ટ્રમ્પ શીખી રહ્યા છે !

અમેરિકામાં નવેમ્બર મહિનામાં મિડ-ટર્મ ચૂંટણી આવી રહી છે. આને કારણે બિચારા ટ્રમ્પ ઘાંઘા થઈ ગયા છે !
જોકે એ થોડું થોડું શીખી પણ રહ્યા છે…

*** 

ટ્રમ્પે અચાનક દરેક અમેરિકનના બેન્ક ખાતામાં ૫૦૦૦ ડોલર આપવાની જાહેરાત કરી નાંખી ! અરે, ૫૦૦-૫૦૦૦ ડોલર તો જમા પણ કરાવી દીધા !

આ ક્યાંથી શીખ્યા ? ભાજપના રેવડી પોલિટીક્સમાંથી !

*** 

હમણાં સમાચાર આવ્યા છે કે ત્યાંની મતદાર યાદીમાંથી મૂળ ભારતીય લોકોનાં બે લાખ જેટલાં નામો કમી થઈ ગયાં છે ! એ જ રીતે લાખો અશ્વેત અને હિસ્પીયન (મેક્સિકન) મતદારોનાં નામો પણ ગાયબ છે !

આ ક્યાંથી શીખ્યા ?
યસ…! ભારતમાંથી !!

*** 

ટ્રમ્પ કહે છે કે ચૂંટણીઓમાં બેલોટ પેપરનો ઉપયોગ સદંતર બંધ થવો જોઈએ ! માત્ર ઈવીએમ વડે વોટિંગ થવું જોઈએ !
આ જ્ઞાન એમને ક્યાંથી પ્રાપ્ત થયું ? 

અફ કોર્સ, ભારતમાંથી !

*** 

અત્યાર સુધી અને હજી પણ, અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં મત આપવા માટે મામૂલી ડ્રાઇવીંગ લાયસન્સ જેવા પુરાવા માન્ય ગણાય છે ! ટ્રમ્પ કહે છે કે ડેમોક્રેટ પાર્ટી આનો ગેરલાભ ઉઠાવીને ઘૂસણખોરો પાસે મતદાન કરાવે છે !

તો ભાઈ, ડેમોક્રેટ પાર્ટીને આ સ્માર્ટ જ્ઞાન ક્યાંથી મળ્યું ? મમતા બેનરજી પાસેથી !

*** 

છતાં ટ્રમ્પ સાહેબે ભારત પાસેથી હજુ ઘણું શીખવાનું બાકી છે ! જેમકે –

ટ્રમ્પ સતત કકળાટ કરે છે કે આખું અમેરિકન મિડીયા મારી વિરુદ્ધ છે !

તો સાહેબ, જ્યારે પહેલી વાર જીત્યા હતા ત્યારથી અમારા ‘ગોદી મિડીયા’ જેવું બનાવવાનું ચાલું કર્યું હોત તો ? આ દહાડા જોવાના ના આવ્યા હોત ને !

*** 

એ જ રીતે ટ્રમ્પ સાહેબ ઇરાન સામે યુદ્ધ છેડીને હવે ફસાઈ ગયા છે !

આ ભૈશાબ, હજી અમારા સાહેબ પાસેથી કંઈક શીખો ! આવું મોટે ઉપાડે યુદ્ધ કરાય જ નહીં !

કાં તો બાલાકોટ જેવી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરો… અથવા ‘ઓપરેશન સિંદૂર’ની જેમ સાડા ત્રણ દિવસમાં ખેલ ખતમ કરીને સાડા ત્રણ મહિના સુધી એનાં નગારાં વગાડો !

પણ છોડો, ટ્રમ્પ નહીં શીખી શકે ! કેમકે એના માટે દિમાગ ‘ઇન્ડિયન’ હોવું જોઈએ…

***

- મન્નુ શેખચલ્લી

Comments