાઈલ ધારિણી સ્વરૂપ :
મોબાઈલ લીધા વિના તો ગરબામાં જવાતું હશે ? પણ પછી રમતી વખતે મોબાઈલ મુકવાનો ક્યાં ? ચંપલો જોડે ? પર્સની સાથે ? કોઈ ચૂગલીખોર બહેનપણી પાસે ? (જોખમી છે !)… એટલે આ કન્યાઓ હાથમાં મોબાઈલ ધારણ કરીને જ ગરબામાં ઘુમતી હોય છે !

*** 

સ્ટોરી વિધાયિની સ્વરૂપ :
સરસ તૈયાર થયાં ? સ્ટોરી મુકો ! પાસ મળ્યા ? સ્ટોરી મુકો ! ગરબાના પ્લોટમાં એન્ટ્રી મારી ? સ્ટોરી મુકો ! ફ્રેન્ડ્ઝ જોડે સેલ્ફીઓ લીધી ? સ્ટોરી મુકો ! નાસ્તા કરવા ગયા ? સ્ટોરી મુકો ! ફ્રેન્ડે સ્ટોરી મુકી ? એની પણ સ્ટોરી મુકો !

*** 

સ્ટેપ પ્રભાવિની સ્વરૂપ :
દોઢ દોઢ મહિના સુધી ગરબા ક્લાસિસમાં નવાં નવાં સ્ટેપ શીખ્યાં હોય તે બતાડવા તો પડે જ ને ? એટલે આખું ગામ ડાબેથી જમણે ફરતું હોય ત્યાર આ સ્ટેપ પ્રભાવિની જમણેથી ડાબે ચકરડી ભમતી દેખાશે ! એમાંય જો કોઈ વિડીયો ઉતારતું દેખાય તો આને બબ્બે પાંખો ફૂટશે !

*** 

નાસ્તા ભક્ષિણી સ્વરૂપ :
હજી ચાર આંટા માર્યા ત્યાં તો ભૂખ લાગી જશે ! ગરબા કઈ જગ્યાએ સારા થાય છે એના કરતાં નાસ્તા સારા ક્યાં મળે છે એમાં વધાર રસ હોય છે. અને હા, રાત્રે એક વાગ્યા પછી આ દેવીઓ અચૂક ખાઉગલીમાં પ્રગટ થાય છે !

*** 

ઓટલા બિરાજિની સ્વરૂપ :
આ સ્વરૂપ પોળો, સોસાયટીઓ અને ફ્લેટોમાં વધુ જોવા મળે છે. આ નારીઓ નામ પુરતા બે ચાર ગરબા કર્યા પછી એકાદ ઓટલો પકડી લે છે ! છેવટે બાર વાગ્યા પછી જ્યારે મફતિયો નાસ્તો આવે ત્યારે પેટપૂજા કરીને એજ પેટપૂજાનો સામાન ઘરનાં બીજાં મેમ્બરો માટે મહા પ્રસાદ સ્વરૂપે ફૂલ ક્વોન્ટિટીમાં લઈ જાય છે…

બોલો નારી સ્વરૂપોની જય !

***

- મન્નુ શેખચલ્લી 
- મન્નુ શેખચલ્લી

Comments