મો.ક. ગાંધી... રા.રા. ગાંધી... !

આજે ગાંધીજયંતિ છે. આજકાલ બે ગાંધી ચલણમાં છે. એક ‘મો. ક. ગાંધી’ ચલણી નોટ પર છે. અને બીજા ‘રા. રા. ગાંધી’ વિપક્ષની ગાદી પર છે. બંનેમાં અમુક વિશિષ્ટ સામ્યતાઓ છે !

*** 

મો. ક. ગાંધી ટ્રેનના થર્ડ ક્લાસના ડબ્બામાં બેસીને આખા દેશને ‘જાણવા’ માટે ફર્યા.

રા. રા. ગાંધી ૧૫૦ દિવસ સુધી પગપાળા જ આ દેશને ‘જોડવા’ માટે ફર્યા.

*** 

મો. ક. ગાંધી અવારનવાર અન્ન-જળનો ત્યાગ કરી દેતા હતા.
રા. રા. ગાંધી તો અચાનક જ આખા દેશનો ત્યાગ કરીને ક્યાંક વિદેશમાં જતા રહેતા હતા !

*** 

મો. ક. ગાંધીએ જનતામાં ‘હિન્દ છોડો’નું આંદોલન શરૂ કરાવ્યું હતું.

રા. રા. ગાંધીએ હજારો કોંગ્રેસીઓને ‘કોંગ્રેસ છોડો’ માટે પ્રેરિત કર્યા છે !

*** 

મો. ક. ગાંધી ભારત દેશને આઝાદી અપાવવા માગતા હતા.
રા. રા. ગાંધી કાશ્મીરને ફરીથી આઝાદી અપાવવા માગે છે ! એ ઉપરાંત જેએનયુના વિદ્યાર્થીઓને, કોકરોચોને, ઉમર ખાલીદને તથા ઈવીએમને પણ આઝાદી અપાવવા લડી રહ્યા છે !

*** 

મો. ક. ગાંધી માટે જુની પેઢીના લોકો કહે છે કે ‘નવી પેઢીએ એમને સમજવા જોઈએ.’

રા. રા. ગાંધી માટે દરેક પેઢીના લોકો કહે છે કે ‘આ ભાઈ અમને સમજાતા જ નથી !’

*** 

મો. ક. ગાંધી દેશમાં ઠેર ઠેર ગાંધી આશ્રમો ખોલવા માગતા હતા.

રા. રા. ગાંધી દેશમાં ઠેર ઠેર ‘મહોબ્બત કી દુકાન’ ખોલવા માગે છે !

*** 

મો. ક. ગાંધી લંડન જઈને ચર્ચિલને ખરી-ખોટી સંભળાવી આવ્યા હતા.

રા. રા. ગાંધી વારંવાર અમેરિકા જાય છે અને ભારતને 
ખરી-ખોટી સંભળાવીને પાછા આવે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments