નવરાત્રિમાં આપણે હવે ગરબાની પહેલી લાઇન સિવાય કશું સાંભળવાનું રાખ્યું જ નથી. (એમાંય, ગાવાની જવાબદારી તો રાખી જ ક્યાં છે ? એ તો પેન ડ્રાઈવ જાણે અથવા કોમર્શિયલ ગાયકો જાણે.)
પરંતુ હવે આ નવા ટાઇમમાં ગરબાના અમુક શબ્દો સાવ આઉટ-ડેટેડ થઈ ગયા છે ! સાંભળો…
***
‘ઇંધણા વીણવા ગઈ’તી મોરી સૈયર
વેળા બપોરને થઈ’તી રે લોલ !’
ઓ બહેન ! ઘરમાં ગેસ છે, ઓવન છે, ગિઝર છે તો પછી ‘ઇધણાં’ (એટલે ચૂલામાં બાળવાનાં લાકડાં… જેન-ઝિને તો એ પણ ક્યાંથી ખબર હોય ?) વીણવા જવાની જરૂર જ ક્યાં હતી?
અને બહેન. જ્યારે વેળા બપોરની થઈ હતી ત્યારે તું મસ્ત એસીવાળા બ્યુટિપાર્લરમાં હતી ! ભૂલી ગઈ ?
***
‘ઝીણું દળું તો ઊડી ઊડી જાય
જાડું દળું તો કોઈ ના ખાય !’
ઓ હલો મેડમ ! કાં તો તમારું મિક્સર ગ્રાઉન્ડર રીપેર કરાવી લો, અથવા તૈયાર લોટનાં પેકેટો ‘બ્લિંન્ક ઇટ’ કરીને મંગાવવાનું રાખો !
બાકી તમારી જુના મોડલની ઘરઘંટી બગડી ગઈ હોય તો એમાં બીજાનો વાંક ના કઢાય ! સમજ્યાં ?
***
‘પાવલી લઈને હું તો
પાવાગઢ ગઈ તી…’
લો બોલો ! ઓનલાઈન પેમેન્ટનો જમાનો આવી ગયો છે આન્ટી ! અને પેલી જુના જમાનાની, એલ્યુમિનિયમનાં છોતરાં જેવી પાવલીને હવે ‘એન્ટિક’માં પણ કોઈ ગણવા તૈયાર નથી !
***
‘એક લાલ દરવાજે તંબૂ
તાણિયા રે લોલ…’
માસી ! ત્યાં લાલ દરવાજા પાસે કોઈ તંબૂ બંબૂ છે જ નહીં ! વરસોથી ત્યાં લાલ બસોનો અડ્ડો છે ! જો બસમાં જવું હોય તો રાહ જોતા ઊભા રહો, બાકી આ આવ્યું રીક્ષાનું શટલિયું…
***
‘પાણી ગ્યાં તાં રે બેની
અમે તળાવનાં રે…’
તળાવ ? એ કેવું હોય ? અને એનું પાણી ? એક ઘૂંટડો પણ પીવાલાયક રહ્યું નથી ! આજકાલ તો ગામડે ગામડે ‘નલ સે જલ’ છે…
અને એમાંય ઠેકઠેકાણે ‘નલ સે છલ’ (છેતરામણી) છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment