અમને હંમેશાં નવાઈ લાગે છે કે આપણી ગુજરાતી વાનગીઓનાં આપણે આવાં કેવાં ફાલતુ નામો પાડ્યાં છે ?
***
સાચું કહેજો, ‘ફાફડા’ કંઈ નામ છે ?
યાર, સરસ મજાની ઓફ-વ્હાઈટ કલરની વાનગી છે, સાથે યલો કલરની (મફત) ચટણી હોય છે. એ લાંબી વાંસળી જેવી વાનગીને હાથમાં લો તો સુંવાળુ ટેક્સ્ચર છે… અને બોસ, મોંમાં મુકતાંની સાથે જ એ એટલી સુંદર રીતે શરણે થઈ જાય છે જાણે ઘરમાં નવી નવી આવેલી ‘સંસ્કારી’ પૂત્રવધુ !
પણ એનું નામ શું છે ? … ‘ફાફડા’ !
યાર, ‘પાવડા’ જેવું નથી લાગતુ ?
***
આમ જોવા જાવ તો ગાંઠીયા એ ફાફડાની નાની બહેન જ કહેવાય ને ? એ જ મસ્ત હળવો રંગ, એ જ મસ્ત સ્વાદ, એ જ લહેજત…
છતાં નામ શું ?.... ‘ગાંઠીયા’ !
જાણે ખાતાંની સાથે જ પેટમાં ગાઠો પડી જવાની હોય !
***
એવું જ ‘ચકરી’નું છે. યાર, આ તે કંઈ નામ છે ?
બિચારી મમ્મી ઘઉં-ચોખાનો લોટ બાંધે, એમાં કંઈ માખણ ઉમેરે, પછી પેલાં બાવડાં દુઃખાડી દે એવા સંચા વડે એને શ્રીકૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્ર જેવા અણિયાળા સ્વરૂપમાં કેટલી બધી ચીવટથી સરસ રીતે થાળીમાં ગોળગોળ આકારમાં તેની ‘સ્થાપના’ કરે…
અને, અભી તો રૂકો… એને વારાફરતે હળવેકથી ઉપાડીને ગરમાગરમ તેલમાં તળે… અને તમે ખાઓ તો બત્રીસે કોઠે દિવાળીની ફૂલઝડી ફૂટતી હોય એવા ચમકારા !
છતાં નામ શું રાખ્યાં છે ? ‘ચકરી’ !!
અમને તો ‘મુકરી’ જેવું લાગે છે !
***
આપણી ગુજરાતી ભાષાના મહાન લેખકો (અને ભાષાના રક્ષકો) એ ઝૂંબેશ ચલાવવાની જરૂર છે, આ બધાં નામો બદલી નાંખવાની ! કેમકે તમે જુઓ…
ઢેબરાં, થેપલાં, ખાખરા, ખડખડીયાં, ખીચું, ઊંધીયું, પત્તરવેલિયાં, વેઢમી, ઢોકળાં… મૂઠીયાં… દાબેલી…
(છેલ્લાં બે નામો બદલવાની ભલામણ તો સેન્સર બોર્ડ પણ કરશે ! બોલો.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment