એક કાંટાની અણી ઉપર
વસે ત્રણ ગામ,
બે ઉજ્જડ
ત્રીજામાં વસ્તી જ નહીં !
***
એ ગામમાં વસે
ત્રણ કવિ…
બે ડફોળ
ત્રીજામાં અકક્લ જ નહીં !
***
એ કવિએ લખી
ત્રણ ગઝલ…
બે બોબડી
ત્રીજામાં શબ્દો જ નહીં !
***
એ ગઝલ સુણાવી
ત્રણ શ્રોતાઓને…
બે બહેરા અને
ત્રીજો સાંભળે જ નહીં !
***
કવિને મળી
ત્રણ દાદ…
બે મુંગી મુંગી
ત્રીજી સંભળાઈ જ નહીં !
***
કવિના છપાયા
ત્રણ કાવ્ય સંગ્રહ…
બેનાં પાનાં કોરા
ત્રીજાં પાનાં જ નહીં !
***
સંગ્રહમાં હતી
ત્રણ કવિતાઓ…
બે તો અઘરી
ત્રીજી સમજાય જ નહીં !
***
કવિને મળ્યાં
ત્રણ ઇનામ…
બેમાં પૈસા નહીં
ત્રીજામાં ‘કશું’ જ નહીં !
***
આમાં કવિને થયાં
ત્રણ દુઃખ…
બે તો ‘બે-દર્દ’
ત્રીજું ચચર્યું પણ નહીં !
***
હવે કવિએ લખ્યાં
ત્રણ મહા-કાવ્યો…
બે હાઈકુ જેવડાં
ત્રીજું ત્રણ જ અક્ષરી !
***
આ કવિતાથી મળશે
ત્રણ શીખ…
બે લેવી નહીં…
અને ત્રીજી… આપવી નહીં !
સમજી ગયા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment