લોકશાહીનાં મૂળિયાં બવ ઊંડા છે !

‘જોયું ? દિલ્હીની સરકાર ડરી ગઈ ! કિલ્લેબંધી કરી નાંખી ! ધરપકડો કરી ! ટ્રેનો રદ કરી ! મેટ્રો સ્ટેશનો બંધ કર્યાં… છતાં જે થવાનું હતું તે તો થયું જ ! શું કહો છો…’

અમારા સવાલના જવાબમાં રણઝણસિંહે ભલતો જ સવાલ કર્યો :

‘મન્નુડા, મને ઈ ક્યે, કે મહાભારતનું યુદ્ધ શું હતું ?’

‘તમે આમ આડા અવળા સવાલો ના પૂછો. મૂળ મુદ્દાનો જવાબ આપો.’

‘ઇ જ દઉં છું !’ રણઝણસિંહ બોલ્યા : ‘મહાભારતનું યુદ્ધ રાજાઓ વચ્ચેનું યુદ્ધ હતું. એક તરફ પાંચ રાજા અને બીજી તરફ સો રાજા ! બિચારી પરજાને કોઈ પૂછવા જ નો’તું ગ્યું !’

‘તમે કહેવા શું માગો છો ?’

‘હજી હાંભળ… ભારતમાં ગુપ્તવંશ, ચૌલવંશ, અશોકવંશ… આ હંધાય રાજાઉંના મોટાં મોટાં રાજ્યો હતાં કે નંઈ ? ઈ અટલાં મોટાં શી રીતે થ્યાં ? બીજા રાજાઉં સાથે યુદ્ધ કરી કરીને ! બરોબર ?’

‘બરોબર.’

‘પણ પરજા ? ઈ તો ન્યાંની ન્યાં જ હતી !’

‘અરે, તમે કહેવા શું માગો છો ?’

‘ના ના. મુગલો આ દેશમાં આયવા પછી શું થ્યું ? બે રાજાઓનાં સૈન્યો એકબીજા હાર્યે લઢે… એમાં જે જીતે ઈનું ન્યાં રાજ ! પરજા બચારી ન્યાંને ન્યાં !’

‘અરે પણ -’

‘પણ… પણ… પણ… ૧૯૨૩માં ભારતમાં પહેલીવાર સ્થાનિક ચૂંટણીયું થઈ ! ઈ પણ કેવી ? કે અમેરિકામાં વરસોની લડત પછી છેક ૧૯૨૦માં મહિલાઉંને મતાધિકાર મઈળો ! પણ ભારતમાં પહેલાં જ ઇલેક્શનમાં, ૧૯૨૩માં મહિલાઉં સેમ લેવલ પર ગણવામાં આવી ! આ કોઈ જેવી તેવી વાત નથી, મન્નુડા !’

‘હજી નો હમજાણું…’

‘તો ઇમ હમજ મારા મન્નુડા કે ભારતની લોકશાહીને આજે ૧૦૩ વરહ થ્યાં છે ! મૂળિયા બવ ઊંડા છે હમજ્યો ?’

‘હા પણ -’

‘ઇ જ કવ છું… કે પહેલાં રાજાઉં માંહોમાંહે લડતા, ને પરજા તમાશો જોતી ! પણ હવે દર પાંચ વરસે તો પાંચ વરસે, પરજા પાંહે જાવું પડે છે… જો રાજ કરવું હોય તો !’

‘વાત સાચી. પણ -’

‘મતલબ કે એક રાજા બીજા રાજાને હરાવી દ્યે, દબાવી દ્યે, દમદાટીથી ભગાડી દ્યે… ઇ જમાના ગ્યા ! કેમકે મન્નુડા આ લોકશાહી છે. આયાંનો રાજા પરજાને ભોળવી હકે… પણ ‘હરાવી’ નો હકે !’

‘એટલે દિલ્હીમાં જે કંઈ થયું…’

‘ઇ લોકશાહીનો પરચો છે, બાપલ્યા ! છતાં આમાં હજીયે બે વાત હમજવા જેવી છે.’

‘શું ?’

‘ઇ જ કે લોકશાહીમાં પરજાને રીઝવવી બવ અઘરી છે પણ ઉશ્કેરવી હાવ સહેલી છે !’

રણઝણસિંહે આંખ મિચકારી. પણ અમને કાંઈ હમજાણું નંઈ…

***

- મન્નુ શેખચલ્લી

Comments