રણઝણસિંહનું ટ્રાફિક સોલ્યુશન !

‘સોરી હોં ? તમને ટાઇમ આપ્યો હતો છતાં આવતાં એક કલાક લેટ થઈ ગયું ! કેમકે આ ટ્રાફિક -’

‘હાસ્તો ? ભારતમાં વિકાસ જ કેટલો બધો વધી ગ્યો છે ? ટ્રાફિસ તો થાવાનો જ ને ?’

રણઝણસિંહે આવો ટોણો માર્યો એટલે અમે અકળાયા :
‘આ કંઇ ઓફિસમાં લેટ પડનારા કર્મચારીનું સ્ટાન્ડર્ડ બહાનું નથી ! ખરેખર રસ્તામાં એટલો બધો ટ્રાફિક હતો જ !’

‘તે હું ક્યાં ના પાડું છું ? માણસ પૈસા કમાઈને કાર લ્યે… પછી રોડ પર દસ માણહની જગ્યા એકલો દબાવીને હાલે… એવા સેંકડો હજારો માણસું હોય તો એમ થોડું જ કે’વાય છે કે તમે કારું ના ખરીદો ? વિકાસ થ્યો છે અટલે જ તો ઇ કાર ખરીદે છે ને !’

‘પણ આટલાં બધાં વાહનો માટે એટલા પહોળા રસ્તા નથી એનું શું ?’

‘રસ્તા તો હવે પહોળાઈ થઈ જ નો હકે ! કેમકે કપાતમાં લોકોનાં ઘરું અને દુકાનું જાય તો લાખોની સંખ્યામાં વોટું જ કપાઈ જાય ! સરકાર રાતોરાત પડી જાય !’

‘તો પછી આનો કાંઈ ઉપાય જ નથી ?’

‘ઉપાયમાં તો જલંધરવાળી કરવી પડે !’

‘ઈ વળી શું ?’

‘જલંધર શહેરના એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ જ પ્રોબ્લેમ હતો. શીફ્ટ બદલવાને ટાણે સામટી સવાસો ફેકટરીયુમાંથી હજારો લોકો છૂટે… ને એટલા ને એટલા હામું નવી શીફ્ટમાં કામ કરવા હાટું હાઈલા આવે ! અટલે રોડ પર ચક્કા જામ !’

‘તો એમણે શું કર્યું ?’

‘હંધાય ફેકટરવાળાવે ભેગા મળીને એમની શીફ્ટુંના ટાઇમિંગમાં વીસ-વીસ મિનિટનો ફેરફાર કરી નાંઈખો ! અમુક ફેકટરીયુંની શીફ્ટું થોડી વહેલી ને અમુકની થોડી મોડી કરી નાંઈખી અટલે ટ્રાફિક એની મેળે નોર્મલ થઈ ગ્યો !’

‘આઇડિયા સારો કહેવાય હોં !’

‘તો હવે આ વિકસિત ભારતમાં ઇ જ રૂલ અપનાવવાની જરૂર છે ! દરેક એરિયાની ઓફિસું, દુકાનું ને કારખાનાંવના ટાઇમિંગમાં ઇ રીતના ગેપ પડાવી દેવા પડે !’

‘પણ લોકો માનશે ?’

‘જો, આમાં કેવું છે, કે જે લોકો નંઈ માને ઈ ‘દેશદ્રોહી’ ગણાશે, ને જે માનશે ઈ ‘દેશભક્ત’ ! કેમકે આપણે તો વિકાસમા ય પોલિટીક્સ તો કરવું જ છે ને ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments